ચર્ચમાં દર્શન કરીને નવદંપતી આભારની લાગણી વ્યક્ત કરવા ક્યાં જાય છે? આપણે પણ પ્રેરણા લેવા જેવો રિવાજ. વિવિધા-ભવેન કચ્છી બીજા દેશોમાં તો અમુક મહિના લશ્કરી સેવા આપવી ફરજીયાત છે ત્યારે ભારતમાં વિદ્યાર્થીઓ માટે એન.સી.સી., સ્કાઉટ કે એન.એસ.એસમાંથી કોઈ એક ફરજિયાત કરવાની જરૂર છે.આપણે પશ્ચિમના દેશોના જુદા જુદા ‘ડે’ ની ઉજવણી કરીને નકલ કરીએ છીએ પણ જેનું અનુકરણ કરવાની જરૂર છે તેવું કંઈ નથી અપનાવતા.
ઇ ન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિ એક સંવેદનશીલ લેખિકા અને સખાવતી પ્રવૃત્તિ માટેની અનુકંપાના ઓથારે આગવી ઓળખ પણ ધરાવે છે. તેમણે લખેલા મોટાભાગના પ્રસંગો નિરીક્ષણ અને સામી વ્યક્તિના અંતરમનમાં ડોકીયુ કરીને પ્રગટયા હોય છે. નાના માણસોની મોટી વાતો માંડવામાં તેમની હથોટી છે. તેમણે લખેલ અનુભવનો ભાવાનુવાદ પ્રાસંગિક તો હોય જ છે પણ આપણને સૌને દર્પણ પણ ધરે છે.
તેમના એક પુસ્તકમાં તેમણે એક અનોખી વાતને આવરી છે. સુધા મૂર્તિ લખે છે કે ‘મારા રશિયાના પ્રવાસ દરમ્યાન મોસ્કોના વોર મેમોરિયલની મુલાકાત લેવા ગઇ હતી. વાતાવરણે અચાનક પલટો લીધો હતો. ઉનાળાની ઋતુ હતી છતા ઝરમર વરસાદ અને ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.
રશિયાના મોટાભાગના શહેરોમાં વોર મેમોરિયલ આવેલા છે. મોસ્કોનું વોર મેમોરિયલ ‘પીસ પાર્ક’ તરીકે જાણીતું છે. ‘શાંતિ માટે યુધ્ધ’નો મર્મ તેમાં છુપાયેલ હોઈ શકે.
આ મેમોરિયલમાં રશિયાના યુધ્ધોમાં શહીદ થયેલા સેનાનીના નામ, વિશેષ વીરતા બતાવનાર કે રેન્ક, મેડલ જીતનારા શહીદોની સ્મૃતિમાં અલાયદો સ્તંભ છે. પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો રજામાં હરવા-ફરવાના સ્થળ તરીકે પણ અહીં આવી શકે તેવા બગીચા, રંગબેરંગી ફૂલોની વિશાળ રેન્જ, ફુવારા અને ફુડ સ્ટોલ બધુ જ છે. વોર મેમોરિયલમાં શહીદોનું સન્માન જળવાય તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. બિનજરૂરી ગંભીર અને શૈક્ષણિક વાતાવરણ નથી જેના લીધે હોઇ બાળકો કે સપરિવાર અહીં રજાનો દિવસ વીતાવવાનું પસંદ કરે છે.’
સુધા મૂર્તિ આગળ જણાવે છે કે ‘હું આવા વોર મેમોરિયલના ‘પીસ પાર્ક’માં શહીદ સ્તંભો અને અન્ય ઇમારતો જોવા પ્રવાસીઓ જોડે લાઈનમાં ઉભી હતી. વાતાવરણ વરસાદી અને ઠંડુ હોવા છતા સ્થાનિક નાગરિકોની હાજરી સારી એવી માત્રામાં હતી. વિશેષ કરીને યુવા છોકરા-છોકરીની જોડીઓ તેમના તેઓના સહજ રૂપ સૌંદર્ય અને સસ્મિત ચહેરા જોઇને પણ પ્રફુલ્લિતતાનો અહેસાસ થતો હતો.
યુવા જોડીઓ પૈકી ઘણી છોકરીઓએ સુંદર મજાના જાણે કોઈ રેમ્પ વોક કે ઉજવણી સમારંભમાં હાજરી આપી હોય તેવા ગાઉન પહેર્યા હતા. આ ૨૪-૨૫ વર્ષની છોકરીઓ જાણે તેમના લગ્ન માટે ચર્ચમાંથી આવી હોય તેવું લાગતું હતું. જો કે આ યુવતી જોડે લગભગ તે જ વયનો યુવાન મિત્ર લશ્કરના યુનિફોર્મ પહેરલ હોઈ મને થોડુ આશ્ચર્ય થયુ. એમ વિચાર પણ આવ્યો કે યુવાન રશિયન સેનામાં હશે અને તેની પત્ની જોડે આ મેમોરિયલ જોવા આવ્યા હશે.
