વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં નવાપુરા સરદાર માર્કેટ ખાતે નવી વહીવટી વોર્ડ નં-13 ની ઓફીસ 2.18 કરોડના ખર્ચે બનાવવા સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત મંજૂર થયા બાદ તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માર્કેટના વેપારીઓએ વૈકલ્પિક જગ્યા આપવાની માગણી કરી હતી. વેપારીઓનું કહેવું છે કે અમે અહીં 40 થી વધુ વર્ષથી ધંધો રોજગાર કરીએ છીએ. કોર્પોરેશન હવે અહીં તેની ઓફિસ બનાવવા માંગે છે. તો જે બિલ્ડીંગ ઊભી કરે તેમાં અમારા વેપારીઓનો પણ સમાવેશ કરી દુકાનો આપે. વેપારીઓ અહીં ખાતર, જંતુનાશક દવાઓ, બિયારણ વગેરે વેચી ધંધો કરે છે. અગાઉ આ બિલ્ડીંગ જર્જરીત બની જતા ખાલી કરવા નોટિસ આપી હતી. જે સામે વેપારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. સ્ટેન્ડિંગ સમિતિમાં જે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે, તેમાં અંદાજ કરતા 3% વધુ ભાવનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં તા.1/4/2022 થી 19 ઇલેક્શન વોર્ડ મુજબ વહીવટી વોર્ડની રચના કરવામાં આવેલ છે. સરદાર માર્કેટ ખાતે નવી વોર્ડઓફિસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રેવન્યુ વિભાગ, વોર્ડ ઓફીસર કચેરી, સેનેટરી વિભાગ, સ્ટ્રીટ્લાઇટ વિભાગ, સ્ટોર તથા પ્રથમ માળ પર એન્જીનીયરીંગ તથા હેલ્થ વિભાગ, ડેપ્યુટી કાર્યપાલક ઇજનેરની કચેરી વગેરે બનાવવામાં આવશે. વહીવટી વોર્ડ નંબર 13ને પોતાની નવી વહીવટી વોર્ડ ઓફિસ આપવા કોર્પોરેશનમાં આઠ વર્ષ અગાઉ રજૂઆત થઈ હતી. કોર્પોરેશન અગાઉ આ સ્થળે સરદાર પટેલ માર્કેટ ખાતે ઢોરવાડો બનાવવા વિચારતી હતી ત્યારે ઉગ્ર વિરોધ થયો હતો. હાલમાં નં-13ની કચેરી તાંબેના વાડા, દાંડીયાબજાર ખાતે અંદરના ભાગે આવેલી હોવાથી વિસ્તારની દ્રષ્ટિએ અરજદારોને દૂર પડે છે. વોર્ડ નં-13 નો વિસ્તાર ખૂબ જ મોટા પ્રમાણમાં છે. જેમાં પ્રતાપનગર, લાલબાગ, વિશ્વામિત્રી બ્રીજ નીચે સમગ્ર વિસ્તાર આવે છે.