અગાઉ પણ તિતલી, ફાની અને ગુલાબ વાવાઝોડાના નામ પરથી બાળકોના નામ રાખવામાં આવ્યા છે
ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાથી થોડે જ દૂર પરંતુ તે પહેલા જ તેના નામ પરથી પુત્રીનો જન્મ થઈ ચૂક્યો છે. ગુજરાતની મહિલાએ તેની એક મહિનાની પુત્રીનું નામ ‘બિપરજોય’ રાખવાનું નક્કી કર્યું છે. જે વાવાઝોડુ આજે સાંજ સુધીમાં કચ્છના દરિયાકાંઠે પહોંચવાની તૈયારીમાં છે. આ પરિવાર પણ બિપરજોયથી પીડિત છે અને વાવાઝોડાના ડરથી ઘર છોડવું પડ્યું હતું. હાલ યુવતીનો પરિવાર કચ્છ જિલ્લાના જખૌમાં શેલ્ટર હોમમાં રહે છે. કચ્છમાં અત્યાર સુધીમાં 70 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ બાળકનું નામ વાવાઝોડા પરથી રાખવામાં આવ્યું હોય. આ એક મહિનાની બાળકી પહેલા પણ ઘણી વખત આવું બન્યું છે. અગાઉ તિતલી, ફાની અને ગુલાબ વાવાઝોડાના નામ પરથી બાળકોના નામ રાખવામાં આવ્યા છે. આ વખતે ચક્રવાતનું નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું છે અને તેને વિશ્વ હવામાન સંસ્થા સાથે સંકળાયેલા દેશોએ સ્વીકાર્યું છે. હવામાન સંસ્થાના જણાવ્યા પ્રમાણે આવા વાવાઝોડાના તોફાનની અસર એક અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી રહી શકે છે. ચક્રવાત બિપરજોય પણ બે થી ત્રણ દિવસ ચાલુ રહેવાની શક્યતા છે.
ભારતમાં અગાઉ પણ મહામારીઓ અથવા ઘટનાઓ પરથી નામ રાખવામાં આવી ચૂક્યા છે. આ અગાઉ કોરોના મહામારીમાં યુપીના ગોરખપુર જિલ્લાના એક પરિવારે પોતાની દીકરીનું નામ કોરોના રાખવામાં આવ્યુ હતું. આ ઉપરાંત આંધ્રના કડપ્પા જિલ્લામાં પણ બે બાળકોના નામ આ જ વાયરસ પર રાખવામાં આવ્યા હતા. કેટલાક પરિવારોએ તો એવું પણ કહ્યું કે, તેમણે બાળકોના નામ કોરોના પરથી એટલા માટે રાખ્યા કારણે કોરોના મહામારીએ આખા વિશ્વને એક કરી દીધુ. આટલું જ નહીં ત્રિપુરામાં ફસાયેલા રાજસ્થાનના એક પરિવારે પોતાના પુત્રનું નામ લોકડાઉન રાખ્યું હતું. આવો જ એક કિસ્સો યુપીનો પણ હતો જ્યારે મુંબઈથી યુપી આવતા એક પરિવારે ટ્રેનમાં જન્મેલા બાળકનું નામ લોકડાઉન રાખ્યું હતું.