આ 5 ભૂલો કરી તો રિજેક્ટ થઈ જશે કાર ઈન્સ્યોરન્સનો ક્લેમ

આજના યુગમાં ઝડપી લોન અને આર્થિક સધ્ધરતાના કારણે ગાડી ખરીદવાનું ચલણ સતત વધ્યું છે. ગાડી ખરીદ્યા બાદ તેની સુરક્ષા માટે ઈન્સ્યોરન્સ કરાવવો પણ અનિવાર્ય છે. પરંતુ જરૂરિયાતના સમયે જો કારનો ઈન્સ્યોરન્સ રિજેક્ટ થઈ જાય તો મોટુ નુકસાન થઈ શકે છે. આટલી ભૂલો ટાળશો તો તમે ઈન્સ્યોરન્સ રિજેક્શનના નુકસાનથી બચી શકશો.

આ સંજોગોમાં કાર ઈન્સ્યોરન્સ રિજેક્ટ થઈ શકે છે

1. કાર મોડિફિકેશન કરાવવા પરઃ જો તમે કારનું મોડિફિકેશન કરાવી રહ્યા છો, પરંતુ તેની ઈન્સ્યોરન્સ કંપનીને જાણ નહીં કરો તો તમારો ઈન્સ્યોરન્સ રિજેક્ટ થઈ શકે છે.

2. કાયદો તોડવા પરઃ કાર અકસ્માત દરમિયાન કાર ચાલકે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હશે તો તે ઈન્સ્યોરન્સ ક્લેમને લાયક ઠેરવાશે નહીં. જેમ કે, સિગ્નલ તોડવા પર, દારૂ પીને ગાડી ચલાવીને અકસ્માત પર થતાં કાર નુકસાનની ભરપાઈ ઈન્સ્યોરન્સ કંપની કરશે નહીં.

3. કારનુ જાતે જ રિપેરિંગઃ જો કારને નુકસાન થયું હોય અને ઈન્સ્યોરન્સ કંપનીને જાણ કર્યા વિના જ તમે રિપેરિંગ કરાવી લીધુ હોય તથા બાદમાં તેના માટે ઈન્સ્યોરન્સ ક્લેમ કરશો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે.

4. ગાડીની જાળવણીઃ ગાડીની જાળવણી યોગ્ય રીતે ન કરવામાં આવે, સમયસર તેની સર્વિસ ન થતી હોય તો તેવા સંજોગોમાં કાર ઈન્સ્યોરન્સ ક્લેમ પાસ થતો નથી.

5. મોડેથી ક્લેમ કરવા પરઃ પ્રત્યેક કાર ઈન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ કરવા માટે ચોક્કસ સમયગાળો નિર્ધારિત કર્યો છે. અમુક કંપનીઓમાં ક્લેમ કરવા માટે અકસ્માતના 48 કલાકમાં તથા 7 દિવસની અંદર કાર ડેમેજ અને નુકસાન વિશે ક્લેમ કરી શકો છો, જો સાત દિવસની અંદર ક્લેમ કરવામાં ન આવ્યો તો ક્લેમ રિજેક્ટ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *