રાજને લગ્નોત્સુક માલતીને વચન આપ્યું કે આપણે આઠેક મહિનામાં જ લગ્ન કરી લઈશું

ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક પોતે ભયાનક રીતે છેતરાઈ ગઈ છે એવું ભાન થયું એટલે માલતીએ લખનૌ એ.ડી.જી. ઓફિસમાં તપાસ કરી તો ત્યાંથી જવાબ મળ્યો કે રાજન વર્મા નામનો કોઈ માણસ અમારા સ્ટાફમાં નથી. રાજન વર્મા અધિકારીના રોલમાં.પોલીસો સાથે સેલ્ફી ધરપકડ પછી.રાજન કાર સાથે. પોલીસઅધિકારીઓ સાથે સેલ્ફી.

”દુ નિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે” આ વિધાનને વ્યવહારમાં આપણે અનેક વાર જોયું છે.મિસ્ટર નટવરલાલ જેવા ધૂતારાનો શિકાર બનેલા પોલીસ પાસે દોડે છે.પોલીસ એવા ચીટરને પકડે છે. આવા ધૂતારાઓને પારખવામાં પોલીસ વધુ પાવરફૂલ હોવાથી કોઈ ધૂતારાની જાળમાં એ ફસાય નહીં.- આવી માન્યતાને ખોટી સાબિત કરતી એક ઘટના હમણાં ઉત્તરપ્રદેશમાં બની ગઈ. આઠમું ધોરણ પાસ એક યુવાને નકલી પોલીસ બનીને એક-બે નહીં, પણ અગિયાર જેટલી અસલી મહિલા કોન્સ્ટેબલને શારીરિક અને આર્થિક રીતે નિચોવી લીધી!

તારીખ ૩-૯-૨૦૨૪, મંગળવારે સવારે બરેલી બસ સ્ટેન્ડ પાસેથી અસલી પોલીસે આ નકલી પોલીસ રાજન ધીરેન્દ્રપાલ વર્માની ધરપકડ કરી. બીજા દિવસે રાહુલ ભાટી (એસ.પી. બરેલી સીટી) એ પ્રેસ કોન્ફરન્સમાં એને રજૂ કરીને પત્રકારોને વિગતવાર માહિતી આપી.

પત્રકારોને આ ધૂતારાની વાતમાં રસ પડયો એટલે ખણખોદ કરીને એમણે રાજન ધીરેન્દ્રપાલ વર્માની પૂરેપૂરી કથાના છેડા મેળવી લીધા.

લખીમપુર-ખીરીના મિદનિયા ગઢી વિસ્તારમાં રહેતા ધીરેન્દ્રપાલ વર્માને સંતાનમાં આ એક માત્ર પુત્ર રાજન. બાર-તેર વર્ષની ઉંમરે પરિવારની અવદશાને લીધે રાજન વર્માએ આઠમું ધોરણ પાસ કરીને અભ્યાસ છોડી દેવો પડયો. આમ પણ એને ભણતરમાં જરાયે રસ નહોતો. એ વિસ્તારમાં કોળા-પમ્પકિનની પુષ્કળ ખેતી થાય છે. કોળામાંથી મિઠાઈ-પેઠા બનાવવામાં આવે છે. આ મિઠાઈ ખૂબ સસ્તી હોવાથી આખા ઉત્તરપ્રદેશમાં એનો પુષ્કળ વપરાશ થાય છે. અભ્યાસ છોડી દીધા પછી રાજન આવા એક પેઠાના કારખાનામાં નોકરીએ લાગી ગયો. રાજન ચાલાક હતો-જરૂર કરતાં પણ વધારે ચાલાકી ઈશ્વરે એને આપી હતી. કોઈ પણ કામમાં એ ઝૂકાવે તો ઝીણી ઝીણી બાબતોનું નિરીક્ષણ કરીને  આખી પ્રક્રિયાનું જ્ઞાાન મેળવી લેવાની એની આદત હતી. કોળામાંથી પેઠા કઈ રીતે બને છે, કઈ કઈ જાતના પેઠા બને છે, એ સસ્તામાં સસ્તા કઈ રીતે બનાવી શકાય-એ તમામ જાણકારી એણે આંખ-કાન ખુલ્લા રાખીને નોકરી કરી એ દરમ્યાન પૂરેપૂરી આત્મસાત કરી લીધી.

