આસામ અને પ.બંગાળની વિધાનસભાની ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, પરંતુ તે પહેલા ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો હતો, અને રાજકીય પક્ષોની પરસ્પરની આક્ષેપબાજી નિમ્ન અને વ્યક્તિગત સ્તરે પહોંચી ગઈ હતી. વિપક્ષો ભાજપ કરતાંયે વધુ તડાપીટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બોલાવી રહ્યાં છે, જ્યારે ભાજપ અને તેના સ્ટાર પ્રચારકો મોટાભાગે મમતા બેનરજી પર નિશાન સાધી રહ્યાં છે. ભાજપ વડાપ્રધાન ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા અને કેટલાક અભિનેતાઓ તથા બુદ્ધિજીવીઓને પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતાર્યા છે.

આસામમાં પ્રચાર સ્થાનિક ચહેરાઓને કેન્દ્રમાં રાખીને મહદ્અંશે શાંતિપૂર્વક થઈ રહ્યો છે, અને રાષ્ટ્રીય નેતાઓની રેલીઓમાં પણ ભીડ જોવા મળી રહી છે.

બીજી બાજુ મમતા બેનરજીને પગમાં ફ્રેકચર હોવા છતાં તેઓ તાબડતોબ ચૂંટણી રેલીઓ કરી રહ્યાં છે. પ્રથમ તબક્કાનું આજે મતદાન પૂરૃં થતા જ બીજા તબક્કા માટેનો પ્રચાર વધુ વેગ પકડશે અને શબ્દપ્રયોગો અને આક્ષેપબાજી પણ વધુ આક્રમક અને ચોટદાર બની જશે, તેમ સ્પષ્ટ જણાય છે.

વાજપેયી સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા યશવંત સિંહા અત્યારે તૃણમુલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે. તેમણે કહ્યું કે, ભાજપ ઉધારિયા પાર્ટી છે, જે બીજા પક્ષોમાંથી તોડેલા નેતાઓના જોરે પ.બંગાળ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં છે. તે માટે એવો દાવો પણ કર્યો કે, પ.બંગાળની ચૂંટણી વર્ષ-ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીનું સેમી ફાયનલ છે અને તૃણમુલ કોંગ્રેસનો વિજય થયા પછી આગામી લોકસભામાં બદલાવ થશે, તેમજ તેની ચૂંટણી માટે વિપક્ષો એકજૂથ થઈને ભાજપને હરાવશે.

યશવંતસિંહાએ કહ્યું કે, પ.બંગાળમાં ભાજપ પાસે કોઈ સ્થાનિક ચહેરો જ નથી, અને બાહરી નેતાઓ મોદી-શાહ પર નિર્ભર છે. તામિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં ભાજપને જીતવાની બહુ આશા નથી અને આસામમાં તેમની સામે રાજ્યમાં સત્તા જાળવી રાખવાનો પડકાર છે. તેથી ભાજપા પ.બંગાળમાં ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે, પરંતુ મમતા બેનરજીની  લોકપ્રિયતા સામે ભાજપના વિજયની શક્યતા ધૂંધળી છે. ભાજપે પ.બંગાળમાં માહોલ બનાવ્યો છે અને તેને લાગે છે કે, તેઓ વિપક્ષોને દબાવી શકે છે, પરંતુ તેમ છતાં ભાજપના વિજયની શક્યતા નથી. તેમણે રાજયસભામાં જવા માટે તેઓ તૃણમુલમાં સામેલ થયા હોવાની વાતને અફવા અને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું કે, આવી છીછરી વાતો ઈરાદાપૂર્વક ફેલાવાઈ રહી છે. તેમણે ભાજપ દ્વારા નેતાઓની ઉંમર મર્યાદા નક્કી કરાઈ હોવાની વાતનો ઉલ્લેખ કરીને કહ્યું કે, એવા ઘણા દૃષ્ટાંતો છે. જેમાં આ મર્યાદાનું ઉલ્લંઘન કરાયું છે. ભાજપની નેતાગીરી કહે છે કાંઈક જુદુ અને કરે છે કાંઈક જુદુ…!

બીજી તરફ એડીઆરના એક રિપોર્ટ મુજબ પ.બંગાળમાં તમામ પાર્ટીઓમાં ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોને ટિકિટો અપાઈ છે. તાજા રિપોર્ટ મુજબ પ્રથમ બે તબક્કાના ૩૬ર ઉમેદવારોમાંથી રપ ટકા ઉમેદવારોનું બેક ગ્રાઉન્ડ ક્રિમિનલ છે. તે મુજબ સીપીએમના ૪ર ટકા, તૃણમુલ કોંગ્રેસના ૩પ ટકા અને ભાજપના ૪ર ટકા ઉમેદવારોનું બેક ગ્રાઉન્ડ ક્રિમિનલ છે, પરંતુ બીજા તબક્કાના ઉમેદવારોમાં ભાજપના સૌથી વધુ પ૭ ટકા, સીપીઆઈના પ૦ ટકા, એ ર૭ ટકા તૃણમુલ કોંગ્રેસના ઉમેદવારોનું બેક ગ્રાઉન્ડ ક્રિમિનલ છે.

સૌથી વધુ ચર્ચાસ્પદ મમતા બેનર્જીનું એક નિવેદન બન્યુ છે, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું છે કે, “પી.એમ. મોદી તદ્દન સ્વલક્ષી છે અને ભાજપની પાસે માત્ર બે “સિન્ડીકેટ” છે, એક દંગાને પ્રોત્સાહિત કરે છે. બીજાએ વિકાસને ધીમો કરી દીધો અને માત્ર દાઢી વધી રહી છે. તે ક્યારેક પોતાને  ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોરથી ઊચે રાખે છે, ક્યારેક પોતાને સ્વામી વિવેકાનંદ કહે છે, ક્યારેક સ્ટેડિયમનું નામ પોતાના નામે રાખે છે. એક દિવસ તે દેશને પણ વેંચી નાંખશે.”

By admin