શહેરમાં પત્ની ગુમ થયાનો વહેમ રાખી એક યુવકનું કેટલાક શખ્સોએ અપહરણ કર્યું હતું. આ યુવકને આરોપીઓએ ગાડીમાં બેસાડીને તેને ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ તેને ઉત્તર ગુજરાતના રાધનપુર પાસે ઉતારીને આરોપીઓએ પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા હતાં. અપહરણ થયેલ યુવકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
ગાડીમાં બેસાડીને સુઈ ગામ લઈ ગયા :
ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં રાત્રે હું દ્વારકેશ સાઇટ ખાતે હાજર હતો ત્યારે મારા ભાઇ પ્રદિપસિંહે ફોન કરીને કહ્યું હતું કે, હું સુભાસબ્રીજ કલેક્ટર ઓફીસથી ઘરે ગાડી લઇને આવુ છું પરંતુ સુભાષબ્રીજથી કોઇ બે સ્કોર્પીયો ગાડી મારી ગાડીનો પીછો કરી રહી છે. ત્યારે મે તેને કેશવ એપાર્ટમેન્ટ પાસે પહોંચવા કહ્યું હતું. હું પોદાર સ્કૂલ પાસે પહોચ્યો ત્યાંથી મને જાણવા મળેલ કે બે નંબર પ્લેટ વગરની સ્કોર્પીયો ગાડીમાથી 8થી 10 અજાણ્યા ઇસમો લાકડીઓ લઇને નીચે ઉતરેલ અને પ્રદિપ સિંહ સાથે બોલાચાલી કરીને બળજબરીથી ગાડીમા બેસાડીને લઈ ગયાં છે. જેથી મેં આ બાબતે તપાસ કરતા મને જાણવા મળેલ કે મારા ભાઇને પ્રભાત ભેમજી રબારી અને બીજા કેટલાક માણસો સ્કોર્પીયો કારમા લઈ ગયા છે.
ગાડીમાં બેસાડીને ઢોર માર માર્યો :
મેં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આ બનાવ બાબતેની જાણ કરેલી અને મારા ભાઇને જીવનુ જોખમ હોવાથી તેની તપાસ માટે પોલીસ સ્ટાફના માણસો જેમા સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે હું નીકળ્યો હતો. અમે પોલીસની સાથે આ પ્રભાત ભેમજી રબારીના ગામ લોલાળા ખાતે જઇ તેના ઘરે તપાસ કરતા આ લોકો તેમના ઘરે હાજર નહોતા. અમે તપાસ કરતા હતા તે સમયે બપોરના સમયે મારા ભાઇ પ્રદીપસિંહનો મારા ઉપર ફોન આવ્યો હતો અને તે પાટણ હાઇવેની ઉપર ઓવર બ્રીજની નીચે હાજર છે. જેથી હુ તથા પોલીસ સ્ટાફના માણસો ત્યાં પહોંચ્યા હતાં. મારો ભાઈ પ્રદીપસિંહ રીક્ષામા બેસેલ હતો અને તેને મોઢાના, હાથના અને પગના ભાગે ઇજાઓ થયેલ હતી અને તેની આંખો અને મોં સુજી ગયેલ હાલતમાં હતાં.
સુઈ ગામ લઈ જઈને લાકડીઓથી માર માર્યો :
મારા ભાઈએ મને કહ્યું હતું તે, ગઇ કાલે સાંજના સમયે હુ ગાડી લઇને સુભાષબ્રીજ કલેક્ટર ઓફીસ ખાતે ગયેલ હતો તે વખતે જીગો રબારી અને વિરમ રબારીનો ફોન આવેલ અને તેઓએ મને ક્યાં છો? એમ પુછ્યું હતું અને ત્યાર બાદ હું મારું કામ પતાવી રાત્રીના નવેક વાગે ગાડી લઈને પરત ઘરે જતો હતો. તે વખતે બે સ્કોર્પીયો ગાડીઓ મારી પાછળ પાછળ પીછો કરતી આવતી હતી. મે કેશવ એપાર્ટમેન્ટની સામે મારી ગાડી ઉભી રાખેલ તે વખતે આ બન્ને સ્કોર્પીઓ ગાડીઓ મારી બાજુમાં આવીને ઉભી રહેલ અને આઠથી-દસ જેટલા માણસો ઉતરેલ જેમાં પ્રભાત રબારી તથા વીહો રબારી, લાલો રબારી, બલો રબારી, દેવજી રબારી, વિષ્ણુ રબારી બધા ભેગા મળી મારી ગાડીમાંથી ખેંચીને નીચે ઉતારી મને બળજબરીથી તેમની કાળા રંગની સ્કોર્પિયો ગાડીમા બેસાડી દીધો હતો.
પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાંખીશુ :
આ બન્ને સ્કોર્પિયો ગાડીઓ બેઠેલા માણસોએ મને શરીરે ગડદા પાટુનો માર માર્યો હતો. જેમા પ્રભાત રબારી નાઓએ તેમની પત્ની ગુમ થયેલ હોય જે બાબતે મારી પુછપરછ કરી મને માર મારેલ અને રસ્તામા આ લોકો તેમની પાસેની કારમા રહેલ માણસો વારાફરથી મારી પાસે આવી મને માર મારતા હતા અને તેઓએ મારી પાસે રહેલ મારા ઉઘરાણીના આશરે 55 હજાર જેટલા રોકડા રુપિયા બળજબરીથી કાઢી લીધેલ અને તેઓ મને સુઇ ગામ તરફ રણ વિસ્તારમાં લઇ જઇ ત્યાં નીચે ઉતારી દીધો હતો. ત્યાં બીજા પાંચ માણસો ગાડી લઇને આવ્યા હતાં અને લાકડીઓથી મને હાથ અને પગના ભાગે આડેધડ માર મારવા લાગેલ અને મને મોઢાના ભાગે લાતો અને ફેંટો મારેલ અને તે વખતે તેઓને જાણ થયેલ કે પોલીસના માણસો ઘરે પહોંચી ગયેલ છે જેથી તેઓ મને ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશું તેમ ધમકી આપી મને પરત તેમની કારમાં બેસાડી મને પાટણ રાધનપુર હાઇવે ઉપર એક રીક્ષામા બેસાડી દીધેલ અને મુકીને નાસી ગયા હતાં.