ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતા અતિસંવેદનશીલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રી દ્વારકાધીશ જગત મંદિર, નયારા એનર્જી, એસ્સાર પાવર, આઇ.ઓ.સી., ભારત ઓમાન રીફાઇનરી, તાતા કેમિકલ, ક્રેઇન ઇન્ડિયા, કે.પી.ટી. વિગેરે જેવા વાયટલ ઇન્સ્ટોલેશન સેન્ટરો ઉપર આતંકવાદી હુમલાની શક્યતા રહેલ છે. આથી આવા આતંકવાદી કૃત્યોને અટકાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતી હોટલ ખાતેથી જ ઇન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનું સિકયોર વેબ પોર્ટલ ‘‘પથિક’’ PATHIK- Programme for Analysis of Travelers and Hotel information બનાવવામાં આવેલ છે તથા આ સર્વર અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાંચ ખાતે કાર્યરત છે. આ સોફટવેર સાથે રજીસ્ટર થયેલ હોટલ ધારક જ ક્રાઇમ બ્રાંચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરી સોફ્વેરમાં એન્ટ્રી કરી શકે છે.
સાંપ્રત સમયમાં બનતા ગુન્હા તથા આતંકવાદ જેવી ઘટનાઓ અટકાવવા, તેમજ આકસ્મિક બનાવ સમયે કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તેવા સંજોગોમાં તમામ હોટલોને એક સાથે ચેક કરવી થોડી મુશ્કેલી તથા સમયનો વ્યય થાય પરંતુ ‘‘પથિક’’ સોફટવેર મારફત આ કામગીરીને ચેક કરી ગુન્હાહીત કે અન્ય માહિતી તાત્કાલીક મળી શકે છે. તેમજ સરળતાથી તપાસમાં ઉપયોગી થઇ શકે તેવી માહિતી ઉપલબ્ધ થઇ શકશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઇ વિસ્તાર ખૂબ જ લાંબો આવેલ હોય તથા શ્રી દ્વારકાધીશ જગત મંદિર આવેલ હોય તથા મોટી કંપનીઓ કાર્યરત હોવાથી આંતરરાષ્ટ્રીય પથિકોની અવર-જવર રહેતી હોય, જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અગત્યના ઈનપુટ બાબતે મહત્વની માહિતી મળી રહે તે સારૂ ‘‘પથિક’’ સોફટવેરની અમલવારી કરાવવી જરૂરી જણાય છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જાહેર સુલેહ-શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સુગમતા રહે તેવા હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવભૂમિ દ્રારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૦૪/૦૪/૨૦૨૪ સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ હોટલો અને ગેસ્ટહાઉસ ખાતે પ્રાંત/રાજય/દેશ/વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગત ‘‘પથિક’’ સોફટવેરમાં હોટલ/ ગેસ્ટહાઉસના માલીક/ સંચાલકે અવશ્ય કરવા જણાવ્યુ છે.
આ ઉપરાંત જાહેરનામું પ્રસિધ્ધ થયેથી સોફટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાની કચેરી ખાતેથી હોટલ/ગેસ્ટઉસના સંચાલક/માલીકોએ હોટલની વિગતો રજુ કરી યુઝર આઈડી-પાસવર્ડ દિન-૧૫ માં મેળવી લેવાના રહેશે. જિલ્લાની તમામ હોટેલ/ગેસ્ટહાઉસના માલીકે ગ્રાહકની રજીસ્ટર એન્ટ્રીની સાથે પોતાના રીસેપ્સન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવું. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા તૈયાર કરવામાં આવેલ “પથિક” (PATHIK- Programme for Analysis of Travelers and Hotel information) સોફ્ટવેર ઇન્ટોલ કરાવી રજીસ્ટરમાં થતી એન્ટ્રી “પથિક” સોફ્ટવેરમાં પણ કરવાની રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.