ઈટાલીમાં હોસ્પિટલોમાં બેડ ખૂટ્યા, ફ્રાન્સમાં પેરિસમાંથી દર્દીઓ બીજે ખસેડાયા: વધી રહેલા કોરોના કેસના કારણે ઈટાલીમાં ફરીથી લોકડાઉન લગાવવામાં આવી શકે છે
ભારત સહિત વિશ્વના ઘણા બધા દેશોમાં હાલમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. કોરોના વાયરસ જ્યારે ફેલાયો ત્યારે સૌથી ખરાબ અસર યુરોપીયન દેશો ખાસ કરીને ઈટાલીમાં થઈ હતી. હવે ઈટાલીમાં ફરીથી કોરોના વિસ્ફોટ થયો છે જેમાં કેસની સંખ્યા દરરોજ વધી રહી છે. જેના કારણે ઈટાલીમાં ફરીથી લોકડાઉન લગાવવામાં આવી શકે છે. આ ઉપરાંત ફ્રાન્સમાં પણ પરિસ્થિતિ વિકટ બની રહી છે. ઈટાલી અને ફ્રાન્સમાં હોસ્પિટલોમાં બેડ પણ ખૂટી પડ્યા છે.
ફ્રાન્સના પેરિસમાં પરિસ્થિતિ કફોડી બની રહી છે જેમાં પેરિસની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધવાથી તેમને મેડિકલ પ્લેનમાં ઓછા દર્દીઓ હોય તેવી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના નવા વેરિયન્ટના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. નેશનલ હેલ્થ એજન્સીના વડા જેરોમ સેલોમને જણાવ્યું હતું કે જો અમારે લોકડાઉન કરવું પડશે તો અમે તેમ કરીશું. પેરિસ વિસ્તારમાં પરિસ્થિતિ વિકટ, ચિંતાજનક અને કફોડી બની રહી છે.