ભારતે ૨૦૨૩-૨૪માં સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી મોટી વૃદ્ધિ પ્રાપ્ત કરી છે જે ગયા નાણાકીય વર્ષથી ૧૬.૮ ટકા વધીને ૧,૨૬,૮૮૭ કરોડ રૃપિયા રહ્યું છે તેમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક નિવેદનમાં જણાવ્યું છે. નાણાકીય વર્ષ। ૨૦૨૨-૨૩માં સંરક્ષણ ઉત્પાદન ૧,૦૮,૬૮૪ કરોડ રૃપિયા રહ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા નવા વિક્રમ સ્થાપિત કરી રહ્યું છે. સિંહે જણાવ્યું હતું કે સરકાર ભારતને એક અગ્રણી વૈશ્વિક સંરક્ષણ મેન્યુફેકચરિંગ હબ તરીકે વિકસિત કરવા માટે કટિબદ્ધ છે.આ આંકડાઓનું સ્વાગત કરતા વડાપ્રધાન મોદીએ આ સિદ્ધિ હાંસલ કરવામાં ફાળો આપનારા તમામ લોકોની પ્રશંસા કરી હતી. ભારતને એક અગ્રણી વૈશ્વિક સંરક્ષણ મેન્યુફેકચરિંગ હબ તરીકે વિકસિત કરવા માટે અમે કટિબદ્ધ છીએ તે માટે અમે શક્ય તમામ પ્રયત્નો કરીશું.રાજનાથ સિંહે એક્સ પર જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ દર વર્ષે નવા વિક્રમો સર કરી રહ્યું છે.
સિંહે જણાવ્યું હતું કે ભારતે ૨૦૨૩-૨૪માં સંરક્ષણ ઉત્પાદનના મૂલ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી વૃદ્ધિ નોંધાવી છે. ૨૦૨૩-૨૪માં સંરક્ષણ ઉતપાદન ૧,૨૬,૮૮૭ કરોડ રૃપિયાએ પહોંચી ગયું છે જે ગત નાણાકીય વર્ષના ઉત્પાદન મૂલ્યથી ૧૬.૮ ટકા વધારે છે.રાજનાથ સિંહે આ સિદ્ધિ બદલ સંરક્ષણ ઉત્પાદન કરતી જાહેર ક્ષેત્રની સંરક્ષંણ કંપનીઓ, જાહેર ક્ષેત્રની અન્ય કંપનીઓ અને ખાનગી કંપનીઓને અભિનંદન પાઠવ્યા હતાં.નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સંરક્ષણ નિકાસ ગયા વર્ષની સરખામણીમાં ૩૨.૫ ટકા વધીને ૨૧૦૮૩ કરોડ રૃપિયા હતી. ગત નાણાકીય વર્ષમાં ભારતની સંરક્ષણ નિકાસ ૧૫૯૨૦ કરોડ રૃપિયા રહી હતી.