સાળંગપુરનો બુટલેગર કારમાં 31 પેટી દારૂ આપી ગયો.વાડીમાલિક સહિતના શખ્સોએ દારૂ-બિયરનો જથ્થો મંગાવ્યો હતો, ચાર બુટલેગર ફરાર.

સિહોરની શિવશક્તિ સોસાયટી પાછળ આવેલ વાડીમાં સિહોર પોલીસે દરોડો પાડી વાડીના મકાન અને કારમાં રાખેલા વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે ચાર બુટલેગર ફરાર થઈ જતાં વિદેશી દારૂના કારોબારમાં સામેલ પાંચ શખ્સ સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો અનુસાર સિહોરની શિવશક્તિ સોસાયટીની પાછળના ભાગે આવેલ નિકુલ હીપાભાઈ ઉલવાની વાડીની ઓરડીમાં વિલાયતી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર એલસીબીની ટીમે દરોડો પાડી વાડીના મકાનની બાજુની ઓરડીમાંથી તેમજ વાડીમાં મળી આવેલ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૮૪ બોટલ તેમજ બિયરના ટીન નંગ- ૧૬૮, બે મોબાઈલ ફોન, એક કાર નં.જીજે.૦૭.ડીએ.૦૩૫૪ મળી કુલ રૂા.૨,૬૦,૪૬૦ના મુદ્દામાલ સાથે હાદક ભરતભાઈ મકવાણા (રહે, સરકારી દવાખાના સામે, ધુમડશા વિસ્તાર, સિહોર) નામના શખ્સને ઝડપી લઈ પૂછતાછ કરતા તેણે વાડીના માલિક નિકુલ હિપાભાઈ ઉલવા અને રોહિત નાનુભાઈ સાથે ભાગીદારીમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મંગાવ્યો હતો અને દારૂનો આ જથ્થો ધર્મેશ (રહે, સાળંગપુર, તા.બરવાળા) નામનો બુટલેગર તેની કારમાં આપી ગયો હોવાનું અને દારૂની ૩૧માંથી ૧૦ પેટી મોમીન ઈકબાલભાઈ પઢીયાર (રહે, વોરાવાડ, રહે,સિહોર) નામનો બુટલેગર લઈ ગયો હોવાનું અને બાકીની છૂટક વેચાણ કર્યાનું તેમજ ત્રણ પેટી મોમીનને આપવા જવાની તૈયારી કરતો હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચે હાદક ભરતભાઈ મકવાણા, નિકુલ હિપાભાઈ ઉલવા, રોહિત નાનુભાઈ રબારી, ધર્મેશ અને મોમીન ઈકબાલભાઈ પઢીયાર સહિતના પાંચેય બુટલેગર સામે સિહોર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.