બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા અને અભિનેતા ઝહીર ઈકબાલના લગ્નના તાંતણે બંધાઈ ચૂક્યા છે. અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે, સિંહા પરિવાર આ લગ્નથી ખુશ નથી, જો કે સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમ શત્રુઘ્ન સિંહા લગ્નમાં હાજર રહ્યા હતા. પરંતુ તેમના બંન્ને ભાઈ લવ અને કુશ જોવા મળ્યા ન હતા. હવે લગ્નના એક સપ્તાહ બાદ લવની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે બહેનના સસરાની પોલ ખોલી નાથી છે.
ઝહીરના પિતા પર લવ સિંહાના કટાક્ષ!
સોનાક્ષીના સસરા પર કટાક્ષ કરતા લવ સિંહાએ ‘X’ પર લખ્યું કે, ‘ન્યૂઝ સ્ટોરી માટે તેમના પારિવારિક વ્યવસાય વિશેની વાર્તાઓ બનાવવામાં આવી હતી, જેથી કોઈ ગ્રે એરિયા તરફ ધ્યાન ન આપે, જેમ કે વરરાજાના પિતાના એક રાજકારણી સાથે મિત્રતા, જેમની ED પૂછપરછ વોશિંગ મશીનમાં ગુમ થઈ ગઈ હતી. તેમજ દુબઈમાં રહેતા વરરાજાના પિતાની કોઈ માહિતી પણ ન હતી’લવ સિંહાએ આવું કેમ કહ્યું તે સ્પષ્ટ નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટ ઝહીર ઈકબાલના પિતા ઈકબાલ રતનસી વિશે કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, તે મુંબઈના જાણીતા બિઝનેસમેન છે, જેનો બિઝનેસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફેલાયેલો છે. ઈકબાલ રતનસી સલમાન ખાનનો નજીકના મિત્ર છે.
લવ સિંહાએ બહેન સાથે સંબંધ રાખવા માંગતા નથી!
લવ સિંહાએ અન્ય એક પોસ્ટમાં લખ્યું કે, ‘હું શા માટે સામેલ ન થયો તેના કારણો ખૂબ જ સ્પષ્ટ છે, અને ગમે તે હોય, હું કેટલાક લોકો સાથે જોડાઈશ નહીં. મને ખુશી છે કે મીડિયાના એક સભ્યએ પીએર ટીમ દ્વારા રજૂ કરવામાં આવતી સર્જનાત્મક વાર્તાઓ પર ભરોસો કરવાને બદલે તેમનું સંશોધન કર્યું.’
શત્રુઘ્ન સિંહા હોસ્પિટલમાં દાખલ
શત્રુઘ્ન સિંહા ઘણાં દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. અહેવાલો અનુસાર, તેઓ પણ સોનાક્ષીના લગ્નથી ખુશ નથી, જેના કારણે તેમની તબિયત લથડી છે. જો કે લવ સિંહાએ પિતાની હેલ્થ અપડેટ આપતાં કહ્યું હતું કે, ‘તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે.’ પરંતુ હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સિંહા પરિવારનું વાતાવરણ સારૂ નથી અને તેના કારણે શત્રુઘ્ન સિંહાની તબિયત પણ સારી રહેતી નથી.