હાલમાં ફ્રાંસના પ્રવાસે ગયેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યુ છે કે, અમે કોઈ પણ દેશને શ્રીલંકાનો ઉપયોગ ભારત સામે કરવા નહીં દઈએ. 

વિક્રમસિંઘેએ ફ્રાંસના મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, ચીન સાથે કોઈ પણ પ્રકારના લશ્કરી કરાર કર્યા વગર શ્રીલંકા એક તટસ્થ દેશ રહેવા માંગે છે. સાથે સાથે અમારી નીતિ છે કે, ભારત સામે બીજા કોઈ દેશને શ્રીલંકાનો ઉપયોગ નહીં કરવા દઈએ. 

તેમણે કહ્યુ હતુ કે, ચીનની શ્રીલંકામાં છેલ્લા 1500 વર્ષથી ઉપસ્થિતિ છે પણ અત્યાર સુધી અમારા દેશમાં ચીનનુ કોઈ મિલિટરી બેઝ નથી. ચીન સાથે અમારૂ કોઈ જાતનુ લશ્કરી જોડાણ છે નહીં અને થશે પણ નહીં. ભલે શ્રીલંકાનુ હંબનટોટા એરપોર્ટ ચીનને વેપારીક ઉપયોગ માટે આપવામાં આવ્યુ હોય પણ તેની સુરક્ષા શ્રીલંકાના હાથમાં છે. જ્યાં અમારી નૌસેના પણ તૈનાત છે. 

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાએ ગયા વર્ષે ચીનના એક જાસૂસી જહાજને પોતાના બંદર પર રોકાવાની પરવાનગી આપી હતી અને તેના કારણે ભારત તેમજ અમેરિકા ચિંતામાં પડી ગયા હતા. ભારતે આશંકા વ્યક્ત કરી હતી કે, આ બંદર પર લાંગરેલુ ચીનનુ જાસૂસી જહાજ ભારતની જાસૂસી કરવા માટે જ આવ્યુ છે

By admin