‘ફુકરે’ સિરીઝ ફેમ શીખ એક્ટર મનજોત સિંઘને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૧૫ વરસ થવા આવ્યા છતાં એ પોતાની કૉમેડી એક્ટર તરીકેની ઈમેજમાંથી બહાર નથી આવી શક્યો. ૨૦૦૮માં અભય દેઉલ સાથે ‘ઓયે લકી, લકી ઓયે’ ફિલ્મથી ડેબ્યુ કરનાર મનજોતે ‘ડ્રીમ ગર્લ’, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ અને તાજેતરમાં ‘વાઈલ્ડ વાઈલ્ડ પંજાબ’ જેવી ફિલ્મોમાં મોટા સ્ટાર્સની હાજરી વચ્ચે પોતાની નોંધ લેવડાવી છે. છતાં અને કૉમેડિયન તરીકેની પોતાની ઈમેજમાંથી બહાર આવવાની તક નથી મળી. ફિલ્મમેકર્સે એને એવા રૉલ ઓફર નથી કર્યા કે એ સ્ટિરિયો ટાઈપ ભૂમિકાઓમાંથી બહાર આવી કશુંક નવું કરી શકે.
મીડિયાના પોતાના મિત્રો સમક્ષ પોતાનો અસંતોષ પ્રગટ કરતા મનજોત કહે છે, ‘મારે હકીકતમાં ઘણું બધું કરવું છે. કશુંક નવું કરવાની બહુ ઈચ્છા છે. મને લાગે છે કે ઈન્ડસ્ટ્રીએ હજુ મારી માત્ર એક બાજુ જ જોઈ છે. મારી પાસે હજુ આપવા માટે ઘણું બધું છે, પરંતુ એ ત્યારે જ શક્ય બને જ્યારે મને કશુંક નવુ ંકરવા મળે.’
સરદારજીને ઊભરો ઠાલવવાના મૂડમાં જોઈ પત્રકાર મિત્રોએ ઉશ્કેરાય એવો પ્રશ્ન કરે છે. ‘મનજોત, શું ઈન્ડસ્ટ્રીમાં તુ એકલો જ ટાઈપકાસ્ટ થઈ ગયો છે? બીજા કોઈ સાથે આવું નથી થતું?’ એક્ટર એખદમ શાંત ચિત્તે જવાબ આપે છે. ‘નહીં, ઈન્ડસ્ટ્રી મેં યે સબકે સાથ હોતા હૈ. ઈન્ડસ્ટ્રી મેં આપણા એક પરસેપ્શન બન જાતા હૈ. એકટર્સની વાત છોડો, ડિરેકટર્સને પણ એનો સામનો કરવો પડે છે. જો કોઈ ડિરેકટરે સારી કૉમેડી ફિલ્મ બનાવી હોય તો પ્રોડયુસરો એને સિરિયસ ફિલ્મ ઓફર નહિ કરે. આફટર ઑલ, એમને ડિરેકટર પાસેથી એક હિટ ફિલ્મ જ જોઈતી હોય છે. ઈન્ડસ્ટ્રી ઐસે હી ચલતી હૈ, લોકોના મનમાંથી તમારા વિશેનો એક ચોક્કસ ખ્યાલ દૂર કરવો બહુ ટફ છે. લેકિન મૈં લગા હુઆ હું. હું જાણું છું કે હું ઘણું સારુ કામ કરી શકું છું. આય એમ નોટ અ કૉમેડી એક્ટર. હકીકતમાં, મને કૉમેડી કરતા આવડતી જ નથી. હું એક સિરિયસ એક્ટર છું.’
મનજોતને ૨૦૧૯માં રિલિઝ થયેલી નિતેશ તિવારીની સુપરહિટ ફિલ્મ ‘છીછોરે’માં ગંભીર ભૂમિકા કરવાની તક મળતા મળતા રહી ગઈ હતી. સુશાંત સિંહ રાજપૂત અને શ્રધ્ધા કપૂરના લીડ રૉલ ધરાવતી આ ફિલ્મ હાથમાંથી નીકળી જવા વિશે અફસોસ દર્શાવતા સિંઘ કહે છે. ‘હું ‘છીછોરે’માં રોલ કરવાનો હતો અને એ બાબતમાં બહુ ઉત્સાહી હતી, પરંતુ કોઈક કારણસર વાત બની નહિ ત્યારે મને બહુ માઠું લાગ્યું હતું. એ એક સારી ફિલ્મ હતી અને એમાં મારો કૉમેડી રોલ નહોતો. કૉલેજમાં દાદાગીરી કરતા માથાભારે સ્ટુડન્ટની ભૂમિકા હતી. એ એક માત્ર એવી ફિલ્મ છે જે ગુમાવવાનો મને આજે સુધી રંજ છે.