– સારા ચોમાસાને પરિણામે ગ્રામ્ય માગ ઊંચી રહેવાની આશા
મુંબઈ : વર્તમાન વર્ષની દિવાળીમાં રિટેલમાં રૂપિયા ૪.૨૫ લાખ કરોડનો વેપાર થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. રક્ષા બંધન, નવરાત્રિ તથા કરવા ચોથમાં જોવા મળેલા વેપાર ટ્રેન્ડસને આધારે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેઈટ)નો આ અંદાજ આવી પડયો છે.
એકલા દિલ્હીમાં જ દિવાળીમાં રૂપિયા ૭૫૦૦૦ કરોડનો માલસામાન વેચાવાની ધારણાં છે. દિવાળીના તહેવાર માટે દિલ્હી સહિત દેશના નાનામોટા શહેરોમાં વેપારને લઈને ટ્રેડરો આશાવાદી છે.
વર્તમાન વર્ષમાં ચોમાસુ સારુ રહેતા ગ્રામ્ય માગ ઊંચી રહેવાની શકયતા જોવાઈ રહી છે. સારા વેપાર થવાની અપેક્ષાએ ટ્રેડરો અગાઉથી જ માલનો સ્ટોક કરીને બેઠા છે. આ વર્ષે ધનતેરસ તથા દિવાળીના મુહુર્તને લઈને અસમંજસની સ્થિતિ હોવાથી ખરીદી લાંબી ચાલવાની પણ રિટેલરોને આશા છે. ઈ-કોમર્સ તરફથી પડકારો વચ્ચે પણ વેપાર થવાની રિટેલરોને આશા છે. સારા ચોમાસાને કારણે ખરીફ પાક સારો ઊતરવાની આશા છે જે ગ્રામ્ય માગને ટેકો આપી રહ્યો છે.
વર્તમાન વર્ષની દિવાળીમાં રૂપિયા ૪.૨૫ લાખ કરોડનો વેપાર અત્યારસુધીનો વિક્રમી વેપાર હશે એમ કેટના સુત્રોએ જણાવ્યું હતું. ઘરેલુ ઉત્પાદનો પર વધુ પસંદગી અપાઈ રહી હોવાથી ચીની માલને રૂપિયા એક લાખ કરોડનો ફટકો પડવાની ધારણાં મૂકવામાં આવી છે.
દિવાળી બાદ છઠ્ઠ પુજા તથા તુલસી વિવાહ સુધી વેપાર સ્થિતિ સાનુકૂળ બની રહેવાની પણ ટ્રેડરોને આશા છે.