જો કે મારા કુતુહલનું આવી યુવા બેલડી જોઇને સમાધાન નહતું થતું. અમારી હરોળમાં જ એક રશિયન કે જે ભારતીય સંસ્કૃતિથી પરિચિત હોય તેમ લાગ્યું. મેં સાડી પહેરી હતી. તે જાણતો હતો કે હું ભારતીય છું. મારી સાથે કંઇ વાત થાય તે માટે આછેરું સ્મિત પણ આપતો હતો. મેં આટલું પારખી લીધા પછી તેને અંગ્રેજીમાં પૂછયું કે ‘આ નવવધૂની જેમ ગાઉન અને તૈયાર થઇને આવેલી યુવતી અને તેના હાથમાં હાથ ભરાવીને પ્રસન્નતાથી કદમ મિલાવી આગળ ચાલતો ખુશમિજાજ યુવાન કોણ છે ? તેઓ લશ્કરમાં છે ? શા માટે લશ્કરના યુનિફોર્મ પહેરીને રૂપવતી પત્નીને લઇને અહીં આવ્યા છે.’
આવા પ્રશ્નો ભારે નમ્રતા સાથે પેલી વ્યક્તિને પૂછયો. તે રશિયન હતો પણ અંગ્રેજી ભાષાથી પણ જાણકાર હતો. બાકી રશિયા, જર્મની, ફ્રાંસ કે ચીન, કોરિયા જેવા દેશોમાં અંગ્રેજી કોઈ સમજતું નહીં હોઈ પ્રત્યાયન કઠીન બને.
પેલી રશિયન વ્યક્તિએ ભારે ઉત્સાહનો સંચાર એકત્રિત કરીને કહ્યું કે ‘મેડમ તમારી ધારણા સાચી છે. ગાઉન પહેરીને સુંદર મજાની તૈયાર થઇને જે યુવતીઓ છે તેઓ ખરેખર નવોઢા જ છે.’
તેઓના આજકાલમાં જ લગ્ન સંપન્ન થયા છે. લશ્કરના યુનિફોર્મમાં તેમની સાથે જે યુવાન છે તે તેઓના પતિ છે. રશિયામાં જ્યારે યુધ્ધ હોય ત્યારે બધાએ યુધ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જુદા જુદા લશ્કરી સહાય વિભાગમાં ફરજીયાત જોડાવું પડે છે. આ યુવાનોએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે તેઓને પત્ની સાથે જેમ ચર્ચમાં કે દેવસ્થાને દર્શન કરવા નવદંપતિ જતા હોય તેમ રશિયાની પરંપરા પ્રમાણે લગ્ન પછીના એક બે દિવસમાં જ જે તે શહેરમાં આવેલા વોર મેમોરિયલની મુલાકાત લેવી જ પડે છે.
વોર મેમોરિયલમાં આવીને તેઓ શહીદ સ્તંભ સમક્ષ નતમસ્તક ઝૂકશે. એટલું જ નહીં તમામ નવદંપતિઓને મનોમન એવી પ્રાર્થના કરવાની હોય છે કે ‘આજે અમે જે ગૌરવ અને સન્માન સાથે મુક્ત સ્વતંત્રતા સાથે દેશના નાગરિક તરીકેના ફળો ખાઈ રહ્યા છીેએ, આબાદી અને સમૃધ્ધિની જીવનશૈલીના હકદાર બન્યા છીએ તેનું સંપૂર્ણ શ્રેય તમને જાય છે. તમે અમારી સુખાકારી માટે શહીદ થયા તે બદલ તમારો હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ.’ ત્યાર પછી પેલી રશિયન વ્યક્તિએ કહ્યું કે ‘આમ જોવા જઇએ તો આપણે આજે જે પણ મુક્ત ગગનમાં વિહરવાના અને વિકસવાનાં ફળ ખાઈએ છીએ તે આપણા શહીદોને જ આભારી છે ને ? અમારા માટે તેમના આશિર્વાદ, તેઓ પ્રત્યે ઋણ અદા કરવું તે લગ્નની પૂર્ણતાની એક જાણે વિધિ છે.’
જેઓએ લશ્કરમાં કોઈ પ્રકારની ફરજ બજાવી છે તેઓ યુનિફોર્મ પહેરીને આવે છે જ્યારે ઘણા માત્ર આ નિમિત્તે લશ્કરનો યુનિફોર્મ પહેરીને આવે છે અને એવાં સંકલ્પ કરે છે કે જરૂર પડયે મારા પરિવાર કરતા પણ પ્રાધાન્ય તમારી (શહીદોની) ેપ્રેરણા લઇ દેશને આપીશ.
