ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચમાં 290 ટકાનો તોતિંગ વધારો

તાજેતરમાં આરબીઆઈએ બહાર પાડેલા ક્રેડિટ કાર્ડ ખર્ચના આંકડા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં ક્રેડિટ કાર્ડનો ખર્ચ ત્રણ ગણો વધીને રૂ. ૧૮ લાખ કરોડથી વધુ થયો છે. માર્ચ ૨૦૨૪માં પૂરા થયેલા વર્ષ દરમિયાન ેક્રેડિટ કાર્ડ ખર્ચ વધીને ૧૮.૩૧ લાખ કરોડ રૂપિયા થયો છે. ત્રણ વર્ષ પહેલા માર્ર્ચ, ૨૦૨૧માં આ ખર્ચ ૬.૩૦ લાખ કરોડ રૂપિયા હતો. ભારતમાં છેલ્લા એક દાયકમાં લક્ઝરી જરૂરિયાતો અને મોજશોખ પાછળનો ખર્ચ વધ્યો છે.ખાસ કરીને કોરોના મહામારીએ આ ટ્રેન્ડમાં ધરખમ ફેરફાર કર્યો છે. એકાએક કોરોના વાયરસ અનેક લોકોને ભરખી રહ્યો છે. છત્તે પૈસે લોકો પોતાનો જીવ નથી બચાવી શકતા. આ સ્થિતિ જોઈને જનતા અને ખાસ કરીને મિલેનિયલ યુવાવર્ગે જીવન તરફનો દ્રષ્ટિકોણ બદલ્યો છે. હવે બચત કર્યા બાદ બાકી રહેતા પૈસામાંથી ખર્ચ કરવાનું ચલણ બદલાયું છે અને તદ્દન વિરોધાભાસી વલણ કે પહેલાં ખર્ચ કરી લઈએ બાદમાં પૈસા ચૂકવીશું અને થશે તો બચત કરીશું. આ માનસિકતાનો પર્યાય આપણને ઉઘાર ખર્ચના આંકડા પરથી પણ મળી રહ્યો છે.

નોંધનીય છે કે કોરોના મહામારી બાદ અર્થવ્યવસ્થામાં ઉભી થયેલ સમસ્યાઓ હવે દૂર થઈ રહી છે અને ઉપભોક્તાનો વિશ્વાસ સતત વધી રહ્યો છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર માર્ચ ૨૦૨૧માં પૂરા થયેલા વર્ષ દરમિયાન ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય રૂ. ૬.૩૦ લાખ કરોડ હતું, જે માર્ચ  ૨૦૨૨ સુધીમાં વધીને ૯.૭૧ લાખ કરોડ અને માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧૪.૩૨ લાખ કરોડ રૂપિયા થયું હતુ. હવે તે રૂ. ૧૮ લાખ કરોડને પાર કરી ગયું છે. હાલમાં કાર્ડ યુઝર્સનો માસિક ખર્ચ ૧.૫૦ લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ વર્ષે માર્ચ મહિનામાં ખર્ચ ૧૬૪,૪૫૯ કરોડ હતો, જ્યારે માર્ચ ૨૦૨૧માં આ આંકડો માત્ર ૭૨,૩૧૯ કરોડ રૂપિયા હતો.આરબીઆઈના ડેટા દર્શાવે છે કે બેંકો દ્વારા જારી કરાયેલા ક્રેડિટ કાર્ડની સંખ્યા પણ ઝડપથી વધીને માર્ચ, ૨૦૨૪ સુધીમાં ૧૦.૧૮ કરોડ થઈ ગઈ છે. એક વર્ષ પહેલા એટલે કે માર્ચ, ૨૦૨૩માં આ સંખ્યા ૮.૫૩ કરોડ હતી, માર્ચ ૨૦૨૨માં ૭.૩૬ કરોડ અને માર્ચ ૨૦૨૧માં ૬.૨૦ કરોડ હતી.

ક્રેડિટ કાર્ડ ઈશ્યુઅન્સ અને તેના પર ખર્ચ જે રીતે વધી રહ્યો છે તેવી જ રીતે ક્રેડિટ કાર્ડની બાકી રકમ પણ વધી રહી છે. મે ૨૦૨૪ સુધીમાં ક્રેડિટ કાર્ડની બાકી રકમ ૨,૬૭,૯૭૯ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જ્યારે ૨૦૨૨માં આ ૧,૬૧,૫૧૨ કરોડ હતી. કાર્ડના બાકી લેણાં એટલેકે બેંકો દ્વારા આપવામાં આવતા વ્યાજમુક્ત મુકત સમયગાળા બાદ ગ્રાહકો પાસેથી બાકી નીકળતી રકમ છે.ક્રેડિટ કાર્ડમાં ખાનગી બેંકોનું વર્ચસ્વદેશના બેંકિંગ ક્ષેત્ર પર નજર કરીએ તો સ્ટેટ બેંક સૌથી મોટી બેંક છે અને તે સરકારી બેંક છે પરંતુ ક્રેડિટ કાર્ડ સેગમેન્ટમાં ખાનગી બેંકોનું વર્ચસ્વ છે. એચડીએફસી બેંક ૨.૧૧ કરોડ ક્રેડિટ કાર્ડ સાથે ટોચ પર છે. બીજા ક્રમે એસબીઆઈએ અત્યાર સુધીમાં ૧.૯૧ કરોડ કાર્ડ જારી કર્યા છે. આ પછી આઈસીઆઈસીઆઈ બેંક પાસે ૧.૭ કરોડ અને એક્સિસ બેંક પાસે ૧.૪૩ કરોડ કાર્ડ છે. સેન્ટ્રલ બેંકના ડેટા અનુસાર એચડીએફસી બેંકે મે, ૨૦૨૪ના મહિનામાં રૂ. ૧૬,૨૫૧ કરોડના પોઈન્ટ ઓફ સેલ ટ્રાન્ઝેકશન અને રૂ. ૨૫,૧૫૫ કરોડના ઈ-કોમર્સ કાર્ડના ઉપયોગની માહિતી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *