મંજૂરી વિના બાંધકામ કરાયાની ફરિયાદ થતાં કાર્યવાહી કરાઈ
પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સના બિલ્ડિંગમાં નવા બાંધકામ બાબતે કલેક્ટરે પાલિકાને ધોરણસરની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. મંજૂરી વિના બાંધકામ કરાયાની ફરિયાદ થતા કાર્યવાહી કરાઈ છે. પોરબંદર શહેરમાં રહેતા દિનેશભાઇ વ્રજલાલભાઇ માંડવીયા નામના અરજદારે કલેક્ટર કચેરીને લેખીતમાં ફરીયાદ કરી જણાવ્યુ છે કે શહેરના એમ.જી. રોડ ચેમ્બર ઓફ કોમર્સ હસ્તકના બિરલા હોલ ખાતે બાંધવામાં આવેલું નવા બાંધકામની નગરપાલિકા તંત્રની કોઇ પરવાનગી લેવામાં આવેલ નથી અને પરવાનગી વગર આ બિલ્ડીંગનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે,
જેથી આ બાબતે કલેક્ટર કચેરી દ્વારા ગુજરાત ટાઉન પ્લાનીંગ અધિનિયમ ૧૯૭૬ ની કલમ ૬(બી) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. અને આ કેસમાં ટી.પી. કેસ નં.-૧૨૮૬/૨૦૧૮ દાખલ કરી અને તા.૦૯-૦૪-૨૦૧૯ ના હુકમથી ઠરાવ નં.-૧૪૬ રદ્દ કરવામાં આવેલ છે.
આમ આપવામાં આવેલ બાંધકામની મંજુરી અમલમાં ન હોય, જેથી આ કેસમાં પોરબંદર કલેક્ટર કચેરી દ્વારા નગરપાલિકા તંત્રને નવા બાંધકામના સ્થળ-તપાસ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અને નવા બાંધકામની પરવાની વિષે કાયદેસરના અમલ કરાવવા આદેશ આપવામાં આવ્યા છે અને સાથો સાથ આ બાબતે અરજદારને યોગ્ય પ્રત્યુતર આપવા સુચન કરવામાં આવ્યુ છે.