મીડ વીક- હસમુખ ગજજર 53 વર્ષની નરગેસની કુલ 13 વાર ધરપકડ અને પાંચ કેસમાં દોષિત ઠેરવવામાં આવી છે. કુલ 31 વર્ષની જેલ થઇ છે જેમાંથી જુદાજુદા તબક્કે ૧૨ વર્ષ જેલમાં વિતાવી ચુકી છે. એક કેસ પુરો થતો નથી ત્યાં બીજા કેસની સજા ઉમેરીને જેલમાં રાખવાનો તખ્તો ગોઠવાતો રહે છે.
અણુ બોંબ તૈયાર કરીને ઇસ્લામિક જગતમાં છવાઇ જવાની મહેચ્છા ધરાવતું ઇરાનનું ધાર્મિક શાસન અમેરિકા અને પશ્ચિમી જગતને આંખના કણાની જેમ ખૂંચે છે. ઇરાનની મહિલાઓએ છેલ્લા કેટલાક વર્ષોથી ‘મોરલ પોલીસિંગ’ના નામે થતા ભેદભાવ અને અત્યાચારો બાબતે માથુ ઉંચકીને દુનિયાનું ધ્યાન ખેંચતી રહી છે. ઇરાનમાં મહિલાઓને ધર્મસત્તાની આડમાં દબાવવામાં આવી છે. સિસ્ટમ જયારે દબાવે ત્યારે તેનો સામનો કરવા માટે કફન બાંધવું પડે છે. સત્તામાં બેઠેલાનું કામ વિરોધીઓના મનોબળને તોડવાનું અને મૌન કરી દેવાનું હોય છે આ વાત ઇરાનની મહિલાઓએ બરાબર સમજી લીધી છે. ઇરાનમાં મહિલાઓના હક્કની લડાઇ લડવા બદલ ગત વર્ષ ૨૦૨૩માં વિશ્વ શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનાર નરગેસ મોહમ્મદી છેલ્લા ૩૦ મહિનાથી ઇરાનની કુખ્યાત એવિન જેલમાં બંધ છે. એવિન જેલમાં રાજકિય વિરોધીઓ અને પશ્ચિમી દેશો સાથે સંબંધ ધરાવતા કેદીઓને રાખવામાં આવ્યા છે. ગત વર્ષ નોર્વેના ઓસ્લોના સિટી હોલમાં માતા નરગેસ વતી પોતાના બાળકોએ નોબેલ સ્વીકાર્યો અને માતાનું લખેલું ભાષણ વાંચ્યું જેમાં ઇરાનની અત્યાચારી સરકારની નિંદા કરી હતી. તેણીનીએ ઇરાની લોકો ખંતથી દમન અને સરમુખત્યારશાહીને દૂર કરશે એવો ટંકાર કર્યો હતો. કોઇ પણ દેશ માટે પોતાનો નાગરિક નોબેલ પુરસ્કાર મેળવે તે ગૌરવની ક્ષણો હોય છે પરંતુ તે વર્ષોથી ઇરાનમાં માનવાધિકાર માટે ઝુંબેશ ચલાવતી નોબેલ મહિલા ઇરાન સરકાર માટે અપરાધી સમાન છે. ઇરાન સરકાર શેરીઓ અને જાહેર જગ્યાઓએ થતો વિરોધ વ્યાપક નાગરિક પ્રતિકારમાં પરિવર્તિત થવા માટે નરગેસ જેવી મહિલાઓને જવાબદાર મનાતી રહી છે.
