સંયુક્ત નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગની સ્પર્ધાનું આયોજન

પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે દેશ-વિદેશના અનેક પર્યટકોની અવરજવર રહેતી હોય છે અને આખા વર્ષ દરમિયાન અહીં પ્રવાસીઓનો જમાવડો રહે છે. ત્યારે પોરબંદર શહેરમાં પ્રવેશતાં જ પોરબંદર શહેરના મુખ્ય માર્ગો પર દીવાલોને રંગબેરંગી બનાવવામાં આવી હોવાના કારણે શહેરની સુંદરતામાં પણ ચાર ચાંદ લાગી ગયા છે. પોરબંદર અને છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોલ પેઈન્ટિંગ સ્પર્ધામાં 15 વર્ષથી લઇને 30 વર્ષના યુવાનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર યુવાઓએ શ્રેષ્ઠ ચિત્રો બનાવ્યા હતા.

જેમાં સ્વચ્છતા અને કોરોના વોરયર્સ થીમ પર રંગબેરંગી ચિત્રો કંડારી સૌ કોઈને મનમોહિત બનાવ્યા હતા. આ ચિત્રો શહેરની મુખ્ય એમ.જી.રોડની દીવાલો પર બનાવવામાં આવ્યા હોવાના કારણે અહીં પ્રવેશતા જ રંગબેરંગી ચિત્રો થી સૌ કોઈ આકર્ષક બની રહ્યા છે. અને આ સ્પર્ધામાં ભાગ લઈ ચિત્ર કંડારનાર ચિત્રકારોએ પણ એવું જણાવ્યું હતું કે આ સ્પર્ધા યોજવામાં આવી હોવાના પગલે ચિત્રકારોને પ્રોત્સાહન મળ્યું છે.

આ સ્પર્ધા થી ચિત્રકારોને પ્લેટફોર્મ મળી રહશે. તેમજ આગામી સમયમાં પણ આવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે તો કલાકારોમાં છુપાયેલી કલાકૃતિઓ બહાર આવી શકે. જેથી પોરબંદરમાં પણ વધુ કલાવીરો ઉભરી આવે. આમ આ સ્પર્ધામાં ચિત્રકારના ચિત્રોએ પણ ભાગ લઇ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.