– વેબ સીરિઝના જ કલાકારો રીપિટ થશે
મુંબઇ : ઓટીટી પ્લેટફોર્મ પરની સફળ વેબ સીરીઝ ‘મિર્ઝાપુર’ હવે ફિલ્મના રૂપે થિયેટરોમાં ૨૦૨૬માં રીલિઝ કરાશે. સર્જક ફરહાન અખ્તરે આ જાહેરાત કરી હતી. ભારતમાં ઓટીટી સીરિઝનો યુગ આવ્યા પછી ફિલ્મોને નુકસાનની ચર્ચાઓ વચ્ચે આ એક નવો પ્રયોગ છે કારણ કે અત્યાર સુધી ઓટીટી પ્લેટફોર્મ પૂરતી મર્યાદિત રહેલી વેબ સીરિઝ હવે ફિલ્મ રુપે આવશે. છેવટે તો ઓટીટી કરતાં થિયેટર જ વધારે મોટું અને અસરકારક માધ્યમ છે તે વાત કદાચ આ પ્રયોગ પરથી પુરવાર થશે.
આ સીરિઝનાં પંકજ ત્રિપાઠી, અલી ફૈઝલ, દિવ્યેદુ શર્મા અને અભિષેક બેનર્જી સહિતના કલાકારો પોતાના આઈકોનિક પાત્રમાં રીપિટ થવાના છે. મિર્ઝાપુરના ઓરિજિનલ ક્રિએટર પુનીત કૃષ્ણા જ આ ફિલ્મના પણ લેખક હશે. તેમજ આ ફિલ્નું દિગ્દર્શન પણ સીરીઝના ત્રણેય ભાગનું દિગ્દર્શન ગુરુમીતનું છે.
આ સીરિઝ આવી ત્યારે ભારતમાં હજુ ઓટીટી સીરિઝનો યુગ જામી રહ્યો હતો. તે વખતે આ સીરિઝમાં બેફામ હિંસા અને બિભત્સ ચિત્રણનાં દ્રશ્યો જોઈ દર્શકો રીતસરના ડઘાઈ ગયા હતા. જોકે, દેખીતી રીતે જ ભારતમાં રજૂ થનારી ફિલ્મ માટે સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ અનિવાર્ય હોય છે. આથી, આ ફિલ્મમાં મૂળ સીરિઝ જેવી હિંસા તથા અશ્લીલતાની બાદબાકી કરી દેવામાં આવશે તેવી ધારણા છે.
ઉલ્લેખનીય છે કે, આ વેબ સીરીઝનો પ્રથમ ભાગ ૨૦૧૮માં રજૂ થયો હતો. તે પછી બીજી સીઝન ૨૦૨૦ અને ત્રીજી સીઝન ૨૦૨૪માં ઓટીટી પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. હવે ૨૦૨૬માં આ વેબ સીરીઝ પરથી ફિલ્મ રીલિઝ કરાશે.