અમેરિકન ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાનું શરૂ કરશે તેવી અપેક્ષાએ ક્રિપ્ટોકરન્સીસમાં કરન્ટ જોવા મળ્યો હતો અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનની આગેવાની હેઠળ અન્ય ક્રિપ્ટોસના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈને ફરી ૫૯૦૦૦ ડોલરની સપાટી કુદાવી હતી.અમેરિકાનું અર્થતંત્ર હવે ઓવરહીટેડ નહીં હોવાના ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે મંગળવારે કરેલા નિવેદન બાદ સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં કપાત શરૂ થવાની ક્રિપ્ટોસના ખેલાડીઓને આશા જાગી છે. જો કે પોવેલે વ્યાજ દરમાં કપાત કયારથી શરૂ થશે તેના કોઈ સંકેત આપ્યા નહોતા. અમેરિકામાં જૂનના ફુગાવાના આંક ગુરુવારે જાહેર થશે. ફુગાવાના આંક પણ ફેડરલ રિઝર્વને વ્યાજ દર અંગે નિર્ણય કરવામાં દિશા પૂરી પાડશે. ક્રિપ્ટો કરન્સીસમાં સુધારાને પરિણામે એકંદર વૈશ્વિક માર્કેટ કેપ્સ પણ વધીને ૨.૧૬ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઉપરમાં ૫૯૪૨૨ ડોલર અને નીચામાં ૫૭૦૦૧ ડોલર વચ્ચે અથડાઈ મોડી સાંજે ૫૮૫૭૦ ડોલર બોલાતો હતો. એથરમનો ભાવ ૩૦૯૫ ડોલર જ્યારે બીએનબી ૫૭૯ ડોલર કવોટ કરાતો હતો.