પોરબંદરમાં બાપુના જન્મસ્થળે આમીરખાને ગાળી 35 મિનિટ

  • – તમામ વિભાગો વિશે ઉંડાણથી મેળવી જાણકારી
  • – પત્ની તથા બાળકો એરપોર્ટ ખાતે જ રહ્યા

પોરબંદર,તા.29 ડિસેમ્બર 2020, મંગળવાર

હું આજે અહીં આવ્યો છું ત્યારે બાળગાંધીજી જે રૂમમાં રહેતા, જયાં બાળ સહજ પ્રવૃતિઓ કરતા તેની અનુભૂતિ મને અત્યારે થઈ રહી છે અને જાણે તેઓ અહીંયા હાજર જ હોય તેવી પ્રતિતિ થાય છે. તેમ પોરબંદરના ગાંધી જન્મસ્થાન કીર્તિમંદિર ખાતે આવેલા ફિલ્મ અભિનેતા આમીર ખાને ભાવ પ્રગટ કર્યા હતાં.

બોલીવુડના જાણીતા ફીલ્મ અભિનેતા આમીરખાન તેના લગ્નની ૧૫મી વર્ષગાંઠની ઉજવણી કરવા પત્ની કીરણ રાવ અને સંતાનો સહિત પરિવારના સભ્યોના ૫૮ ના કાફલા સાથે સાસણ ગયા બાદ ત્યાં ઉજવણી કર્યા પછી મુંબઈ પરત ફરતી વેળાએ સવારે પોરબંદર આવ્યા હતાં. મુંબઈ જવા માટે પોરબંદરના એરપોર્ટ ઉપરથી રવાના થાય તે પહેલા તેમણે કેટલાક સાથીદારો સાથે ગાંધી જન્મસ્થાન કીર્તિમંદિરની મુલાકાત લીધી હતી.

ગાંધી જન્મસ્થાન કીર્તિમંદિર પાસે આવેલા ગાંધીજીના જન્મના જુના સ્મારકના દરેકે દરેક ખંડની મુલાકાત લઈને તેમણે જણાવ્યું હતું કે, તેમના વડવાઓ પણ ગાંધીજીની સાથે સ્વાતંત્રની લડતમાં હતા, અહીંયા આવીને મને ગાંધીજી અત્યારે પણ જીવંત હોય તેવી અનુભુતિ થઈ રહી છે. હું આજે અહીં આવ્યો છું ત્યારે બાળગાંધીજી જે રૂમમાં રહેતા, જયાં બાળ સહજ પ્રવૃતિઓ કરતા તેની અનુભૂતિ મને અત્યારે થઈ રહી છે અને જાણે તેઓ અહીંયા હાજર જ હોય તેવી પ્રતિતિ થાય છે. ૩ માળના આ મકાનમાં ઉપર સુધી અને અગાશીમાં પણ જઈને આમીરખાને દરેક સ્થળને વિસ્તૃત નિહાળ્યું હતું અને તમામ જગ્યાઓ વિશેની માહિતી પણ કીર્તિમંદિર સંચાલન સમિતિના અધિકારી કે.વી. બાટી પાસેથી મેળવી હતી. અંદાજે ૩૫ મીનીટ જેટલો સમય તેમણે અહીંયા પસાર કર્યો હતો. તેમની સુરક્ષા અને સલામતી માટે ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવાયો હતો.

આમીરખાને જયારે કીર્તિમંદિરની મુલાકાત લીધી હતી અને ૩૫મીનીટ જેટલો સમય પસાર કર્યો હતો ત્યારે તેમની સાથે કેટલાક તેમના સ્ટાફના સભ્યો જોડાયા હતાં. પરિવારજનો એટલે કે તેમના પત્ની કીરણ રાવ અને બાળકોએ કીર્તિમંદિર જવાનું ટાળ્યું હતું અને એરપોર્ટ ઉપર જ રહ્યા હતાં. તેમનો મોટાભાગનો સ્ટાફ પણ એરપોર્ટ ઉપર આમીરખાનની રહ જોઈને બેસી રહ્યો હતો.

આપને ઈસ સ્મારક કી કીતની અચ્છી તરહ સે દેખભાલ કી હૈ

પોરબંદરના કીર્તિમંદિર આવેલા આમીર ખાને જણાવ્યું કે, આપને ઈસ સ્મારક કી કીતની અચ્છી તરહ સે દેખભાલ કી હે. યે દેખકર મુજે બહુત ખુશી હુઈ હૈ તેમ કહીને કીર્તિમંદિરની સાચવણી કરનારા તંત્રને બિરદાવ્યું હતું.