મેઘરાજાનો રસાલો મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં ફરી વળ્યો?

૨૦૨૩ની નૈઋત્યની વર્ષાઋતુનું આગમન આજે ૨૫ જૂને મુંબઈમાં થયું છે. સાથોસાથ આજે મેઘરાજાની સવારી આખા મહારાષ્ટ્રમાં પણ પહોંચી ગઈ છે.

હવામાન ખાતાએ આજે આવી સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન ખાતાના (પુણે કેન્દ્ર)ના ડાયરેક્ટર ડો. અનુપમ કશ્યપીએ ગુજરાત સમાચારને વિશેષ માહિતી આપતાં કહ્યું હતું કે બીપરજોય સાયકલોનની ગતિવિધિને કારણે વર્ષાઋતુનું મુંબઈ- મહારાષ્ટ્ર સહિત ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી વગેરે રાજ્યોમાં આગમનમાં ચિંતાજનક વિલંબ થયો હતો. હવે જોકે ભારતીય ચોમાસાની અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર એમ બંને બ્રાંચમાં તમામ કુદરતી પરિબળો અત્યત સક્રિય બન્યાં છે. ચોમાસાની કુદરતી ગતિવિધિ અને તેના પ્રવાસને આગળ વધવા માટે સમુદ્રમાંથી મળતો કરન્ટ, પલ્સીસ, ભેજનું પ્રમાણ, પવનની દિશા અને ગતિ વગેરે કુદરતી પરિબળો સંપૂર્ણપણે સાનુકુળ બન્યાં છે. આજે ૨૫ જૂને વર્ષાઋતુએ ભારતનો ૯૦ ટકા વિસ્તાર આવરી લીધો છે.

આશ્ચર્યની બાબત તો બની છે કે હાલ ચોમાસુ આજે ૨૫ જૂને મુંબઈમાં અને ભારતની રાજધાની દિલ્હીમાં મેઘરાજાની સવારી એક સાથે આવી પહોંચી છે. મુંબઈમાં ચોમાસાનું પરંપરાગત આગમન ૧૦-  ૧૧ જૂને થાય છે જ્યારે દિલ્હીમાં ૨૭ જૂને થાય છે. આમ છતાં ૬૦ વર્ષ બાદ વર્ષાઋતુનું રૃમઝૂમ મુંબઈ અને દિલ્હીમાં એક જ દિવસે, ૨૦૨૩ની ૨૫ જૂને- એક જ સાથે થયું છે. ૧૯૬૧ના જૂનમાં આવો સુયોગ થયો હતો. વળી, ચોમાસાનું આગમન મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં પણ એક જ દિવસે ૨૦૨૩ની ૨૫ જૂને થયું છે.

હવામાન ખાતાના મુંબઈ (કેન્દ્ર) ડેપ્યુટી ડાયરેક્ટર સુનીલ કાંબળેએ ગુજરાત સમાચારને બહુ મહત્ત્વનો મુદ્દો સમજાવતાં કહ્યું હતું કે ખરેખર તો ૨૦૨૩ની ૨૪ જૂને શનિવારથી જ તમામ કુદરતી પરિબળો સંપૂર્ણ સાનુકુળ બની ગયાં છે. એટલે અમે ચોમાસુ મુંબઈના આંગણે આવી ગયું છે. તેવી જાહેરાત શનિવાર, ૨૪ જૂને જ કરવાના હતા. આમ છતાં વધુ સચોટતા અને સાતત્યને ધ્યાનમાં રાખીને આજે ૨૫ જૂને વર્ષાઋતુના મુંબઈ આગમનની સત્તાવાર જાહેરાત કરી છે.

હાલ સમગ્ર ભારતમાં અલ- નીનો પરિબળ વિશે ચિંતાજનક વાતો અને અહેવાલો પ્રસિધ્ધ થઈ રહ્યા છે. આમ છતાં ભારતને સંબંધ છે ત્યાં સુધી ૨૦૨૩ની વર્ષાઋતુ ભરપૂર વરસે તેવી પૂરી શક્યતા છે.

આજે પશ્ચિમનાં પરાં બોરીવલી, કાંદિવલીથી લઈને સાંતાક્રુઝ, બાંદ્રા, દાદર, લોઅરપરેલ, લાલબાગ અને પૂર્વનાં પરાં પવઈ, ઘાટકોપર, મુલુંડ વગેરેમાં મધ્યમથી ભારે વર્ષા થઈ હોવાના અહેવાલ મળે છે.

હવામાન ખાતાએ એવો વરતારો આપ્યો છે કે આવતા ત્રણ દિવસ (૨૬, ૨૭, ૨૮ જૂન) મુંબઈમાં ભારેથી અતિ ભારે વર્ષા થવાની શક્યતા છે. સાથોસાથ થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં પણ આવતા ચાર દિવસ (૨૬થી ૨૯ જૂન) દરમિયાન મુશળધાર વર્ષા થવાની સંભાવના છે. ઉપરાંત મધ્ય મહારાષ્ટ્રનાં નાશિક, પુણે, કોલ્હાપુર, સાતારામાં પણ આ ચાર દિવસોમાં શ્રીકાર વરસાદ વરસે તેવાં પરિબળો છે. વિદર્ભમાં પણ અમુક સ્થળોએ સંતોષકારક વર્ષા થવાની શક્યતા છે.

આજે કોલાબામાં દિવસનું તાપમાન ૨૭.૫ અને અને રાતનું તાપમાન ૨૪.૦ ડિગ્રી જ્યારે સાંતાક્રુઝનું દિવસનું તાપમાન ૨૯.૦ અને રાતનું તાપમાન ૨૩.૬ ડિગ્રી નોંધાયું હતું. આજે કોલાબામાં ૩૩.૭ મિ.મિ. સાંતાક્રુઝમાં ૧૭.૮ મિ.મિ. વર્ષા થઈ હતી. મુંબઈનાં તાપમાનમાં શનિવારથી સરખામણીએ ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.