આઠ વર્ષ સુધી નોકરીમાં મજૂરી કરીને પેઠા વિશેનું તમામ જ્ઞાાન મેળવી લીધા પછી એણે નોકરી છોડી દીધી. થોડીઘણી બચત પાસે હતી અને બાકી સગાસંબંધીઓ પાસેથી ઉછીના લઈને એણે પોતે પેઠા બનાવવાની ફેક્ટરી શરૂ કરી! એણે જોયેલું કે એનો શેઠ અને બીજા બધા ઉત્પાદકો આસપાસના વિસ્તારોમાં જ પેઠા વેચતા હતા અને એમાં સ્પર્ધાને લીધે ભાવ ઓછા રાખવા પડતા હતા. લખીમપુરથી અયોધ્યાનું અંતર લગભગ અઢીસો કિલોમીટરનું છે, એ છતાં રાજને હિંમત કરીને એનો માલ અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારમાં વેચવાનો નિર્ધાર કર્યો કે જેથી ભાવ વધારે મળે અને હરીફાઈ પણ ના નડે. એનો આ આઈડિયા સફળ થયો અને પેઠાની અવનવી વેરાઈટીઓ એણે અયોધ્યાના કંદોઈઓને પહોંચાડવાનું શરૂ કરી દીધું. કમાણી પણ સારી થવા લાગી.

વારંવાર અયોધ્યા જવાનું થાય એટલે ત્યાંના એક સસ્તા ગેસ્ટહાઉસમાં એ રોકાતો હતો. ત્યાં બજારમાં એની મુલાકાત થઈ સુનિલ ગુપ્તા સાથે. સુનિલ ગુપ્તા ઉત્તરપ્રદેશ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. થોડી વધારે મુલાકાતો પછી સંબંધ ગાઢ બન્યો ત્યારે સુનિલ ગુપ્તાએ રાજનને કહ્યું કે તું ચાલાક યુવાન છે. આ પેઠાની પળોજણ છોડીને પોલીસમાં આવી જા. પોલીસ ખાતામાં નોકરીની વાત સાંભળીને રાજનની આંખ ચમકી. (ઉત્તરપ્રદેશના યુવાનો પોલીસ બનવા માટે તલપાપડ હોય છે. તાજેતરમાં કોન્સ્ટેબલની ભરતી માટે યોજાયેલી પરીક્ષામાં રેકોર્ડબ્રેક અડતાળિસ લાખ ઉમેદવારે અરજી કરેલી!)

રાજને કહ્યું કે હું તો આઠમું ધોરણ જ પાસ છું. સુનિલ ગુપ્તાએ હસીને કહ્યું કે એ બધું મારા ઉપર છોડી દે. તારી તૈયારી હોય તો આવતી પહેલી તારીખથી જ મારા ઈન્ફોર્મર તરીકે તારી નોકરી પાક્કી! હું અહીં પોલીસલાઈનના મકાનમાં એકલો જ રહું છું, એટલે તારે રહેવાની ચિંતા પણ નહીં કરવાની. મારી જોડે જ રહેજે. આટલું કહીને એમણે હળવેથી ઉમેર્યું કે છેક ઉપર સુધી ભોગ ધરાવવો પડે છે એટલે પાંચ લાખ રૂપિયાની જોગવાઈ કરવી પડશે. એ પછી યુનિફોર્મ અને હાથમાં ડંડો હોય તો ફટાફટ રિકવરી થઈ જશે!

