અત્યાર સુધી મોતના ચાર કિસ્સામાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.એક વર્ષિય બાળકે અમદાવાદ સિવિલમાં દમ તોડયા બાદ ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો : આરોગ્યતંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગામોમાંથી ચાંદીપુરાના શંકાસ્પદ બાળદર્દીઓ ચિંતાજનકરીતે વધી રહ્યા છે તે વચ્ચે બે દિવસ પહેલા અમદાવાદ સિવિલમાં શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરાયેલા દહેગામના ખાનપુરા ગામના એક વર્ષિય બાળકનું આજે મોત નિપજ્યું હતું. જો કે, બપોરે આ બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગાંધીનગર જિલ્લામાં પોઝિટિવ આ પ્રથમ બાળકનું મોત થયું છે જેના પગલે આરોગ્ય તંત્ર વધુ સઘન કામગીરીમાં લાગી ગયું છે.
ગાંધીનગરમાં અત્યાર સુધી અમરાજીના મુવાડા, ભાટ, સેક્ટર-૧૩ તથા લવાડમાં શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર લઇ રહેલા બાળદર્દીઓના મોત નિપજ્યાં છે જો કે, આ ચારેય કિસ્સામાં બાળકોના મોત બાદ તેમને ચાંદીપુરા નહીં હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે જેના પગલે આ બાળકોના મોત કયા વાયરસ કે બિમારીથી થયા તેની તપાસ ચાલી રહી છે તે વચ્ચે દહેગામના ખાનગપુરમાં રહેતા પરિવારના એક વર્ષિય બાળકને અમાદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં તેને ચાંદીપુરાના લક્ષણો જણાયા હતા જેથી તબીબોએ બાળકીના સેમ્પલ લઇને તેને પરિક્ષણ માટે મોકલી આપ્યા હતા તો બાળકીની તબીયત લથડતા તેણીને વેન્ટીલેટર ઉપર પણ રાખવામાં આવી હતી. આજે સવારના સમયે આ બાળકીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું તો બપોરે આ બાળકી ચાંદીપુરા પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો.ગાંધીનગર જિલ્લામાં અગાઉ મોતને ભેટેલા શંકાસ્પદ બાળદર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આ ખાનપુરાના બાળકનો મોત બાદ પોઝિટિવ આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા પોઝિટિવ આ પ્રથમ બાળકનું મોત થયું છે જેના પગલે આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. ગ્રામ્યકક્ષાએ ડસ્ટીંગ અને સર્વેલન્સની કામગીરી વધારી દેવામાં આવી છે.
બાળકના ઘર તથા ગામમાંથી સેન્ડ ફ્લાઇ કલેક્શન કરાશે
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા ખાનપુરમાં કેટલીક ફેક્ટરીઓ આવેલી છે ત્યાં છુટા છવાયા પાંચ-છ નાના કાચા મકાનોમાં રહેતા પરિવારો પૈકી એક મજુર પરિવારના એક વર્ષિય બાળકનું ચાંદીપુરાને કારણે મોત નિપજ્યું છે તેવી સ્થિતિમાં આ બાળકને રહેણાંક વિસ્તાર તથા સમગ્ર ગામમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત આ જગ્યાએ ડસ્ટીંગ પણ કરવામાં આવશે સાથે સાથે રાત્રીના સમયે ખાસ જોવા મળતી રેતમાખીની પકડીને તેને લેબોરેટરીમાં મોકલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. ખાનપુર ગામના તમામ ખાચા મકાનોમાં ડસ્ટીંગની કામગીરી યુધ્ધના ધોરણે કરી દેવામાં આવશે.