વડોદરા ભાજપ કાર્યાલયની પાસેની બિલ્ડીંગના છઠ્ઠા માળે આગ લાગતા નાસભાગ મચી

સયાજીગંજ વિસ્તારમાં એમ.એસ યુનિવર્સિટીની સામે આવેલા બહુમાળી બિલ્ડીંગ મનુભાઈ ટાવરના બિલ્ડીંગમાં ભાજપનું કાર્યાલય આવેલું છે. તેની બાજુની વિંગમાં છઠ્ઠા માળે આવેલી એક ઓફિસમાંથી આજે સવારે ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડતા નાસ ભાગ મચી હતી.

પ્રાથમિક વિગતો મુજબ આ બિલ્ડિંગમાં આઠમાં માળે એક ગર્લ્સ હોસ્ટેલ પણ આવેલી છે. આગ લાગતા વિદ્યાર્થીનીઓ જીવ બચાવીને નીચે ઉતરી ગઈ હતી.

વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાતા ફાયરના જવાનો બીએસ સેટ પહેરીને આગ બુઝાવવા અંદર પ્રવેશ્યા હતા અને દરવાજાના લોક તોડી આગ કાબુમાં લેવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ આગનું સ્વરૂપ વિકરાળ હોવાથી વધુ ફાયર એન્જિન અને સ્ટાફની મદદ લેવામાં આવી હતી.