પેઠાની પળોજણ છોડીને પોલીસની નોકરીની વાત રાજને સ્વીકારી લીધી.ગામમાં જઈને એણે ફેક્ટરી વેચી નાખી. જેમ તેમ કરીને પાંચ લાખ ભેગા કરીને એ અયોધ્યા આવ્યો. સુનિલ ગુપ્તાને એ પૈસા આપીને પોલીસ લાઈનમાં એમના ક્વાર્ટરમાં રહેવા લાગ્યો. બે દિવસ પછી જ પહેલી તારીખ હતી. સુનિલે બૂટથી માંડીને કેપ સુધીના યુનિફોર્મમાં રાજનને સજ્જ કરીને કહ્યું કે આજથી મારા ઈન્ફોર્મર તરીકે તારી નોકરી શરૂ! આખા અયોધ્યામાં આંટા મારીને શું શું બને છે એની જાણકારી તારે મને આપવાની. ક્યાંક રોકડી થાય એવું હોય તો એ તક ઝડપી લેવાની પણ તને છૂટ! એણે યુનિફોર્મની બીજી જોડ પણ રાજનને આપી.

પોલીસલાઈનના ક્વાર્ટર્સમાં તો બધા પોલીસકર્મીઓ જ રહેતા હતા. નિરીક્ષણ કરીને બધુંય જાણી લેવાની તો રાજનની આવડત હતી. ફૂલ યુનિફોર્મ પહેરીને બહાર નીકળતી વખતે એનો રૂઆબ બદલાઈ જતો. મહિનો પૂરો થયો અને પહેલી તારીખ આવી ત્યારે સુનિલે રાજનના હાથમાં અઢાર હજાર રૂપિયા આપીને કહ્યું કે આ તારો પગાર. છ મહિના પછી કાયમી પોસ્ટિંગ થશે ત્યારે બાવીસ હજાર મળશે.

હાથમાં ડંડો લઈને શહેરમાં ઘૂમતી વખતે જ્યાં તક મળે ત્યાંથી રોકડી કરવાની એકેય તક રાજને નહોતી છોડી. બીજા મહિને પણ સુનિલે એને પગાર આપ્યો. પગાર ઉપરાંત વધારાની આવક મેળવવાની આવડત હોવાથી રાજનને તો અહીં અયોધ્યામાં જલસો હતો. ત્રીજા મહિને પણ સુનિલે એને પગાર આપ્યો. એ પગારથી પણ વધારે કમાણી તો રોકડી કરવામાં થતી હતી એટલે રાજન પોલીસ બનીને પેઠાના ધંધાને સાવ ભૂલી ગયો હતો.

ચોથા મહિને સુનિલ ગુપ્તાએ પગાર આપવાના બદલે કહ્યું કે સરકારી મહેકમમાં ફેરફાર થયો હોવાથી હમણાં તારી નોકરીની વાત ભૂલી જવી પડશે! મારા પૈસા? રાજને તરત પૂછયું. એ તો ઉપર દેવાઈ ગયા છે. સુનિલ ગુપ્તાનો જવાબ સાંભળીને રાજનને ખાતરી થઈ કે આ પોલીસ ઓફિસરે મને છેતર્યો છે. એના ઘરમાંથી પોલીસ ઓફિસર લગાવે એવા તમામ બિલ્લાઓ અને સ્ટાર ઉઠાવીને એણે પોતાની બેગમાં મૂકી દીધા અને ત્યાંથી નીકળી ગયો. અયોધ્યા પોલીસ કમિશ્નરની ઓફિસમાં જઈને એણે બધી વાત કહીને ફરિયાદ નોંધાવી. મામલો પોલીસ ખાતાનો જ હતો એટલે અધિકારીઓએ આ પ્રકરણ લાંબુ કરવાને બદલે સુનિલ ગુપ્તાને બોલાવીને ધમકાવ્યો, અને અઢી લાખ રૂપિયા રાજનને પાછા અપાવ્યા.