સુધા મૂર્તિને આ જાણીને રશિયા અને રશિયનો માટેનું માન વિશેષ વધી ગયું. તેઓ ઉમેરે છે કે આપણે ત્યાં લગ્ન પ્રસંગ કેટલા સ્વચ્છંદી બની છકી ગયા છીએ તેની પ્રતિતી કરાવતા બનતા જાય છે. દેખાદેખીમાં તાકાત ના હોય તો પણ બગાડ અને બેફામ ખર્ચ અને જેઓ શ્રીમંત છે તેઓ તો એક પ્રકારની તુમાખી અને આડંબરનું પ્રદર્શન કરતા કંકોત્રીથી માંડી મહેંદી, સંગીત, વિશ્વભરના વ્યંજનોનું ભોજન, જ્વેલરી, મેકઅપ, શોપિંગ અને ડેસ્ટિનેશન મેરેજમાં લાખો રૂપિયા ઉડાવે છે. આપણે નથી લગ્ન વખતે આપણી વિધિ પરંપરા-સપ્તપદીને સમજવાનો પ્રયત્ન કરતા કે નથી ઇશ્વરને ખરા હૃદયથી સંકલ્પ સાથેના દામ્પત્યજીવનના આશીર્વાદ માંગતા. બધુ જ ક્રિયાકાંડ અને અન્યને લઘુતાગ્રંંથિમાં મુકવાના આશયથી થાય છે.
આપણે દેશ માટે અને આપણને આવું મુક્ત તેમજ ઉજવણી સાથેનું જીવન આપવા માટે જેઓ બલિદાન આપે છે તેને યાદ કરીએ છીએ ખરા? પશ્ચિમના દેશો પાસેથી વેલેન્ટાઇન જેવા દિવસોની ઉજવણી કરીને અનુકરણ કરીએ છીએ તો આ રીતે રશિયાના યુવા દંપતીઓ જે પરંપરા નિભાવે છે તેમ આપણા નવદંપતી પણ આવી પ્રેરણા લઈ જ શકે.
અમેરિકામાં સૈનિકો ફરજ માટે હતા હોય કે પરત આવતા હોય ત્યારે એરપોર્ટમાં ઉપસ્થિત સ્ટાફ અને અન્ય પ્રવાસીઓ સમૂહમાં તાળી પાડીને તેઓનું અભિવાદન કરે છે. અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલ ‘પીસ મેમોરિયલ’ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળની યાદીમાં હોઇ ત્યાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં જોઈ શકાય છે.બ્રિટન,જર્મન, ફ્રાન્સ જેવા દેશોમાં પણ વોર મેમોરિયલ અને મ્યુઝિયમમાં સંતાનોને લઈને તેના વાલીઓ આવતા હોય છે. પશ્ચિમના દેશોમાં ચાર રસ્તા પર દેશને ગૌરવ અપાવનારા સેનાપતિઓના પૂતળાં જોઈ શકાય છે. આવા સ્મારકમાં સેનાપતિ કે શહિદના પ્રદાન વિશે લખાયું હોય છે. તમને યજમાન ગૌરવ સાથે આવા સર્કલમાં ફરવા લઈ જશે.આપણે પ્રવાસન સ્થળોમાં સૌથી પહેલી બાદબાકી મ્યુઝિયમ અને મેમોરિયલની કરતા હોઈએ છીએ.
આપણે ફરજો બજાવવામાં કે નાગરિક સૌજન્યની જવાબદારીમાં મીંડુ છીએ. પશ્ચિમના દેશોથી પ્રભાવિત થઇએ છીએ પણ ત્યાંના નાગરિકોના વર્તનમાંથી બોધપાઠ નથી લેતા.
નાગરિક તરીકે દેશની ઈમેજ માટે આપણે શું કર્તવ્ય નિભાવ્યું તે આત્મ નિરીક્ષણ કર્યું છે ખરું ?
રશિયાની જેમ આપણે પણ શહીદો કે સ્મારકો પ્રત્યે મનોમન આભારની લાગણી કોઈ શુભ પ્રસંગે વ્યક્ત કરવાની જરૂર છે.
શાળાઓમાં એનસીસી, સ્કાઉટ કે એનએસએસ ફરજીયાત કરવામાં આવશે તો જ યુનિફોર્મની મહત્તા સમજાશે. ફરજીયાત સૈનિક સેવાનો અમલ શક્ય ના બને પણ ટ્રાફિક, સ્વચ્છતા કે અસામાજિક તત્ત્વોની સમસ્યા સામે સ્વયંસેવકોની ફોજ તો ખડી જ કરી શકાય ને. પ્રત્યેક વિદ્યાર્થી મહિનામાં એક કલાક મનગમતી જાહેર સેવામાં અર્પણ કરે તેવું કલ્ચર પણ ખડું કરવું જોઈએ.