શાહિદ કપરમારું કુટુંબ જ મારું સર્વસ્વ

મીરાં રાજપૂત સાથે લગ્ન બાદ મારી જિંદગીનો અને ફિલ્મ કારકિર્દીનો સોનેરી સમય શરૂ થયો છે ‘મારે લાઇફમાં ખૂબ સંઘર્ષ કરવો પડયો છે. અમુક લોકોને બધું બહુ સરળતાથી મળી જતું હોય છે. ઠીક  છે. મને તે લોકો સામે કોઇ જ ફરિયાદ નથી.’  

હિન્દી ફિલ્મ જગતનાં અમુક કલાકારોએ તેમની કારકિર્દીને જબરદસ્ત સંઘર્ષ, મહેનત, સફળતા-નિષ્ફળતાના આરોહ – અવરોહના આધારે સોના જેવી બનાવી છે. શાહિદ કપૂર બોલિવુડનો આવો જ અદાકાર છે. બાળપણથી લઇને હજી હમણાં સુધી શાહિદ કપૂરે ડગલે ને પગલે સંઘર્ષ અને મહેનતનો એકડો ઘુંટયો છે.  છેલ્લે આપણે એમને ‘તેરી બાતો મેં  ઐસા ઉલઝા જિયા’ નામની રોમેન્ટિક  સાયન્સ ફિક્શનમાં જોયો. 

હિન્દી ફિલ્મ જગતના આલા દરજ્જના અભિનેતા પંકજ કપૂર અને નીલિમા અઝીમનો  દીકરો શાહિદ કપૂર પૂરી ઇમાનદારીથી કબૂલ કરતાં કહે છે, ‘મારી કારકિર્દીનો ખરો અને સોનેરી તબક્કો  તો મારાં લગ્ન બાદ શરૂ થયો છે.  મારાં લગ્ન ૨૦૧૫માં મીરાં (રાજપૂત) સાથે થયાં ત્યારથી મારા અંગત જીવનમાં બહુ મહત્વનું અને પ્રેમાળ પરિવર્તન આવ્યું છે. એમ કહો કે હું ફેમિલી મેન બની ગયો છું. લગ્ન જીવનના આનંદ સાથોસાથ હું મારી ફિલ્મ કારકિર્દીની સફળતાની ખુશી પણ માણી રહ્યો છું. મારી ફિલ્મ કારકિર્દીમાં ઘણા આરોહ-અવરોહ આવ્યા છે. સફળતા-નિષ્ફળતાનો સીધો અને નજરોનજર અનુભવ પણ કર્યો છે.’ 

બાળપણથી જ કુશળ ડાન્સર બનવાની તીવ્ર ઇચ્છા ધરાવતો અને અમુક ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર રહી ચૂકેલો શાહિદ કપૂર કબૂલાત કરતાં કહે છે, ‘કોઇ  માને કે ન માને, પણ મારી સુપરહીટ ફિલ્મ ‘કબીર સિંહ’ બાદ હું લગભગ સાત મહિના સુધી કામધાં વગર ઘરમાં બેસી રહ્યો હતો. મારી પાસે એક પણ ફિલ્મ નહોતી. હું આવી અસહ્ય પરિસ્થિતિને ન સમજી શક્યો કે ન સ્વીકારી શક્યો. બોલિવુડના નિર્માતાઓ અને દિગ્દર્શકો કદાચ એમ વિચારતા હશે કે  શાહિદ કપૂરે  ‘કબીર સિંહ’ જેવી કંઇક અંશે પ્રયોગશીલ અને વિશિષ્ટ વિષયની ફિલ્મમાં ડોક્ટરની અફલાતૂન ભૂમિકા ભજવી કાઢી છે. હવે શાહિદને કેવા પ્રકારનું પાત્ર આપવું?’ 