 અયોધ્યામાં યુનિફોર્મ પહેરીને ફરતી વખતે રાજનને સંગીતા(નામ બદલેલું છે) વર્મા નામની મહિલા કોન્સ્ટેબલ સાથે આંખ મળી ગયેલી. જ્ઞાાતિનો જ આવો પોલીસ ઓફિસર મળી ગયો, એ વિચારીને સંગીતા ખુશ થતી હતી. એણે તો રાજનનો ફોટો પોતાના પરિવારને મોકલ્યો અને સંમતિ મેળવી લીધી. રાજને સાદાઈથી સંગીતા સાથે લગ્ન કરી લીધા. રાજને લગ્નજીવન માણ્યું, ઉપરાંત અલગ અલગ બહાને એણે સંગીતા પાસેથી સાતેક લાખ ખંખેરી લીધા. એ પછી સુનિલ ગુપ્તાવાળું પ્રકરણ બહાર આવ્યું ત્યારે સંગીતાને ખબર પડી કે આ તો આઠમું ધોરણ પાસ બેકાર છે! એણે બીજું કંઈ કરવાને બદલે માત્ર રાજન સાથેનો સંબંધ કાપી નાખ્યો. હવે રાજન માટે અયોધ્યામાં રહેવાનો કોઈ અર્થ નહોતો. પાસે પૈસા હતા અને પોલીસ અધિકારીનો યુનિફોર્મ પણ હતો. ચાર મહિના પોલીસ ક્વાર્ટર્સમાં પોલીસો સાથે રહીને એક 

પોલીસ અધિકારી તરીકે કઈ રીતે વર્તાય એ કળા પણ રાજને આત્મસાત કરી લીધી હતી. એ પહોંચી ગયો લખનૌમાં અને પછી બરૈલીમાં. પોતે એ.ડી.જી. ઓફિસ લખનૌમાં ઈન્સ્પેક્ટર છે એ રીતના દમામ સાથે જ એણે બરૈલીમાં રહેવાનું શરૂ કર્યું.

ઉત્તરપ્રદેશના તમામ પોલીસના યુનિફોર્મ પર લગાવેલ નેમપ્લેટમાં નામની સાથે પી.એન.ઓ. નંબર લખાયેલો હોય છે. એ નંબરના આધારે પોલીસની વેબસાઈટ પરથી તમામ પોલીસકર્મીઓની આખી કુંડળી મળી શકે છે, એની રાજનને ખબર હતી. હવે લગ્ન કરવા માટે કોઈ બીજી ભોળી યુવતીની શોધ કરવાની હતી. રાજન ચાલાક હતો. સોશિયલ મીડિયામાં એણે પોતાના યુનિફોર્મ પહેરેલા અનેક ફોટાઓ અપલોડ કર્યા હતા. પોતે વર્મા હોવાથી એણે વર્મા અટકવાળી કુંવારી મહિલા કોન્સ્ટેબલોની શોધ આદરી. એ જાણતો હતો કે પોતે વર્મા હોવાથી બીજી કોઈ જ્ઞાાતિની કોન્સ્ટેબલને લપેટમાં લેવાનું કામ અઘરું પડશે. જો વર્મા અટકવાળી કોન્સ્ટેબલ જ મળી જાય તો કામ સરળ બની જાય અને પેલીને આસાનીથી ફસાવી શકાય.

