ચીન અને તાઈવાન વચ્ચેનો ગજગ્રાહ દુનિયાથી છુપો નથી. ચીન સેંકડો વખત તાઈવાનને પોતાનો જ હિસ્સો ગણાવીને તેના પર લશ્કરી કાર્યવાહી કરવાની ધમકી પણ આપી ચુકયુ છે.
તાઈવાન જોકે ભારતની નજીકની આવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રયાસ કરી રહ્યુ છે. તાઈવાનના વિદેશ મંત્રી જૌશીહ વૂએ હવે એવુ નિવેદન આપ્યુ છે કે, ચીનના પેટમાં બળતરા થવી નિશ્ચિત છે.
વૂએ કહ્યુ છે કે, તાઈવાન અને ભારત વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થવાના કારણે તાઈવાનની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે ભારે પ્રોત્સાહન મળશે. તાઈવાનની જે કંપનીઓને ચીનનુ માર્કેટ ફાયદાકારક નથી લાગી રહ્યુ તેમને ભારતમાં રોકાણ કરવા અને પ્રોડક્શન કરવા માટે અમે પ્રોત્સાહન આપી રહ્યા છે. ભારત દુનિયામાં ઝડપથી શક્તિશાળી બની રહેલી ઈકોનોમી ધરાવે છે અને આર્થિક વિકાસ તરફ ભારત આગળ વધી રહ્યુ છે.
તેમણે કહ્યુ હતુ કે, ભારત અને તાઈવાન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટના કારણે તાઈવાનની કંપનીઓને ભારતમાં વધારે ડયુટી કે ટેક્સ ચુકવ્યા વગર પોતાના પ્રોડક્શન યુનિટ ખોલવામાં મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે, તાઈવાન દુનિયાના 70 ટકા સેમિ કન્ડક્ટર અને 90 ટકાથી વધારે ચીપનુ ઉત્પાદન કરે છે. જે વિમાનોથી માંડીને કોઈ પણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ માટે અનિવાર્ય છે. બીજી તરફ ભારતે તાઈવાનની કંપની અને દુનિયાના સૌથી મોટા ચીપ નિર્માતા તાઈવાન સેમી કંડક્ટર મેન્યુફેકચરિંગ કોર્પોરેશન સાથે કરાર કર્યા છે. જે હેઠળ ભારતમાં તે પ્રોડકશન ફેસિલિટી ઉભી કરવાની છે.
તાઈવાનના વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે, તાઈપેઈ અને નવી દિલ્હી વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીતનો સમય આવી ગયો છે. અમારા વેપાર સબંધો ઝડપ પકડી રહ્યા છે. તાઈવાનના રોકાણકારો ભારતમાં રોકાણ કરવા માટે આતુર છે. ભારત દુનિયામાં ઉભરી રહેલી તાકાત છે. ભારતના લોકોની મહેનતને નજર અંદાજ કરી શકાય નહીં. ભારત ઘણુ શક્તિશાળી બનવા જઈ રહ્યુ છે.