વેપારીઓ કોઇ 2000 ની નોટ લેવા તૈયાર નથી?

 બે હજારની ચલણી નોટ હવે લોકો માટે મોટી માથાકૂટ  બની ગઇ છે. બે હજારની નોટ સપ્ટેમ્બર સુધી બેન્કમાંથી બદલીને મળશે અને તે અત્યારે વ્યવહારમાં ચાલશે, એવું કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું હોવા છતાં ડોમ્બિવલી પરિસરના વેપારીઓ, હોસ્પિટલો, પેટ્રોલપંપ ચાલકો ગ્રાહકો પાસેથી ૨૦૦૦ની નોટ સ્વીકારતા ન હોવાથી સામાન્ય નાગરિકો મુશ્કેલી અનુભવી રહ્યાં હોવાનું કેટલાંક લોકો પાસેથી જાણવા મળ્યું છે.

ઘણી હોસ્પિટલમાં દર્દી અને તેમના સંબંધીઓને આવો અનુભવ થઇ રહ્યો છે. આથી દર્દીનું ધ્યાન રાખવું કે નોટ બદલવાની ઝંઝટ કરવી, એવો સવાલ દર્દીના સંબંધીઓ કરી રહ્યા છે. જે ગ્રાહકો જૂનના પહેલાં અઠવાડિયે પેટ્રોલ પમ્પ પર ગયાં ત્યારે તેમની ૨૦૦૦ની નોટ લીધી પરંતુ હવે પેટ્રોલ પમ્પ પર પણ નોટ સ્વીકારવાની ના પાડી રહ્યાં છે. કરિયાણાની દુકાનોમાં હજારોનો માલ ખરીદવા છતાં ગ્રાહકની બે હજારની નોટ વેપારીઓ સ્વીકારી રહ્યાં નથી. બેન્કમાં નોટ જમા કરાવવા જાય તો તેમની પાસેથી નોટની સિરીઝ લખાવાય છે. સોનીની દુકાનમાં પણ બે હજારને બદલે ઓનલાઇન ટ્રાન્ઝેકશન માગે છે.

આથી જેમ જેમ સપ્ટેમ્બર મહિનો નજીક આવી રહ્યો છે, તેમ તેમ  નોટનો નિકાલ કરવાની લોકોની મુશ્કેલી વધી રહી હોવાનું ચિત્ર માત્ર ડોમ્બિવલી પરિસરનું જ નહીં તો સમગ્રતયાનું જોવા મળી રહ્યું છે.