ભાણવડ તાલુકાની પરિણીતાને જીવતી સળગાવનાર દિયરને આજીવન કેદ

ભાણવડ તાબેના ગડુ ગામની સીમમાં રહેતી એક પરિણીત યુવતી સાથે પારિવારિક ઝઘડો કરી, તેણીના દિયર દ્વારા કેરોસીન છાંટી અને દિવાસળી ચાપી દેતા મૃત્યુ પામેલી આ પરિણીતા અંગેનો કેસ ખંભાળિયાની સેસન્સ અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી શખ્સને આજીવન કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ભાણવડ તાલુકાના ગડુ ગામની સીમમાં રહેતી નિમુબેન હેમતભાઈ ભેટારિયા નામની એક પરિણીતાનો લગ્નગાળો ચાર વર્ષનો હતો અને તેણી ડ્રાઈવિંગકામ કરતા પોતાના પતિ હેમતભાઈ, સસરા લાખાભાઈ ભેટારિયા, સાસુ હીરીબેન તથા દિયર ગોવાભાઈ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. તેણીને કોઈ સંતાન ન હતા.

ગત તારીખ 7 એપ્રિલ 2016 ના રોજ નીમુબેનના પતિ ડ્રાઈવિંગ કામ માટે ગયા હતા, ત્યારે પાછળથી તેણીના દિયર ગોવાભાઈ તેમજ સાસુ તથા સસરાએ કામ બાબતે ઝઘડો કર્યો હતો. જેનાથી દિયર ગોવાએ ઉશ્કેરાઇને “આજે તો તેને સળગાવી જ દેવી છે.”- તેમ કહીને કેરોસીન છાંટી અને દિવાસળી ચાંપી દીધી હતી. આથી ગંભીર રીતે દાઝી ગયેલા નિમુબેન સળગતી હાલતમાં પાણીની કુંડીમાં પડ્યા હતા.
ગંભીર હાલતમાં નિમુબેનને ભાણવડ બાદ જામનગરની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીએ જામનગર સીટી બી ડિવિઝનના પી.એસ.આઇ. તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ સમગ્ર ઘટના કહી હતી અને આ ડાઇંગ ડેક્લેરેશન બાદ નીમુબેનનું મૃત્યુ નીપજયું હતું. આના અનુસંધાને પોલીસે હત્યાની કલમ 302 નો ઉમેરો કર્યો હતો.

આ સમગ્ર પ્રકરણની ભાણવડ પોલીસમાં સાસુ, સસરા તથા દેર સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુ મૃતકના ભાઇ તથા પિતા હોસ્ટાઇલ થતાં મૃતકના સાસુ-સસરાને શંકાનો લાભ મળ્યો હતો. જ્યારે ફરિયાદીના ડાઈંગ ડેકલેરેશન લેનારા પી.એસ.આઈ.ની જુબાની, પૃથક્કરણ અહેવાલ તેમજ 23 સાક્ષીઓની તપાસ વિગેરે સાંકળતા દસ્તાવેજી પુરાવાઓ અહીંના જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા ખંભાળિયાની સેશન્સ અદાલતમાં રજુ કરી અને વિવિધ પ્રકારની દલીલો કરતા સેશન્સ જજ શ્રી એમ.એ. કડીવાલાએ આરોપી દિયર ગોવા લાખાને આજીવન કેદની સજા તથા રૂપિયા વીસ હજારનો દંડ અને જો દંડ ન ભારે તો વધુ એક માસની સજા ફટકારતો હુકમ કર્યો હતો