માલતી (આ નામ બદલ્યું છે) વર્મા બરૈલીમાં જ કોન્સ્ટેબલ હતી. એની સાથે ટેલિફોન પર વાત કરી. પોતે એ.ડી.જી. ઓફિસ, લખનૌમાં ઈન્સ્પેક્ટર છે એવી ઓળખ આપીને હોટલમાં મુલાકાત ગોઠવી. શિયાળને પણ શરમાવે એવી ચાલાકી તો રાજન પાસે હતી જ, એટલે પહેલી બે મુલાકાત હોટલમાં ચા-કોફી સાથે થઈ અને ત્રીજી મુલાકાત હોટલના બંધ ઓરડામાં થઈ! લગ્નોત્સુક માલતીને રાજને વચન આપ્યું કે આપણે આઠેક મહિનામાં જ લગ્ન કરી લઈશું. માલતી એના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. રાજને એને સમજાવ્યું કે લગ્ન પછી આપણે આપણા પોતાના ઘરમાં જ રહીશું. એ ઘર બનાવવા માટે લખનૌમાં એક બિલ્ડર મને માત્ર સાત લાખમાં જ પ્લોટ આપવા તૈયાર છે. તારા નામે પ્લોટ ખરીદી લઈને એમાં કન્સ્ટ્રક્શન હું કરાવી દઈશ. પ્લોટ ખરીદવા માટે તને બેન્કમાંથી લોન પણ મળી શકશે. માલતીએ બેન્કમાંથી છ લાખ એંશી હજારની લોન લીધી. એ પૈસા ઉપરાંત માલતીની સેલરીશીટ, આધારકાર્ડ અને પાન કાર્ડ જેવા તમામ જરૂરી પેપર્સ હવે રાજન પાસે આવી ગયા હતા. રાજને એનો એટલો વિશ્વાસ જીતી લીધો હતો કે એ જે પેપર્સ લઈને આવે એના ઉપર માલતી વર્મા સહી કરી આપતી હતી. લખનૌ અને બરૈલી વચ્ચે રાજનના આંટાફેરા ચાલુ હતા. માલતીનો પગાર સીધો જ એના બેન્ક ખાતામાં જમા થતો હતો. ચાર-પાંચ મહિને એકાદ વાર બેન્કમાં જઈને એ સામટી રકમ ઉપાડી લાવતી હતી.

રજાની તકલીફ છે એમ કહીને ગયેલા રાજનના ચાર મહિના સુધી દર્શન જ ના થયા એટલે માલતીને ચિંતા થઈ. રાજનનો મોબાઈલ પણ સ્વીચઓફ આવતો હતો. એમાં એ એક દિવસ પૈસા ઉપાડવા માટે બેન્કમાં ગઈ ત્યારે એના માથે આભ તૂટી પડયું! દર મહિને એનો પગાર તો માત્ર દોઢસો રૂપિયા જેટલો જ જમા થતો હતો! ચોંકી જઈને એ બેન્ક મેનેજરને મળી કે આવું કેમ? મેનેજરે એને કહ્યું કે બેન્ક ઓફ બરોડામાંથી તમે ચોવીસ લાખની લોન લીધી છે એટલે એનો હપ્તો તો કપાયને? પોતે તો ક્યારેય એ બેન્કમાં પગ પણ નથી મૂક્યો તો પછી ચોવીસ લાખની લોન કોણે લીધી? હાંફળીફાંફળી એ બેન્ક ઓફ બરોડામાં ગઈ. મેનેજરને ફરિયાદ કરી તો એણે બધા પેપર્સ બતાવ્યા. માલતીના આધાર, પાન કાર્ડ અને સેલરીશીટના આધારે તેવીસ લાખ પચાસ હજારની લોન લઈને એમ.જી.હેક્ટર કાર ખરીદવામાં આવી હતી અને બધા ફોર્મમાં માલતીની જ સહી હતી!

પોતે ભયાનક રીતે છેતરાઈ ગઈ છે એવું ભાન થયું એટલે માલતીએ લખનૌ એ.ડી.જી. ઓફિસમાં તપાસ કરી તો ત્યાંથી જવાબ મળ્યો કે રાજન વર્મા નામનો કોઈ માણસ અમારા સ્ટાફમાં નથી. ત્યાંથી એવી પણ જાણકારી મળી કે માત્ર આઠમું પાસ એ યુવાને નકલી પોલીસ ઓફિસર બનીને બીજી લેડી કોન્સ્ટેબલ્સને પણ ફસાવેલી છે!

