SME લિસ્ટિંગ માટેના નિયમોને આકરા બનાવવા સેબીની હિલચાલ

સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એસએમઈ) પ્લેટફોર્મ્સ પરથી ઊભા કરાતા ભંડોળના દૂરુપયોગને અટકાવવાના ભાગરૂપ સિક્યુરિટિસ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એસએમઈ લિસ્ટિંગ માટેની માર્ગદર્શિકામાં ધરમૂળથી ફેરબદલ કરવા વિચારી રહ્યું છે.એસએમઈ ભરણાં માટેના લોટ સાઈઝને વધારી રૂપિયા ૩-૫ લાખ કરવા તથા પાંચ વર્ષના ટ્રેક રેકોર્ડની આવશ્યકતા પર ભાર આપવા સેબી દરખાસ્ત ધરાવે છે. વર્તમાન નાણાં વર્ષના અંત પહેલા એસએમઈ માટે સખત દરખાસ્તો લવાશે તેમ સેબીના અધિકારીઓએ તાજેતરમાં જણાવ્યું હતું.સેબી આ સંદર્ભમાં છેલ્લા કેટલાક સમયથી એકસચેન્જો તથા મરચંટ બેન્કરો પાસેથી ભલામણો મંગાવી રહ્યું છે. મુસદ્દા પેપરના ભાગરૂપ સેબી બન્ને એકસચેન્જો માટે પાત્રતા અને અન્ય સમાન ધોરણો લાવે તેવી શકયતા છે. નાની કંપનીઓ કયારેક એક એકસચેન્જ પર લિસ્ટિંગ કરાવીને અને અન્ય એકસચેન્જ પર લિસ્ટિંગ માટેનું ધોરણ નહીં ધરાવીને નિયમનકારી આર્બિટ્રેજ તકનો લાભ લેવા લલચાતી હોય છે. 

બીએસઈ તથા એનએસઈ એસએમઈ લિસ્ટિંગ પ્રક્રિયા પર નિયમન ધરાવે છે. આ બન્ને એકસચેન્જો પોતાના અલગ નિયમનકારી ધોરણો ધરાવે છે. હાલમાં આ એકસચેન્જો એસએમઈ લિસ્ટિંગ માટે રૂપિયા ૨૫ કરોડથી નીચેની પેઈડ અપ કેપિટલનું સમાન ધોરણ ધરાવે છે. એસએમઈ લિસ્ટિંગ માટે અરજીનું કદ જે હાલમાં રૂપિયા એક લાખ છે તે વધારી રૂપિયા ૩-૫ લાખ કરવા સેબી દરખાસ્ત ધરાવતું હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત અન્ડરરાઈટિંગના નિયમો, ઊંચી નફાશક્તિ અને નેટવર્થની આવશ્યકતા, પ્રમોટરના લોક-ઈન્સમાં વધારો લાવવાની પણ વિચારણા થઈ રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *