- 26 દિવસથી કોરોનાનો એકપણ કેસ ન આવતા પોરબંદરમાં કોરોનાનો કહેર કાબુમાં આવ્યો
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવિશેષ કાળજી લેવી પડશે
- બીજી વખત કોરોના મુક્ત બનેલા પોરબંદરવાસીઓ જો સાવધાની રાખશે તો પોરબંદરમાં કોરોના માથું નહીં ઉંચકે
છેલ્લા આઠ દિવસથી પોરબંદર ફરી એક વખત કોરોના મૂક્ત બની ગયુ છે. બીજી વખત કોરોના મૂક્ત બનેલા પોરબંદરવાસીઓ જો સાવધાની રાખશે તો પોરબંદરમાં કોરોના માથુ ઉચકશે નહી. દેશમાં કોરોનાના કહેરે માથું ઉચક્યું તે વખતે શરૂઆતમાં જ લોકડાઉન દરમ્યાન પોરબંદરમાં કોરોનાના ત્રણ એક્ટીવ કેસ નોંધાઇ ગયા હતા. જોકે તે સમયમાં આ ત્રણ દર્દીઓ સાજા થઇ ગયા બાદ ઘણા દિવસો સુધી પોરબંદરમાં લોકડાઉન દરમ્યાન કોરોનાનો કોઇ નવો કેસ નહી નોંધાતા તે સમયમાં પોરબંદર કોરોના મૂક્ત બની ગયુ હતુ.
બાદમાં લોકડાઉન હળવું કરાયા બાદ સમગ્ર દેશ અને ગુજરાતની સાથે સાથે પોરબંદરમાં પણ કોરોનાની બીજી વિકરાળ લહેર ફેલાઇ ગઇ હતી અને પોરબંદરમાં રોજના ૫ થી લઇને ૨૨ કેસ કોરોનાના નોંધાવા લાગ્યા હતા. ખાસ કરીને દિવાળીના સમયગાળામાં પોરબંદરમાં પણ કોરોનાનો કહેર સવિશેષ જોવા મળ્યો હતો, પરંતુ તે પછી કોરોનાના કેસ ઘટવા લાગ્યા હતા અને આ સંખ્યા ૧ થી ૫ ની અંદર રહેવા લાગી હતી, જેમાં પણ છેલ્લા ૨૬ દિવસોથી ૧૦૦ ટકા ઘટાડો થઇ જતા, પોરબંદરમાં ગત ૨૫ મી જાન્યુઆરીથી કોરોનાનો નવો એકપણ કેસ નહી નોંધાતા પોરબંદરમાં કહેર નિર્મૂળ થવા તરફ ગતી કરવા લાગ્યો હતો અને ૮ દિવસ પહેલા ગત ૧૧ ફેબ્રુઆરીએ પોરબંદરની હોસ્પીટલ ખાતે સારવાર લઇ રહેલા કોરોના છેલ્લા ૨ દર્દીઓ પણ સાજા થઇ જતા,
તેઓને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો હતો અને પોરબંદર કોરોના મૂક્ત બની ગયુ હતુ. 8 દિવસથી કોરોના મૂક્ત બનેલા પોરબંદર જિલ્લાના લોકો માસ્ક પહેરવાનું, સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું તેમજ વારે વારે હાથ ધોવાનું તેમજ કોરોનાનું તમામ ગાઇડલાઇનનું પાલન કરવાનું જો યથાવત ચાલુ રાખશે તો પોરબંદરની સ્થિતી ખૂબ જ સારી રહી શકે તેમ છે. પરંતુ જો પોરબંદર જિલ્લાના નાગરીકો આમ કરવામાં ચૂક કરશે તો ફરી એક વખત પોરબંદર કોરોનાના વિકરાળ પંજામાં ફસાઇ જશે.
સિસ્ટમની એરરને લીધે આરોગ્ય વિભાગના પત્રકમાં 9 કેસ પેન્ડિંગ બતાવે છે
પોરબંદરની હોસ્પિટલમાં ગત ૧૧ ફેબ્રુઆરીએ છેલ્લા ૨ દર્દીઓ સાજા થઇ જતા તેઓને રજા આપી દેવામાં આવી છે અને હાલ કોઇ કોરોના પીડિત દર્દી પોરબંદર કે અન્ય સ્થળે સારવાર લઇ રહ્યો નથી, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવતા પત્રકમાં સિસ્ટમની એરરને લીધે ૯ કેસનું સ્ટેટ પેન્ડીંગ તરીકે દર્શાવવામાં આવે છે. – ડો.દિનેશ ઠાકોર, ભાવસિંહજી હોસ્પિટલ
1 લાખથી વધુ ટેસ્ટ કરાયા, 961 દર્દી નોંધાયા, 103 ના મોત નિપજ્યા
પોરબંદરમાં અત્યાર સુધીમાં કુલ ૧,૦૫,૯૩૦ વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં ૯૬૧ કોરોના પોઝીટવના દર્દીઓ નોંધાયા હતા અને જીલ્લામાં અને જીલ્લા બહાર સારવાર દરમ્યાન પોરબંદર જીલ્લાના કુલ ૧૦૩ દર્દીઓના મોત નીપજ્યા છે.