તારીખ ૧૨-૭-૨૦૨૪ ના દિવસે માલતીએ બરૈલીના કોટવાલી પોલીસ સ્ટેશનમાં રાજન વિરૂધ્ધ બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. ઉત્તરપ્રદેશ પોલીસબેડામાં આ વાત ફેલાઈ એટલે મુરાદાબાદ, લખિમપુર, શ્રાવસ્તી અને લખનૌ જેવા આસપાસના જિલ્લાઓમાંથી વર્મા અટકવાળી બીજી પાંચ મહિલા કોન્સ્ટેબલે પણ હિંમત કરીને રાજન વર્મા સામે બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી!

હવે બરેલી પોલીસે પૂરજોશમાં રાજનની તપાસ આદરી. તારીખ ૩-૯-૨૦૨૪ ના દિવસે એ ઝડપાઈ ગયો. એને રિમાન્ડ પર લીધો એટલે એણે એક પછી અગિયાર કિસ્સાઓની કબૂલાત કરી. પોલીસે રેકર્ડ તપાસ્યો. તારીખ ૨૪-૪-૨૧ ના દિવસે મુરાદાબાદ સિવિલ લાઈન્સમાં નકલી ઈન્સ્પેક્ટર તરીકે સાચા ઈન્સ્પેક્ટર કપિલકુમારે એને જેલમાં પૂરેલો અને જામીન મેળવીને એ બહાર આવી ગયેલો. તારીખ ૧૩-૩-૨૦૨૨ ના દિવસે શ્રાવસ્તી પોલીસસ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ વિનસ વર્માએ લગ્નનું વચન આપીને બળાત્કાર ઉપરાંત પ્લોટના નામે આઠ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલી. 

તારીખ ૧૩-૧૧-૨૦૨૨ લખીમપુરની કોન્સ્ટેબલ ગાયત્રી વર્માની બળાત્કાર ઉપરાંત પ્લોટના નામે આઠ લાખની છેતરપિંડીની ફરિયાદમાં એક નવો ફણગો ફૂટયો. રાજને સૌથી પહેલા જેની સાથે લગ્ન કર્યા હતા એ અયોધ્યાની સંગીતાને પણ યેનકેન પ્રકારે મનાવીને રાજને એને પણ પોતાના ધંધામાં ભાગીદાર બનાવી હતી. પ્લોટના નામે એ જે સાત-આઠ લાખ રૂપિયા ઉઘરાવતો એ સીધા જ સંગીતાના ખાતામાં જમા કરાવતો હતો! એ સંગીતા ટ્રાન્સફર લઈને લખનૌ પોલીસસ્ટેશનમાં આવી ગઈ હતી. એને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે!

અગિયાર મહિલા કોન્સ્ટેબલને લગ્નની લાલચ આપીને એમની સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને બધું મળીને ત્રણેક કરોડની છેતરપિંડી કર્યાની રાજને કબૂલાત કરી છે. એના નામે લખનૌમાં બે પ્લોટ, એમ.જી. હેક્ટર ઉપરાંત બીજી બે કાર અને બુલેટ મોટરસાઈકલ-આ બધુંય અત્યારે પોલીસના કબજામાં છે. પૈસાનું શું કર્યું? એ પ્રશ્નના જવાબમાં રાજને કહ્યું કે દારૂ અને જુગારમાં પૈસા ઊડાડી માર્યા છે. એના કહેવા મુજબ ઓનલાઈન જુગારમાં જ એણે એક કરોડ સિત્તેર લાખ રૂપિયા ગૂમાવ્યા છે!

એસ.પી. રાહુલ ભાટીના જણાવ્યા મુજબ આ કેસની વધુ ઊંડાણથી તપાસ હજુ ચાલુ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *