પુલો તૂટવામાં કોન્ટ્રાકટરો અને અધિકારીઓની સંડોવણી : બિહાર સરકાર.કેટલાક પુલોને નવેસરથી તૈયાર કરવાનો બિહાર સરકારનો આદેશ : એન્જિનિયરોએ સમયાંતરે પુલોની સમીક્ષા ન કરી. રાજ્યના વર્તમાન અને નિર્માણાધીન તમામ પુલોનું સ્ટ્રકચરલ ઓડિટ અને નબળા પુલોની ઓળખ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી.
બિહારમાં ૧૭ દિવસની અંદર એક પછી એક ૧૨ પુલ પડી ગયા પછી સરકારે મોટી કાર્યવાહી કરી છે. સતત પુલ તૂટવાની ઘટના સામે આવ્યા પછી ૧૫ એન્જિનિયર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નીતીશકુમારની નેતૃત્ત્વવાળી રાજ્ય સરકારે નવા પુલોના પુન:નિર્માણના પણ આદેશ આપ્યા છે. રાજ્ય જળ સંશાધન વિભાગના એડિશનલ મુખ્ય સચિવ ચૈતન્ય પ્રસાદે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ૯ પુલો ક્ષતિગ્રસ્ત થવાની માહિતી મળી છે. જેમાંથી છ ખૂબ જ જૂના છે. ત્રણ અન્ય નિર્માણાધીન છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પુલ ધરાશયી થયેલી ઘટનાઓમાં એન્જિનિયર અને કોન્ટ્રાકટર સંડોવાયેલા છે. એન્જિનિયર આ અંગે ન તો સચેત હતાં અને ન તો તેની સમીક્ષા કરી રહ્યાં હતાં. આ કેસમાં અલગ અલગ ૧૫ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બિહારમાં પુલોની ધરાશયી થવાની ઘટનાઓ અંગે એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં બિહાર સરકારને એક સંપૂર્ણ સંરચનાત્મક ઓડિટ કરવા અને ધરાશયી અથવા મજબૂત કરવાની જરૂરિયાત નબળા પુલોની ઓળખ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાના નિર્દેશ આપવાની માગ કરી છે.આ અરજી છેલ્લા ૧૫ દિવસમાં બિહારમાં તૂટેલા પુલોના સંદર્ભમાં કરવામાં આવી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં સૌથી વધારે પૂરઅસરગ્રસ્ત રાજ્ય બિહાર છે. પુલો તૂટવાને કારણે ઇન્ફ્રાસ્ટ્રકચરની સુરક્ષા અને વિશ્વસનીયતા અંગે ચિંતા થાય છે. રાજ્ય સરકારે પુલ તૂટવાની ઘટનાઓ માટે કોન્ટ્રાકટરો અને એન્જિનયરોને જવાબદાર ઠેરવ્યા છે.
અરજકર્તાના વકીલ બ્રજેશ સિંહે જણાવ્યું હતું કે આ એક ગંભીર ચિંતાનો વિષય છે કે બિહારમાં પૂર અસરગ્રસ્ત વિસ્તાર ૬૮૮૦૦ ચો કિમી છે. જે કુલ ભૌગોલિક ક્ષેત્રના ૭૩.૦૬ ટકા છે. તેથી બિહારમાં પુલો તૂટવાની આવી નિયમિત ઘટનાઓ ખૂબ જ વિનાશકારી છે કારણકે તેનાથી મોટી સંખ્યામાં લોકોના પ્રાણ સામે ખતરો ઉભો થાય છે.
2012 થી 2021 દરમિયાન દેશમાં તૂટેલા પુલોની સંખ્યા
વર્ષ | તૂટેલા પુલો |
૨૦૧૨ | ૪૫ |
૨૦૧૩ | ૪૫ |
૨૦૧૪ | ૧૬ |
૨૦૧૫ | ૨૨ |
૨૦૧૬ | ૧૯ |
૨૦૧૭ | ૧૦ |
૨૦૧૮ | ૧૭ |
૨૦૧૯ | ૨૩ |
૨૦૨૦ | ૦૯ |
૨૦૨૧ | ૦૮ |
કુલ | 214 |