નરગેસ મોહમદીના પતિ તાગી રહેમાની પોતાના બાળકો સાથે ફ્રાંસમાં શરણાર્થી છે. ગત ૧૯ ઓકટોબરના રોજ નરગેસ મોહમ્મદીને કોડ્સ ક્રિમિનલ કોર્ટની બ્રાંચ ૨ દ્વારા આદેશોનો અનાદર અને પ્રતિકાર કરવાના આરોપમાં વધારાની છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. નરગેસ પર એવિન જેલના મહિલા વોર્ડમાં એક રાજકિય કેદીની ફાંસીની સજા વિરુધ જેલમાં પ્રદર્શન કરવાનો આરોપ હતો. નરગેસ મોહમ્મદીના પરિવારે માર્ચ ૨૦૨૧ પછીના જેલવાસ દરમિયાનની આ પાંચમી સજા ગણાવી હતી. નરગેસ મોહમ્મદીને કોઇ પણ શરત વગર જેલમાંથી છોડવાની માંગણી તેના સમર્થકો કરી રહયા છે. નોબેલ પારિતોષિક વિજેતાને બેલ મળતા નથી ત્યારે લાંબા સમય સુધી કેદ રહેવાથી સ્વાસ્થ્યની સ્થિતિ પણ ખૂબજ ગંભીર થઇ ગઇ છે. ૧૯ માર્ચ ૨૦૨૪ના રોજ કાર્ડિયોલોજિસ્ટ દ્વારા એન્જીયોગ્રાફીની પણ સલાહ આપવામાં આવી હતી. ‘ઇરાની ઓર્ગેનાઇઝેશન ઓફ પ્રિઝન’ દ્વારા મંજુર કરાયેલ કાર્ડિયોલોજિસ્ટ દ્વારા એન્જિયોગ્રાફીની તાકીદની પુષ્ટિ હોવા છતાં પ્રક્રિયા હજુ સુધી હાથ ધરવામાં આવી ન હતી. ગત નવેમ્બર ૨૦૨૩માં મોહમ્મદીને પીઠ અને ઘૂંટણના તીવ્ર દુખાવાના કારણે પથારીવશ હતી ત્યારે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. તબીબી નિષ્ણાતોએ એમઆરઆઇ અને સિટી સ્કેન અનુસાર તેણીને ફિઝીયોથેરાપી અને અન્ય નિયમિત સારવારના ૧૦ સેશનની જરુર હતી. નરગેસ રાત્રી દરમિયાન આંખમાં દુખાવો અને અસ્પષ્ટ દ્વષ્ટીથી પીડાતી હતી. નરગેસના સમર્થકોનું માનવું છે કે નરગેસ સાથેનો વ્યહવાર માનવ અધિકાર બચાવકર્તાઓ, પત્રકારો અને લેખકો સહિત રાજકીય કેદીઓની મનસ્વી તબીબી ઉપેક્ષાની વ્યવસ્થિત પેટર્નનો જ એક ભાગ છે. ઇરાનમાં ‘ફ્રી નરગેસ કોએલિશન સ્ટીયરિંગ કમિટી’ બિન શરતી મુકિત માટે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સમુદાયને પણ વિનંતી કરતી રહી છે. નરગેસ મોહમ્મદીનો તેના પરિવાર અને કાનૂની સલાહકાર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. વર્ષ ૨૦૨૩ના અંત સુધીમાં ઇરાનમાં તેના સંબંધીઓ સાથેનો ફોન સંપર્ક પણ કાપી લેવામાં આવ્યો હતો. તેણીએ હેડસ્કાર્ફ પહેરવાની ના પાડી ત્યારે તેની વકીલ સાથેની મીટિંગ ઘણા સમય સુધી નકારવામાં આવી હતી. ભૂતકાળમાં રાજકીય કેદીઓની તબીબી અવગણનાનો ઇરાની સરકારનો બેદરકારીભર્યો રેકોર્ડ જોતા ચિંતા વ્યકત પણ દર્શાવે છે.
ઓકટોબર ૨૦૨૨માં હિજાબનો વિરોધ કરનારી મહિસા અમિની નામની ૨૨ વર્ષિય યુવતીની ધરપકડ અને અત્યાચાર પછી મોત થવાની ઘટના પછી ઇરાનમાં હિજાબ વિરોધી આંદોલન શરુ થયું હતું. ઇરાનના અનેક શહેરોમાં ‘મોરલ પોલીસ’ અને રુઢિવાદી સંગઠનો સામે મહિલાઓએ મોરચો માંડયો હતો. દમન અને ભેદભાવ કરનારી ધાર્મિક સત્તા સામે પ્રદર્શન કરનારી ઇરાની મહિલાઓએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. આમ તો ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિ પછી ઇરાનમાં મહિલાઓ અને રુઢિવાદી શાસકો વચ્ચે ગજગ્રાહ ચાલતો રહયો છે.ઇસ્લામિક ગણતંત્રની સ્થાપના પછી સત્તાની બર્બરતાનો સૌથી વધુ ભોગ મહિલાઓ બની છે.
પહલવી શાસકોના જમાનામાં બીચ પર બિંદાસ ફરતી ઇરાની મહિલાઓ પાયાના અધિકારો માટે પણ ઝઝુમતી રહી છે. ઇરાનમાં જાહેર જગ્યાએ પોતાના વાળ પ્રદર્શિત કરે તો ગંભીર પરિણામ ભોગવવા પડે છે. મહિલાઓ હિજાબ પહેર્યા વગર બહાર ના નિકળે તે માટે અનેક શહેરોમાં ‘નૈતિકતા પોલીસ’નજર રાખે છે. નરગેસ મહિલા અધિકારો માટે જેલમાંથી લડત આપતી રહી છે. નરગેસનો વર્તમાન જેલવાસ નવેમ્બર ૨૦૨૧માં શરુ થયો હતો. અગાઉ જાન્યુઆરી અને ઓકટોબર ૨૦૨૨ અને જાન્યુઆરી, જૂન અને ઓકટોબર ૨૦૨૪માં તેમની સામે વધુ કેટલાક કેસ ઉમેરીને સજા ૧૫ મહિના લંબાવવામાં આવી હતી. એક કેસ પુરો થતો નથી ત્યાં બીજા કોઇ કેસની સજા ઉમેરીને શાંતિનું નોબેલ મેળવનારી મહિલા જેલમાં અશાંત જીવન ગુજારે તેવો તખ્તો ગોઠવાતો રહે છે.
