ભૂતકાળમાં ક્યારેય નથી જોવા મળ્યા તેવા ભાવ પેટ્રોલ અને ડીઝલમાં જોવા મળી રહ્યાં છે તેમ છતાં કેન્દ્ર કે રાજ્ય સરકાર લોકોને રાહત આપવાના મૂડમાં નથી ત્યારે લોકોએ પણ તેમની માનસિકતા બદલી છે. ગાંધીનગરના સચિવાલયમાં આવતા કર્મચારીઓને પેટ્રોલ અને ડીઝલના દામ પોસાતા નહીં હોવાથી તેઓ સાયકલ ચલાવીને ઓફિસ જઇ રહ્યાં છે. તેમણે આરોગ્યની જાળવણીનો પણ ધ્યેય રાખ્યો છે.
તાજેતરમાં રાજસ્થાનના એક શહેરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 100 રૂપિયા પહોંચી ગયો હતો પરંતુ રાજસ્થાન સરકારે વેલ્યુ એડેડ ટેક્સમાં રાહત આપતાં ભાવ નીચો આવ્યો છે પરંતુ એ દિવસો દૂર નથી કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ 100 રૂપિયે લીટર મળશે. સચિવાલયમાં કામ કરતાં અધિકારી તેમજ કર્મચારીઓએ હમણાં નવા વાહનો લેવાનું માંડી વાળ્યું છે, કારણ કે મોંઘા વાહનો લઇને પણ પેટ્રોલ અને ડીઝલના આટલા ઊંચા ભાવ ચૂકવવા કોઇને પોસાય તેમ નથી. હવે તેઓ ઇલેક્ટ્રિક વાહનો (ઇવી) નો ઇંતજાર કરી રહ્યાં છે.
સરકાર જો યુદ્ધના ધોરણે ઇવી અને ચાર્જીંગ સ્ટેશન માટેની પોલિસી બનાવે તો સચિવાલયમાં કામ કરતાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરી ગાંધીનગરને વાહનોના પ્રદૂષણથી મુક્ત કરી શકે છે. અત્યારે પેટ્રોલ અને ડીઝલના વાહનો મૂકીને મોટાભાગના કર્મચારીઓ સાયકલ પર આવી ગયા છે. તેઓ સાયકલ ચલાવી ઇંધણની બચત તો કરી રહ્યાં છે પણ સાથે સાથે તંદુરસ્ત બની રહ્યાં છે. ગુજરાતમાં બે વર્ષમાં એક લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો માર્ગો પર દોડતા થાય તેવું એક આયોજન રાજ્ય સરકારે વિચાર્યું છે. આ માટે સરકાર વાહન વ્યવહારની નીતિમાં ફેરફાર કરવા માગે છે. એટલું જ નહીં, ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ માટે ખાસ પ્રોત્સાહક નીતિ અપ્નાવવા માગે છે.
અત્યારે સરકારનું ધ્યાન દ્વિચક્રી વાહનોમાં કેન્દ્રીત થયું છે. સરકારે ગયા વર્ષે ઇવી પોલિસી બનાવવાનું નક્કી કર્યું હતું પરંતુ કોરોના સંક્રમણના કારણે આ પોલિસી બની શકી નથી પરંતુ હવે ફરીથી વિચારણા શરૂ કરી છે. ગુજરાતમાં અત્યારે વાહનોની સંખ્યા ત્રણ કરોડના આંકડે પહોંચવા આવી છે પરંતુ તેમાં સૌથી વધુ બે કરોડ વાહનો દ્વિચક્રી છે. ઇવી પોલિસીના ડ્રાફ્ટ પ્રમાણે પ્રથમ દ્વિચક્રી વાહનોની સંખ્યા વધારવાનો પ્લાન છે. હાલ રાજ્યમાં 11000 જેટલા ઇલેક્ટ્રિક વાહનો છે જે 2022 સુધીમાં એક લાખ કરતાં વધુ વાહનો માર્ગો પર મૂકવાનું પ્લાનિંગ છે.
સરકારના ડ્રાફ્ટમાં ચાર્જીંગ સ્ટેશનનું પણ પ્રાવધાન છે. પ્રત્યેક પેટ્રોલપંપ અને જાહેર સ્થળોએ રાજ્ય સરકાર ચાર્જીંગ સ્ટેશન માટેની જગ્યા ફાળવીને પ્રોત્સાહન આપવાનું નક્કી કરી રહી છે. આ પોલિસી માટે ઉર્જા, પરિવહન, શહેરી વિકાસ અને નાણા વિભાગના અધિકારીઓ તૈયારી કરી રહ્યાં છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ 30 જેટલા ઇલેક્ટ્રિક વાહનો છે અને બીજા વધુ વાહનો ખરીદવા તેમજ ચાર્જીંગ સ્ટેશનો બનાવવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટેનું પહેલું પગથિયું છે.