પોરબંદર જિલ્લા મહેર જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે દ્વારકાના એક શખ્સે મહેર જ્ઞાતિ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લામાં મોટી સંખ્યામાં મહેર જ્ઞાતિના લોકો વસવાટ કરે છે અને સૌથી વધુ અહીં મહેર જ્ઞાતિનું વર્ચસ્વ છે. ત્યારે દ્વારકાના એક શખ્સ દ્વારા મહેર જ્ઞાતિ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે અને સોશિયલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી કરતો વીડિયો પણ વાયરલ થયો છે જેને લઇને મહેર જ્ઞાતિમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. આ અંગે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ ભાઈ જાડેજા દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મહેર જ્ઞાતિના અગ્રણીઓ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.
અને મહેર જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. જે શખ્સ દ્વારા મહેર જ્ઞાતિ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અભદ્ર ટીપ્પણી કરાય હોવાને કારણે સમગ્ર મહેર જ્ઞાતિ ની લાગણી દુભાઈ છે જેથી આ શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
અભદ્ર ટીપ્પણી કરતો વિડીયો વાયરલ થતાં કાંધલ જાડેજા sp કચેરી ખાતે પહોંચ્યા
પોરબંદર જીલ્લાના રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ ભાઈ જાડેજા જિલ્લા પોલીસ વડાની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી એવું જણાવ્યું હતું કે દ્વારકાના કિશનસિંહ માણેક દ્વારા મહેર સમાજ અને કાંધલ જાડેજા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. ધારાસભ્ય પોતાની રાજકીય અને સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. પોરબંદર પોલીસ દ્વારા પણ આરોપીને કાયદાનું ભાન કરાવવામાં આવશે તેની ખાતરી આપવામાં આવી છે. સોશિયલ મીડિયામાં થયેલ વાયરલ વિડીયો અંગે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.