ઘરઆંગણે ઉત્પાદન વધારવાના ભાગરૂપ લેપટોપ્સ, ટેબ્લેટસ તથા પરસનલ કોમ્પ્યુટર્સ જેવા ઈલેકટ્રોનિકસ સાધનોની આયાત મર્યાદામાં દર વર્ષે તબક્કાવાર ઘટાડો કરવા સરકાર વિચારી રહી છે. ૨૦૨૫થી આ નવું ધોરણ લાગુ કરાશે તેવી શકયતા છે જેમાં આયાત મર્યાદામાં વાર્ષિક પાંચ ટકા ઘટાડો કરાશે.આયાત પર નિર્ભરતા ઘટાડી સ્થાનિક ઉત્પાદકો માટેની પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ (પીએલઆઈ)ને ટેકો પૂરો પાડવાનો આ પાછળનો હેતુ રહેલો છે. હાલમાં આ સાધનોની મુકત આયાત થઈ શકે છે. જો કે મુકત આયાત ધોરણની મર્યાદા વર્તમાન વર્ષના ૩૧ ડિસેમ્બર સુધીની છે. આયાત મર્યાદા ઘટાડવા માટેની ગણતરી કરવા નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષની આયાતને પાયાનું સ્તર ગણવામાં આવશે. લેપટોપ્સ, ટેબ્લેટસ તથા પરસનલ કોમ્પ્યુટર્સનું દેશમાં બજાર કદ દસ અબજ ડોલર જેટલું છે ત્યારે ઈલેકટ્રોનિકસ ઉદ્યોગ આ મુદ્દે સરકાર પાસેથી વેળાસર સ્પષ્ટતા આવે તેમ ઈચ્છી રહ્યો છે. નવા ધોરણને કારણે બજારમાં ખલેલ ઊભી થવાની પણ ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે.
સરકારની નવી નીતિને કારણે દેશના આઈટી હાર્ડવેર ક્ષેત્રની નવરચના જોવા મળી શકે છે, કારણ કે આ ક્ષેત્ર આયાત પર વધુ નિર્ભર છે, એમ ઈલેકટ્રોનિકસ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.ભારતની ઈલેકટ્રોનિકસ આયાત મોટેભાગે ચીન તથા હોંગકોંગ ખાતેથી થાય છે. સરકાર તથા ઉદ્યોગના કેટલાક આગેવાનો વચ્ચે તાજેતરમાં યોજાઈ ગયેલી બેઠકમાં આયાત મર્યાદા ઘટાડવા બાબત ચર્ચા થયાનું ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. ગયા વર્ષના ઓગસ્ટમાં સરકારે પ્રારંભમાં લેપટોપ્સ, ટેબ્લેટસ તથા પરસનલ કોમ્પ્યુટર્સની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી હતી પરંતુ વૈશ્વિક કંપનીઓ દ્વારા તેનો વિરોધ કરાતા સરકારે આ નિર્ણયને વારંવાર લંબાવી વર્તમાન વર્ષના ૩૧ ડિસેમ્બર સુધી કર્યો છે.