ઘઉં, મસાલા, ચોખા, દાળો, તેલ, ખાંડ, દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવો રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે.
લોકસભાના પરિણામો બાદ મોદી સરકારના ત્રીજા કાર્યકાળ દરમ્યાન દેશના આર્થિક તંત્રને નવી દિશા અને ઉંચાઈઓ મળશે તેવી અપેક્ષાની સાથે સાથે ખાદ્ય ચીજોની દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારી ઉપર કંટ્રોલ કરવા માટે સકારાત્મક સામુહિક પ્રયાસો કરવામાં આવે તેવું અપેક્ષિત બન્યું છે. ઘઉં, મસાલા, ચોખા, દાળો, તેલ, ખાંડ, દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવો રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે. શાકભાજીમાં પણ બટાટા, ટામેટા, ડુંગળી જેવી ચીજોના ભાવોમાં વર્ષે દહાડે સરેરાશ ૪૨થી ૪૩ ટકાનો ઉછાળો થયો છે. દાળોમાં ૨૦થી ૨૨ તથા ચોખામાં ૧૩થી ૧૫ ટકાના વધારા સાથે મસાલા ચીજોમાં પણ મોંઘવારી બેકાબુ બની છે.
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીની બજાર છેલ્લા એક અઠવાડિયામાં વીસેક ટકા ઉપરાંત વધી છે. ડુંગળીની નિકાસને લીલી ઝંડી મળતાં ભારતીય ડુંગળી બજારે ગરમી પકડી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો પરંતુ ટન દીઠ ૫૫૦ ડોલરની મિનિમમ એક્સપોર્ટ પ્રાઇઝની શરત પણ રાખેલ છ. આ ઉપરાંત કેન્દ્ર સરકારે ગુજરાત તથા કર્ણાટક રાજ્યને કાંદાની નિકાસ માટે પરમિશન આવી છે પરંતુ મહારાષ્ટ્રમાં એક્સપોર્ટ ડયુટી યથાવત રાખતાં ખેડૂતોમાં વિવાદ છંછેડાયો છે. જો કે હાલમાં કાંદાની હાજર બજારો આવકોનું પ્રમાણ ઓછું રહેવાની સામે નિકાસને છૂટ મળતાં કાંદાની બજારમાં હજુ વધુ ગરમી પકડાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
મોદી સરકારની શપથવિધિ બાદ ઘઉં ઉપર લદાયેલ ૪૦ ટકા આયાત ડયુટી રદ થવાની અપેક્ષા વધી છે. સાથે સાથે લગભગ વીસેક લાખ ટન જેટલો ઘઉંનો જથ્થો આયાત થાય તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે. ઘઉં બજારમાં ઘરાકી નહિવત હોવાથી છેલ્લા અઠવાડિયામાંથી ૧૦૦થી ૧૫૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ચોખાના ઉત્પાદન કરતા પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, પંજાબ, છત્તીસગઢની સાથે સાથે હવે તેલાંગણા રાજ્યે પણ આ વર્ષે ચોખાનું નોંધપાત્ર ઉત્પાદન કરેલ છે. આ વર્ષે તેલાંગણામાં લગભગ ૧૬૦ લાખ ટન ઉપરાંત ચોખાનું ઉત્પાદન કર્યું છે. જ્યારે દેશમાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ૧૩૦૦ લાખ ટન ઉપરાંત ચોખાનું ઉત્પાદન થયું છે. ઉપરોક્ત તમામ રાજ્યોને આ વર્ષે તેલાંગણાએ પાછળ રાખીને સૌથી વધુ ચોખાનું ઉત્પાદન કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. ચોખા બજાર વર્ષ ૨૦૨૨થી સતત ઉંચે જઈ રહ્યું છે. ચોખાનું વધતું જતું ઉત્પાદન સામે સ્થાનિક વપરાશ તથા વિદેશી માંગનો અભ્યાસ કર્યા બાદ નવી નિતિ અમલમાં આવે તેવી ગણત્રી છે.
દરમ્યાન મસાલા બજારમાં હાલમાં જીરામાં છવાયેલી તેજી ભારે ચર્ચાસ્પદ બની છે. ગત વર્ષે જીરાના ઉંચા ભાવો જોઇને ખેડૂતોની વેચવાલી સીમીત રહી જતાં બજારમાં જીરાના માલોનો ભરાવો ઓછો રહેતાં જીરામાં તેજીનો ચમકારો ગયા અઠવાડિયે રહ્યો હતો પરંતુ વિદેશોમાં જીરાનું ઉત્પાદન નોંધપાત્ર થયું હોવાના અહેવાલોથી જીરામાં તેજીને ફરી બ્રેક લાગી છે. જીરાની તેજી થવા પાછળ સટ્ટાકીય પરિબળો પણ જવાબદાર હોવાનું આશંકિત છે. ચીન, તુર્કી, સિરીયા, અફઘાનીસ્તાન જેવા દેશોમાં જીરાનું ઉત્પાદન બમણું થયું હોવાના અહેવાલોથી બજારમાં તેજી-મંદીના દોર વ્યાપક બન્યા છે. વૈશ્વિક જીરાની બજાર ભારત કરતાં નીચી રહે તો જીરાની આયાત પણ થઇ શકે છે. વિદેશોમાં ખાસ કરીને ચીનમાં જીરાના ભાવો કેવા ખુલે છે તેની ઉપર જીરાની તેજી-મંદીનો આધાર હોવાનું વેપારી વર્ગમાં ચર્ચાય છે.
બીજી તરફ ધાણા બજારમાં હવે જૂના માલો પણ ઠલવાતાં તેજને કોઈ અવકાશ નથી તેવું ચર્ચામાં છે. સ્ટોકિસ્ટો હવે જૂના માલો બજારમાં વેચાણ કરી હળવા થવાના મૂડમાં હોય તેવું લાગે છે. ધાણાની બજારમાં લેવાલી ઓછી હોવાથી હાજર વાયદામાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હળદરમાં આગામી સમયમાં તેજી થવાની શક્યતાઓ જોઇને સ્ટોકિસ્ટોએ માલ કવર કરી ગોડાઉનોમાં બંધ કરી દેતાં ભાવો પ્રતિ ક્વિન્ટલે ૧૭૫૦૦ સુધી વધી ગયા હતા.