અયોધ્યામાં રામમંદિર નિર્માણ થશે; એનાથી બહુજનોને કોઈ ફાયદો થશે? ભારતના ક્યા નામાંકિત મંદિરોમાં અનુસુચિત પૂજારી છે? દૂર નથી જવું ડાકોર મંદિરની ‘ટેમ્પલ-સ્કીમ’ વાંચી જૂઓ. મંદિરના ગર્ભગૃહમાં શૂદ્રોએ પ્રવેશ ન કરવો તેવું લખ્યું છે. મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોના મંદિરોની સ્થિતિ પણ આવી જ છે.
ઈતિહાસ સાક્ષી પૂરે છે કે મંદિરપ્રવેશ બાબતે આંબેડકરે માથા પછાડ્યા હતા; છતાં હિન્દુ સમાજે સહેજ પણ મચક આપી નહતી. સવાલ એ છે કે ડો. ભીમરાવ આંબેડકર કાયદાશાસ્ત્રી/અર્થશાસ્ત્રી/રાજનીતિજ્ઞ/શિક્ષણશાસ્ત્રી/સમાજસુધારક હતા; તેમણે મંદિરપ્રવેશનો મુદ્દો શામાટે હાથમાં લીધો હતો?
“આજે આપણે મંદિરમાં પ્રવેશ કરીશું. મંદિરમાં જવાથી આપણી બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જવાની નથી. આપણી સમસ્યાઓ સામાજિક/ધાર્મિક/આર્થિક/શૈક્ષણિક છે. કાલારામ મંદિરપ્રવેશ કરવો સવર્ણ હિન્દુઓ માટે પડકાર છે. સવર્ણોએ આપણી પેઢીઓના હક્ક માર્યા છે. આપણે આપણા હક્કોની માંગણી કરી રહ્યા છીએ. શું સવર્ણ હિન્દુ આપણને એક મનુષ્ય તરીકે સ્વીકારશે કે નહીં? કાલારામ મંદિરપ્રવેશ આંદોલનથી આ સ્પષ્ટ થઈ જશે.” આ શબ્દો ડો. ભીમરાવ આંબેડકરે 2 માર્ચ 1930 ના રોજ નાસિકના કાલારામ મંદિરપ્રવેશ આંદોલન સમયે કહ્યા હતા. કાલારામ મંદિર રામાયણની કથા સાથે જોડાયેલું છે.
અહીં રામે વનવાસ ભોગવ્યો હતો; અહીં રાવણની બહેન શૂપરણાનું નાક કપાયું હતું; અહીં રાવણે સીતાનું અપહરણ કર્યું હતું. આ મંદિરમાં રામની કાળા પથ્થરની ભવ્ય મૂર્તિ છે. આ મોહક પ્રતિમાના દર્શન માત્ર સવર્ણ હિન્દુઓ જ કરી શકતા હતા. દલિતોએ તે વિશે સાંભળીને જ દૂરથી સંતુષ્ટ રહેવાનું હતું. ઊંચી જાતિના લોકોને જન્મથી મંદિરપ્રવેશનો અધિકાર હતો;
પરંતુ હિન્દુ દલિતોને મંદિરપ્રવેશનો અધિકાર ન હતો. આ સત્યાગ્રહમાં મહારાષ્ટ્રના 15000 દલિતોએ ભાગ લીધો હતો; જેમાં મોટાભાગના મહાર/ચમાર /વાલ્મીકિ જાતિના લોકો હતા. મહિલાઓ પણ મોટી સંખ્યામાં હતી. બીજા દિવસે 3 માર્ચ 1930 ના રોજ સત્યાગ્રહીઓએ ચાર ટુકડીઓ બનાવી અને મંદિરના ચારેય દરવાજા ઉપર મૂકવામાં આવી. પોલીસ અને મંદિરના પૂજારીઓએ સત્યાગ્રહીઓની માંગણીનો વિરોધ કરવા મંદિરના ચારેય દરવાજા બંધ કરી દીધા. પોલીસ મંદિર ફરતે ગોઠવાઈ ગઈ હતી; જેથી કોઈ અછૂત મંદિરપ્રવેશ ન કરે !
શહેરના સવર્ણ હિન્દુઓએ સત્યાગ્રહીઓ ઉપર હુમલો કર્યો; પથ્થરમારો કર્યો. લાઠીઓથી દલિતોને ઝૂડ્યા. આંબેડકર પણ ઘાયલ થયા.સંખ્યામાં સવર્ણ કરતા દલિતો અનેક ગણા વધારે હોવા છતાં દલિતોએ સવર્ણો પર હુમલો કરી હિંસા ન કરી; કેમકે અહિંસાથી સત્યાગ્રહ કરવાનો આદેશ આંબેડકરે આપ્યો હતો. આ સત્યાગ્રહ 5 વરસ, 11 મહિના અને 7 દિવસ સુધી ચાલ્યો હતો. છતાં દલિતો મંદિરપ્રવેશ કરી શક્યા નહતા. 2021 માં પણ ભારતના દરેક ગામમાં દલિતોના મંદિર અલગ છે. સવાલ એ છે કે શું હિન્દુઓના ઈશ્વર પણ અભડાઈ જતા હશે? દલિતોના માતાજી અલગ કેમ? પ્રકૃતિ જ્યારે કોઈની સાથે ભેદભાવમાં માનતી નથી ત્યારે હિન્દુઓ શામાટે લક્ષ્મણરેખા ખેંચે છે? ઉદારતા/દયા/કરુણા વગેરે માટે વખણાતો હિન્દુધર્મ પોતાના જ ધર્મભાઈઓ પ્રત્યે આટલો ક્રૂર અને રુઢિચુસ્ત કેમ?
ગાંધીજી દાંડી કૂચ [12 માર્ચ 1930 – 5 એપ્રિલ 1930 ] દ્વારા દેશને અંગ્રેજ સરકાર પાસેથી આઝાદ કરાવવા માગતા હતા અને આંબેડકરજી સવર્ણ હિન્દુઓ પાસેથી દલિતોને આઝાદ કરાવવા ઈચ્છતા હતા. આમ બન્ને સત્યાગ્રહનો ઉદ્દેશ્ય એક જ હતો-આઝાદી ! આંબેડકરજીનું વિઝન સ્પષ્ટ હતું : “જો ઈશ્વર બધાનો છે તો તેમના મંદિરમાં થોડા લોકોને જ પ્રવેશ શામાટે આપવામાં આવે છે? હિન્દુઓ એ વાત પર પણ વિચાર કરે કે શું મંદિરપ્રવેશ હિન્દુ સમાજમાં દલિતોના સામાજિક સ્તરને ઉપર ઊઠાવવાનો અંતિમ ઉદ્દેશ્ય છે? કે એમના ઉત્થાનની દિશામાં આ પહેલું પગલું છે? જો આ પ્રથમ પગલું છે તો અંતિમ લક્ષ્ય શું છે? જો મંદિરપ્રવેશ અંતિમ લક્ષ્ય છે; તો દલિત વર્ગોના લોકો એનું સમર્થન ક્યારેય નહીં કરે. દલિતોનું અંતિમ લક્ષ્ય છે સત્તામાં ભાગીદારી !”