તાજેતરમાં ૬ મહિનાનો વધુ જેલવાસ ઉમેરવોએ ઇરાનના ધર્મતંત્રના ગુસ્સાને પ્રગટ કરે છે. ૫૩ વર્ષની મહિલાની કુલ ૧૩ વાર ધરપકડ અને પાંચ કેસમાં દોષિત ઠેરવવામાં આવી છે. કુલ ૩૧ વર્ષની જેલ થઇ છે જેમાંથી જુદાજુદા તબક્કે ૧૨ વર્ષ જેલમાં વિતાવી ચુકી છે. રાજય વિરુધ દુષ્પ્રચાર અને રાષ્ટ્રીય સુરક્ષા વિરુધ કાર્યના આરોપો હેઠળ ૧૫૪ કોરડા વિઝવાની સજા પણ ભોગવેલી છે.
આ મહિલાને અનેક વાર જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવી છે તેમ છતાં શાસકો તેનું મનોબળ તોડી શકયા નથી.
ઇરાનના પાટનગર તહેરાનની ઉત્તર પશ્ચિમમાં આવેલા ઝાંજાનમાં જન્મેલી નરગેસ મોહમ્મદીએ ઇરાનની ઇસ્લામિક ક્રાંતિ પછી ૧૯૮૧માં તેના મામા અને માતાના ભત્રીજાને ફાંસી થતા માતાને રડતી જોઇ હતી. નાનપણથી જ જેલમાં પુરાયેલા નિદોર્ષ રાજકીય કેદીઓ માટે તેનામાં સંવેદનાના બીજ રોપાયા હતા. કાઝવિનની ઇમામ ખોમેની યુનિવર્સિટીમાં ૧૯૯૦ના દાયકાની શરુઆતમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ૧૯૯૯માં સુધારાવાદી લેખક, જર્નાલિસ્ટ રહેમાની સાથે લગ્ન કર્યા હતા. ૨૦૦૬માં તે બે જોડિયા બાળકોની માતા બની હતી. રહેમાની પણ રાજકીય પ્રવૃતિ માટે બે વખત જેલની સજા ભોગવી ચુકયા છે.
ઇરાનમાં મહેમૂદ અહેમદીનેજાદના સમયમાં ‘ગશ્ત એ એરશા’ (નૈતિકતા પોલીસ)ને છુટો દોર આપવામાં આવ્યો હતો. ઇસ્લામિક ‘રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ’ની સત્તા અને વ્યાપ વધારવામાં આવ્યો હતો. સુધારાવાદીઓને દબાવવા ૨૦૦૮માં ‘ડિફેન્સ ઓફ હ્વુમન રાઇટ્સ સેન્ટર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. નરગેસની ધરપકડ કરીને પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો. જેલવાસ અને કાનુની દાવપેચનો સામનો કર્યા પછી પતિ રહેમાનીએ બે બાળકો સાથે ઇરાન છોડવું પડયું હતું. નરગેસને ૨૦૧૬ થી ૨૦૨૦ સુધીમાં અનેક આરોપો હેઠળ સતત જેલમાં રાખવામાં આવી હતી. વિપરિત સંજોગોમાં એકલા હાથે મહિલાઓના માનવ અધિકાર માટે લડત આપવા બદલ ૨૦૨૩માં વિશ્વની ૧૯ મી અને અને માનવાધિકારવાદી કાર્યકર્તા શિરીન એબાદી પછીની બીજી ઇરાની નોબેલ વિજેતા મહિલા બની હતી. શિરીન એબાદીએ ૨૦૦૧માં ઇરાનમાં ‘ડિફેન્સ ઓફ હ્વુમન રાઇટ્સ સેન્ટર’ નામના સંગઠનની શરુઆત કરી હતી. ૨૦ વર્ષ પહેલા આ સંસ્થા ઇરાનમાં સામાજિક અને મહિલા અધિકાર આંદોલનનો પાયો નખાયો હતો. આ સંસ્થા સાથે નરગેસ મોહમ્મદી પણ સંકળાયેલી રહી છે. આમ એક સંગઠન સાથે સંકળાયેલી બે ઇરાની મહિલાઓને નોબેલ પુરસ્કાર મળ્યો છે જે પણ વિશિષ્ટ બાબત છે.