કુછડી ખાતે બંદર બનાવવાનો પ્રશ્ન ચકડોળે
પોરબંદર નજીક આવેલ કુછડી ખાતે બંદર બનાવવાની જાહેરાત કરવામાં આવી હોય અને સરકાર દ્વારા પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી હોવાની વાત વહેતી થઇ હોવાના પગલે સમગ્ર ખારવા સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. અને કુછડી ખાતે બંદર ન બનાવવામાં આવે આ બંદર પોરબંદર શહેરમાં આવેલ માપલા વાળી ખાડી ખાતે બનાવવામાં આવે તેવી ખારવા સમાજની માંગ છે અને આ અંગે અનેક વખત રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે અને અવારનવાર સરકારી અધિકારીઓ તેમજ રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં જે સ્થળે ખારવા સમાજ ઇચ્છે ત્યાં બંદર બનાવવામાં આવે તેવી ખારવા સમાજ દ્વારા સૂચના આપવામાં આવી હતી. વધુ એક વખત પંચાયત મઢી ખાતે ખારવા સમાજના વાણોટના અધ્યક્ષ સ્થાને તમામ સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો તેમજ જ્ઞાતિ સંગઠનના અગ્રણીઓ જોડે બેઠક યોજવામાં આવી હતી. જેમાં કુછડી ખાતે બંદર બનવા જઈ રહેલ બંદરનો ઉગ્ર વિરોધ કરાયો હતો. તમામ એસોસિએશન અને જ્ઞાતિ સંગઠનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. હાલ કુછડી બંદર બનવા જઈ રહ્યું હોવાનો મુદ્દો ચકડોળે ચડયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર દ્વારા પણ ખારવા સમાજના વિરોધને શાંત પાડવામાં આવે તેવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.