આધાર ઘટાડવા વિવિધ તેલિબિયાના ઉત્પાદનનો લક્ષ્યાંક

ઉભી બજારે : દિલીપ શાહરજૂ થનારા સંપૂર્ણ બજેટમાં નેશનલ ઓઈલ સીડ્સ મિશન વિષયક મહત્ત્વના નિર્ણયો લેવાશે

દેશમાં કૃષીક્ષેત્રની નજર હવે ટૂંકમાં શરૂ થનારા ચોમાસાની મોસમ પર રહી છે તથા આ વર્ષે વરસાદ એકંદરે નોર્મલથી વધુ આવવાની આશા જાણકારો બતાવી રહ્યા છે ત્યારે કૃષી ક્ષેત્રના ખેડૂતો તથા વિવિધ કૃષી બજારોના વેપારીઓની નજર વાદળાઓ પર રહી છે. દરમિયાન ભારતની ગણના કૃષી પ્રધાન દેશ તરીકે થાય છે પરંતુ હજી પણ ઘણી કૃષી ચીજોમાં આપણે આયાત પર નિર્ભર રહ્યા છીએ એ વાત વિસંગત જણાય છે તથા આયાત પર આવો આધાર ઘટાડવા તથા ઘરઆંગણે આવી કૃષી ચીજોનું ઉત્પાદન વધારવા સરકારી તંત્ર પણ દોડતું થયું છે. ઘઉં- ચોખા તથા અનાજની બાબતમાં આપણે સ્વાવલંબી થઈ ગયા છીએ ત્યારે કઠોળ તથા દાળ અને ખાદ્યતેલોની બાબતમાં હજી પણ આપણે આયાત પર આધાર રાખવો પડે છે એવું કૃષી બજારના જાણકારોએ જણાવ્યું હતું.

આપણે વિવિધ કઠોળની આયાત દરીયાપારથી કરતા રહ્યા છીએ. ઉપરાંત પામતેલ, સોયાતેલ, સનફલાવર તેલ વિ. ખાદ્યતેલોની આયાત કરતા રહ્યા છીએ. આવી આયાત ઈન્ડોનેશિયા, મલેશિયા, બ્રાઝીલ, આર્જેન્ટીના, અમેરીકા, રશિયા, યુક્રેન વિ. ખાતેથી ભારતમાં કરવામાં આવે છે. ભારતમાં પામતેલની આયાત ઘટાડવા ઘરઆંગણે પામની ખેતીનો વિસ્તાર વધારવા સરકારે તાજેતરમાં વિવિધ ઝુંબેશો શરૂ કરી છે. જોકે સરકારના આ પ્રયત્નોને કેટલી સફળતા મળશે એ જવાબ તો ભવિષ્યના વર્ષો આપશે પરંતુ હાલ તુરત તો આપણે આવી આયાત જાળવી રાખી છે. દેશમાં દક્ષિણના રાજ્યોમાં તથા વિશેષરૂપે તેલંગણામાં પામની ખેતી વધારવાના પ્રયત્નો તાજેતરમાં શરૂ થયાના વાવડ મળ્યા હતા.

દરમિયાન, મલેશિયાથી પામતેલની નિકાસ મે મહિનામાં ૨૨થી ૨૩ ટકા જેટલી વધી હોવાનું આઈટીએસના સૂત્રોએ જણાવ્યું હતું. ભારતમા ંવિવિધ તેલીબિયાંનું ઉત્પાદન વધારવા સરકારે તાજેતરમાં પ્રયત્નો વધારતાં આ ઉત્પાદનનો ટારગેટ ૨૦૨૪- ૨૫ માટે રેકોર્ડ ૪૪૭ લાખ ટનનો નક્કી કરવામાં આવ્યો હોવાનું દિલ્હીથી સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. દેશમાં તેલીબિયાંની મોસમ જુલાઈથી શરૂ થાય છે જે બીજા વર્ષના જૂનમાં પૂરી થાય છે. તેલીબિયાંના ઉત્પાદનના પરંપરાગત વિસ્તારોમાં ઉત્પાદન વધારવા પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે બિનપરંપરાગત વિસ્તારોમાં પણ આવું ઉત્પાદન વધારવાની દિશામાં ચહલપહલ શરૂ થઈ છે. 

દરમિયાન, સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ મસ્ટર્ડ- સરસવનાં ઉત્પાદનનો ટારગેટ રાજસ્થાન માટે ૬૩ લાખ ટન તથા મધ્ય- પ્રદેશ માટે ૧૯ લાખ ટન અને ઉત્તર પ્રદેશ માટે ૧૬ લાખ ૪૦ હજાર ટનનો બાંધવામાં આવ્યો છે. સોયાબીનના ઉત્પાદનનો ટારગેટ મધ્ય- પ્રદેશ માટે ૬૭ લાખ ટનનો તથા મહારાષ્ટ્ર માટે ૬૫ લાખ ટનનો અને રાજસ્થાન માટે ૧૨ લાખ ટનનો રાખવામાં આવ્યો છે. સિંગદાણા મગફળીના ઉત્પાદનનો લક્ષ્યાંક ગુજરાત માટે ૪૩ લાખ ટનનો તથા રાજસ્થાન માટે ૧૬ લાખ ટનનો અને તામિલનાડૂ માટે ૯ લાખ ૬૦ હજાર ટનનો રાખવામાં આવ્યો છે. સિંગદાણા- મગફળીના દેશવ્યાપી ધોરણે ઉત્પાદનનો લક્ષ્યાંક ૧૦૬ લાખ ૪૫ હજાર ટનનો નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે આવો કુલ ઉત્પાદન ટારગેટ મસ્ટર્ડ- સરસવ માટે ૧૩૮ લાખ ટનનો તથા સોયાબીન માટે ૧૫૮ લાખ ટનનો રાખવામાં આવ્યો છે. દેશમાં વિવિધ તેલીબિયાં ઉગાડતા પ્રમુખ રાજ્યોમાં તાજેતરના વર્ષોમાં છાશવારે દૂકાળ તથા પુરની આફતો વચ્ચે ઉત્પાદનને અસર પડી હતી. દરમિયાન, એરંડાના ઉત્પાદનનો લક્ષ્યાંક ૨૫ લાખ ૩૦ હજાર ટનનો તથા તલના ઉત્પાદનનો લક્ષ્યાંક ૧૧ લાખ ૭૦ હજાર ટનનો અને સનફલાવરનો ઉત્પાદન લક્ષ્યાંક ૪ લાખ ૫૧ હજાર ટનનો રાખવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *