- ૨૧ માર્ચ, વિશ્વ વન દિવસ
- વૃક્ષો વાવો, સમૃદ્ધિ લાવો.
વિશ્વ વન દિવસ દર વર્ષે ૨૧ માર્ચે ઉજવવામાં આવે છે. વૃક્ષોનું વાવેતર કરી, જંગલોનું રક્ષણ થાય, પર્યાવરણ સંવર્ધન થકી દેશમાં સમૃદ્ધિ આવે એ હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વધતા જતા શહેરીકરણનાં કારણે આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. જંગલો કપાતા જાય છે જેનાથી માત્ર માણસોને જ નહીં પરંતુ વન્ય જીવોને પણ નુકસાન થઈ રહ્યું છે. જો આપણે માત્ર એટલો વિચાર કરીએ કે કોઈ આપણી પાસેથી આપણું ઘર છીનવી લે તો ? એથી વિશેષ જેમની પાસે ખરેખર રહેઠાણની વ્યવસ્થા નથી એમને ફૂટપાથ પર કે જુદા જુદા સ્થળે ઝુપડી બાંધીને રહેતા આપણે જોયા છે. એમના સ્થાને ક્યારેક સ્વને અનુભવીને આપણે એમને માટે કરુણા અનુભવી શકતા હોઈએ છીએ. ખેર,આ તો મનુષ્ય છે જે એક એવું સંસારિક પ્રાણી છે જે બોલી શકે છે, કામ કરી શકે છે, કમાય શકે છે પણ પ્રાણીઓ !
આપણે દિવસે દિવસે જંગલો કાપીને પ્રાણીઓના નિવાસ સ્થાન છીનવી રહ્યા છીએ અને એ કશું કહેતા પણ નથી. હા એક વાત છે આપે એ તો જોયું જ હશે કે હમણાં હમણાં વન્ય જીવોના કોઈ ગામમાં કે શહેરમાં પ્રવેશ કરવાના કિસ્સા હવે પહેલા કરતા વધુ થઈ રહ્યા છે. અહીં એમ કહેવાય છે કે વન્યજીવોએ કોઈ ગામમાં,વિસ્તારમાં ઘુષણખોરી કરી છે પરંતુ ખરી વાત તો એ છે કે મનુષ્યએ એના ઘરમાં ઘુષણખોરી કરી છે, કારણ કે વધતા જતા આધુનિકરણની પાછળ અહીં તહીં બંગલા, ઓફિસો બનાવવામાં વૃક્ષો કાપતા જઈએ છીએ. શહેરો લંબાતા જાય છે અને ગામડાઓ એમાં વિલીન થતા જાય છે. રોજ રોજ નવા રોડ રસ્તા બનાવવામાં, ઇન્ડસ્ટ્રીઝ ઉભી કરવામાં કેટકેટલાં વૃક્ષોનો ભોગ લેવાય રહ્યો છે.
પર્યાવરણની જાળવણી માં વૃક્ષો, જંગલો અત્યંત અગત્યનો ભાગ ભજવે છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડ શોષીને પ્રાણવાયુ આપે છે. વૃક્ષારોપણ માત્ર ચોમાસામાં જ થાય એ ખ્યાલમાંથી બહાર આવીને વધુમાં વધુ વૃક્ષોનું રોપણ કરવું આવશ્યક છે. જ્યાં ઈલેક્ટ્રોનિક તાર પસાર થતા હોય બરાબર તેની વચ્ચે વૃક્ષો ન વાવવા જોઈએ. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે. ૫૦ વર્ષોમાં એક ઝાડ કુલ ૧૭.૫૦ લાખ ઓકિસજનનું ઉત્પાદન કરે છે, ૩૫ રૂપિયાના પ્રદુષણનું નિયંત્રણ, ૩ કિલો કાર્બનડાયોક્સાઈડનું શોષણ, ૪૧ લાખ રૂપિયાના પાણીનું રીસાયકલીંગ, ૩% તાપમાનમાં ઘટાડો કરે છે. એક વયસ્ક વ્યક્તિ દ્વારા જીવનભર ફેલાયેલા પ્રદુષણ ને ૩૦૦ ઝાડ મળીને શોષી શકે છે.
વન દિવસથી જ વન અને વન્યજીવો પ્રત્યે સૌમાં કરુણા ઉત્પન્ન થાય તેમજ પર્યાવરણીય સંપત્તિની જાળવણી થઈ શકે જેથી પૃથ્વી પરના સર્વે જીવો સુખેથી જીવન જીવી શકે. વૃક્ષમ શરણં ગચ્છામી.