આધુનિક રમણીઓમાં ડેનિમ સર્વાધિક પ્રિય પોશાક છે. શાળામાં અભ્યાસ કરતી કન્યાઓથી લઈને આયખાના છ દશક વિતાવી ચૂકેલી વયસ્ક મહિલાઓ સુધ્ધાં જીન્સ પહેરતા નથી ખચકાતી. મહત્વની વાત એ છે કે એક ડેનિમમાં પણ કંઈકેટલીય પેટર્ન અને સ્ટાઈલ જોવા મળે છે. આજે આપણે જીન્સની વિવિધ સ્ટાઈલ વિશે વાત કરીશું.
બેગી જીન્સ :
બેગી જીન્સ પહેરવામાં આરામદાયક અને દેખાવમાં સ્ટાઇલિશ લાગે છે. હવે બેગી જીન્સ સૉફ્ટ ફેબ્રિકમાં પણ મળતી હોવાથી દિવસભર પહેરી રાખવા છતાં તે આરામદાયક લાગે છે. વળી આ પેટર્નની ડેનિમમાં સંખ્યાબંધ કલાર અને ડિઝાઈન મળી રહે છે. તમે બેગી જીન્સ ઓફિસથી લઈને પાર્ટીમાં તેમ જ ટી-શર્ટથી લઈને શર્ટ સુધી, કોઈપણ પ્રકારના ટોપ સાથે પહેરી શકો છો.
કેરેટ જીન્સ :
કેરેટ ડેનિમ કૂલ લૂક આપે છે. સામાન્ય રીતે કેરેટ જીન્સ કૉલેજ ગર્લમાં વધુ મનીતી છે. તેનું ખાસ કારણ એ છે કે કેરેટ જીન્સ સાથે સ્લીપર, સ્નીકર, સેંડલ કે શૂઝ જેવા કોઈપણ જાતના પગરખાં પહેરી શકાય છે. જોકે ઘણી યુવતીઓ એમ મની બેસે છે કે કોઈપણ ડેનિમ નીચેથી ફૉલ્ડ કરીને તેને કેરેટ જીન્સનો લુક આપી શકાય. પરંતુ તેમને એ વાત ધ્યાનમાં લેવી રહી કે કેરેટ માત્ર સ્ટાઈલ નહીં, ફેશન છે. તે એકદમ અલગ પ્રકારની હોય છે. તેથી જ્યારે તમે તે નીચેથી વાળો છો ત્યારે તે કૂલ દેખાય છે.
ચુસ્ત ડેનિમ :
ત્વચા પર ચોંટી જાય એટલી ટાઈટ, એટલે કે સ્કિન ફીટ ડેનિમ જે તે માનુનીને લાંબી દેખાડવામાં મદદ કરે છે. અને જેના પગ પાતળા હોય તેને આ પેટર્નની ડેનિમ સ્ટાઇલિશ લુક આપે છે.
રિપ્ડ જીન્સ :
રિપ્ડ, એટલે કે ફાટલીતૂટલી ડેનિમ પાછળ સેલિબ્રિટીઓ ઘેલી થઈ છે. રિપ્ડ ડેનિમમાં એક પગનો થોડો હિસ્સો ફાટેલો હોય અથવા બંને પગમાંથી કાપડની અંદરના ધાગા નીકળી ગયેલા દેખાય. મહત્વની વાત એ છે કે તમે રિપ્ડ જીન્સ ખરીદવા જાઓ ત્યારે તમને સેલ્સપર્સન પૂછી શકે, મેડમ-કેવી રિપ્ડ આપું? બંને પગમાંથી ફાટેલી, એક પગમાંથી ફાટેલી, પાછળથી ફાટેલી કે આગળથી.
સ્ટ્રેટ ફીટ :
સ્ટ્રેટ ફીટ જીન્સ પાતળી પરમારથી લઈને હૃષ્ટપુષ્ટ-ભરાવદાર કાયા ધરાવતી માનુનીને તેમ જ સ્થૂળકાય મહિલાઓને પણ શોભે છે. તે શરીરના પુષ્ટ ભાગને ઢાંકી દે છે. આ ડેનિમ લોફર્સ અને સેંડલ સાથે સરસ લાગે છે.
જૉગર્સ ડેનિમ :
જૉગર્સ જીન્સ તમને પાયજામા જેવી આરામદાયક લાગશે. મહત્વની વાત એ છે કે જૉગર્સ ડેનિમ કોઈપણ ટૉપ સાથે પહેરી શકાય.