‘ઇશ્ક વિશ્ક’ (૨૦૦૩) ફિલ્મથી હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કરનારો શાહિદ કપૂર એક ફિલોસોફરની અદાથી  કહે છે, ‘જુઓ, ક્યારેક જે વસ્તુ કે ઘટના કે ચિત્ર આપણી  નજર સામે હોય  તેમાં અને હકીકતમાં બહુ મોટો તફાવત હોય છે. એટલે કે આપણે જે જોઇએ છીએ તે વાસ્તવિકતામાં જુદું જ હોય છે. મારી કારકિર્દીનું ઉદાહરણ આપું તો ફિલ્મોમાં કામ મેળવવામાં, સફળતા મેળવવવામાં, માન -સન્માન કે એવોર્ડ મેળવવામાં, ધન-દોલત મેળવવામાં મારે ઘણો સંઘર્ષ કરવો પડયો. સામા પક્ષે, બીજા લોકોને આ બધું બહુ સરળતાથી અને સહજતાથી મળે છે. ઠીક  છે. મને તે લોકો સામે કોઇ જ ફરિયાદ નથી.  હું તો મારી જ વાત કરી શકું. હું મારા જીવનનું  અને કારકિર્દીનું વિશ્લેષણ કરું છું. આત્મનિરીક્ષણ કરું છું.  મારા જીવનનું સત્ય કહું તો હું મહેનત, સંઘર્ષ, ઇમાનદારી, સ્વાવલંબન, પ્રબળ ઇચ્છાશક્તિથી  મજબૂત બન્યો છું. મારા જેવી વ્યક્તિમાં આંતરિક શક્તિ ઘણી વધુ હોય છે. એટલે અમે કઠિન કે પડકારરૂપ પરિસ્થિતિથી જરાય વિચલિત ન થઇએ. અને એટલે જ તો અમારાં જેવાં કર્મઠ માણસોને કોઇ હચમચાવી ન શકે.’ 

વિવાહ, જબ વી મેટ, કમીને, હૈદર, ઉડતા પંજાબ, પદ્માવત, કબીર સિંહ વગેરે ફિલ્મોમાં વિવિધતાસભર પાત્રો ભજવનારો શાહિદ કપૂર હમણાં હમણાં  પરંપરાગત ભૂમિકાઓને બદલે થોડીક  બરછટ અને ઇન્ટેન્સ ભૂમિકાઓ ભજવે છે. શાહિદને  આવાં પાત્રો ભજવવામાં સફળતા પણ મળી છે.

શાહિદ કપૂર સ્પષ્ટતા કરે  છે, ‘જુઓ, હું કે અન્ય કોઇ કલાકાર આવું બરછટ પાત્ર ભજવીએ અને દર્શકો તેને પસંદ કરે તો તેનો સીધો અર્થ એવો થયો કે મેં મારી આ ભૂમિકામાં મારો પ્રાણ રેડી દીધો છે. તે ઇન્ટેન્સ ભૂમિકાને આત્મસાત કરી છે. હું કોઇ બીજું  પાત્ર વધુ તીવ્રતાથી ભજવું તો દર્શકો પહેલી ભૂમિકાને ભૂલી જશે. મારી પોતાની વાત  કરું તો મારી ઇચ્છા આવાં આક્રોશવાળાં પાત્ર  ભજવવાની હતી. બસ, મારી ઇચ્છા પૂરી થઇ ગઇ. હવે મારે  હલકીફૂલકી અને રોમેન્ટિક ભૂમિકાઓ ભજવવી છે. હું માનું છું કે મેં  એક અભિનેતા તરીકે મારો વિકાસ કર્યો છે. હું એક માણસ  તરીકે પણ વધુ પરિપક્વ બન્યો છું.’ 

બોલિવુડના મજેદાર અભિનેતા નસીરુદ્દીન શાહ અને હિન્દી રંગમંચના પ્રસિદ્ધ કલાકાર સત્યદેવ દુબેના વર્કશોપમાં અભિનયના પાઠ ભણેલો શાહિદ કપૂર બહુ મજેદાર વાત કરતાં કહે છે, ‘મારા માટે મારો પરિવાર સર્વસ્વ છે. હા, બાળપણમાં આપણા સહુનાં માતાપિતા  ઉજળા  સંસ્કાર સાથે સારું જીવન અને ઉપયોગી શિક્ષણ આપે છે. આપણે મોટા થઇએ, આપણી  ઉંમર વધે, આપણે નોકરી-વ્યવસાય કરીએ અને સારા પૈસા કમાઈએ આનંદ અને સંતોષનો અનુભવ થાય.  પરિવાર સૌથી ઉપર અને પહેલો હોય. હાલ મારું  સમગ્ર જીવન મારી પત્ની મીરાં, દીકરી મીશા અને દીકરા ઝૈનની આસપાસ ફરે છે. મને મારો પરિવાર ઘણું બધું શીખવે છે, સમજે છે. એમ કહો કે અમે એકબીજાંને બહુ સારી અને સાચી  રીતે જાણીએ-સમજીએ છીએ.  રસતરબોળ પ્રેમ  કરીએ છીએ. બસ, મારો નાનકડો પણ સુખી, સંતોષી, ગમતીલો પરિવાર મારું ધબકતું, હસતું, રમતું, ખીલતું, ગાતું બ્રહ્માંડ  છે.’ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *