પોરબંદર શહેરમાં સિમેન્ટ અને પેવર બ્લોક નાખવાની કામગીરી શેરી-ગલીઓમાં ધમધમી રહી છે ત્યારે અનેક ગલીઓમાં લોકો લોખંડના દરવાજા મુકીને શેરીને પેક કરી દે છે અને શ્ર્વાન સહિત ગૌધનને બહાર ધકેલી દે છે તેની સામે જીવદયાપ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને જિલ્લા કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી હતી અને તે અનુસંધાને ચીફ ઓફિસરે 25 થી વધુ શેરીઓના રહેવાસીઓને નોટિસ પાઠવીને દરવાજાઓ દૂર કરવા કડક સૂચના આપી છે.

પોરબંદરના નવાકૂંભારવાડાના રહેવાસી અને જીવદયાપ્રેમી રમેશભાઇ માલદેભાઇ ઓડેદરાએ જીલ્લા કલેકટરને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોરબંદર શહેરમાં અનેક જગ્યાએ લતાવાસીઓ જાહેર શેરીઓ પોતાના લાભ અને સ્વાર્થ માટે આવવા-નવાના રસ્તાની શેરીઓ બંધ કરી દેતા હોય છે. અત્યારે પોરબંદરની શેરીઓના પેવર બ્લોકથી મઢવાના કામો ચાલુ છે. અને અતી સુંદર કામગીરી થઇ રહી છે. પરંતુ આ નાની નાની શેરીઓમાં પેવર બ્લોક પથરાઇ ગયા પછી લતાવાસીઓ પોતાનો સ્વાર્થ જોતા હોય તેમ શેરીના નાકેથી નિયમ વિરૂધ્ધ શેરીઓ બંધ કરી દેતા હોય છે. અને આ જાતની ફેશન ઘણા લતામાં ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં મુંગા પશુઓને આ શેરીઓમાંથી ઢોર મારી હંકારવામાં આવે છે અને પોતાની શેરીઓ બ્લોક કરી દેતા હોય છે અને મુંગા પશુઓને લતાવાસીઓ થોડો ખોરાક આપતા હોય તે પણ બંધ થઇ જતાં પશુઓ પણ ખુબ જ પરેશાન થયેલ છે. આ પશુ જાય તો જાય કયાં? શહેરમાં મુખ્ય રસ્તાઓ ઉપર શ્ર્વાનને રહેવાની ફરજ પડે છે અને ગલુડીયાઓ માટેના ઘર પણ હવે ગલીમાં બની શકતા નથી. જેથી પોરબંદર શહેરના તમામ લત્તામાં આ રીતે ગેરકાયદેસર રીતે ગલીઓ પેક કરતા લોકોને કાયદાનું ભાન કરાવવા તેમજ આ જાહેર શેરીઓને ખુલ્લી કરવા અમારી માંગ છે તેમ રમેશભાઇ ઓડેદરાએ પુરાવા સાથે કરેલી રજુઆતમાં જણાવ્યું હતું.

પાલિકાએ 25 થી વધુ શેરીઓમાં આપી નોટિસ
રમેશભાઈ ઓડેદરાની આ રજુઆત અનુસંધાને પોરબંદર-છાંયા નગરપાલિકાના ચીફ ઓફિસરે શહેરની 25 થી વધુ દરવાજા નાખીને બંધ કરવામાં આવી છે તે ગલીઓના સર્વે રહેવાસીઓને એક નોટિસ પાઠવી છે. આ નોટિસમાં જણાવ્યું છે કે “આ નોટિસથી તમોને જાણ કરવામાં આવે છે કે ઉક્ત સરનામે તમોએ જાહેર રસ્તા ઉપર ગેઈટ મૂકી, રસ્તો બંધ કરેલ છે તે તદ્દન ગેરકાયદેસર છે. આથી આ જાહેર નોટિસથી તમોને જાણ કરવામાં આવે છે કે, આ નોટિસ મળ્યે દિવસ-7 માં અન અધિકૃત રીતે ફીટ કરવામાં આવેલ ગેઈટ દૂર કરી, જાહેર રસ્તો/ગલ્લી ખૂલ્લો કરી અત્રે જાણ કરશો. તેમ કરવામાં કસુર થશે તો આ ગેઈટ દૂર કરવાની કાર્યવાહી અત્રેથી હાથ ધરવામાં આવશે, જેની ગંભીર નોંધ લેશો. તેમ નોટિસમાં જણાવ્યું છે.

ગૃપ ફોર બર્ડ એન્ડ એનિમલના રમેશભાઈ ઓડેદરાની આ રજુઆત અનુસંધાને કાર્યવાહી કરતા જીવદયાપ્રેમીઓએ પણ પાલિકાની કામગીરીને આવકારી છે અને જો રહેવાસીઓ દબાણ દૂર નહીં કરે તો પાલિકાના તંત્રએ જાતે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી છે.
અનેક કુરકુરીયાઓ વાહન અકસ્માતે મોતને ભેટતા ગૃપ ફોર બર્ડ એન્ડ એનિમલનો આક્રોશ

પોરબંદરમાં પ્રાણી, પક્ષીઓની સેવા માટે સતત કાર્યરત ગૃપ ફોર બર્ડ એન્ડ એનિમલના નેહલબેન કારાવદરાએ જણાવ્યું હતું કે શહેરમાં અનેક જગ્યાએ ગલીઓ અને લોખંડના ગેઈટ મૂકીને શ્ર્વાનને બહાર ધકેલી દીધા છે. તેથી અનેક જગ્યાએ ગલીની બહાર મુખ્ય રસ્તાની સાઈડમાં શ્ર્વાન અને તેના ગલુડીયાઓ માટે ઘર બનાવવામાં આવ્યા છે. પરંતુ નાના કુરકુરીયાઓ રોડ ઉપર આંટાફેરા કરતા હોવાથી અનેક ગલુડીયાઓ વાહન અકસ્માતે કચડાઈને મોતને ભેટ્યા છે તેથી લોકોએ ગલી આડે મૂકેલા દરવાજા તાત્કાલીક દૂર કરવા જોઈએ.