આ બેઠક પર સાસુ-વહુ વચ્ચે જંગ, કોંગ્રેસે સાસુને અને ભાજપે વહુને ટિકિટ આપી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પ્રચારના શ્રીગણેશ કર્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ વધારે બેઠકો જીતવા માટે અને મતદારોને પોતાની તરફે આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હવે રાજકારણ લોકોના ઘરમાં ઘૂસ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, રાજકીય પક્ષોએ ટિકિટ આપતા સાસુ અને વહુ સામસામે ચૂંટણીના મેદાનમાં આવી છે. ભાજપ દ્વારા વહુને ટિકિટ આપવામાં આવી છે, તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા સાસુને ટિકિટ આપવામાં આવી છે. રાજ્યમાં અવાર નવાર સાસુ-વહુના ઝઘડના કિસ્સાઓ સામે આવે છે, પણ અહિયાં હવે ચૂંટણીના મેદાનમાં પણ સાસુ અને વહુની સીધી ટક્કર થશે.

રિપોર્ટ અનુસાર રાજ્યમાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકાના ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કર્યો છે. તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ત્યારે આજે તાલુકા પંચાયતની એક એવી બેઠક વિષે વાત કરવી છે કે, જ્યાં સાસુ અને વહુ આમને સામને આવ્યા છે. આ બેઠક છે લીમખેડા તાલુકાની જેતપુર તાલુકા પંચાયતની સીટ. જેતપુર તાલુકા પંચાયતની સીટ પર ભાજપ દ્વારા મીનલ દિવ્યાંગ રાવતનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો કોંગ્રેસ દ્વારા ભગવતી રાયસિંગ રાવતનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસે સાસુને ટિકિટ આપી છે અને ભાજપે વહુને ટિકિટ આપી છે. ત્યારે હવે જેતપુરની બેઠક પર ભાજપ અને કોંગ્રેસની નહીં સાસુ અને વહુની ટક્કર થશે તેવું કહેવામાં આવે તો પણ નવાઈ નહીં.

મહત્ત્વની વાત છે કે, કોંગ્રેસ દ્વારા પહેલા બાંડીબાર બેઠક પરથી ઉમેદવાર તરીકે રાયસિંગ રાવતનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા એકાએક મેન્ડેટ કેન્સલ કરવામાં આવ્યું હતું. તેથી રાયસિંગ રાવતના રોષનો સામનો પક્ષને ન કરવો પડે તે માટે કોંગ્રેસ દ્વારા રાયસિંગની પત્ની ભગવતી રાવતને જેતપુર તાલુકા પંચાયતની સીટ પરથી ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા પેહેલાથી જ ભગવતી રાવતની પુત્રવધૂ મીનલને ટિકિટ આપી દેવામાં આવી હતી અને મીનલ રાવતે ઉમેદવારી ફોર્મ ભરી દીધું હતું. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, સાસુ વહુ એક જ ઘરમાં રહેતા હોવાના કારણે ફોર્મ પરત ખેંચવાની તારીખે બંનેમાંથી કોઈ એક ફોર્મ પરત ખેંચશે કે, પછી ચૂંટણીના મેદાનમાં સાસુ અને વહુ સામસામે આવશે.