ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની ડિસેમ્બરમાં મળનારી બેઠકમાં આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપશે તેવી શકયતા છે.
કાઉન્સિલની બેઠક અગાઉ વર્તમાન મહિનામાં મળનારી હતી પરંતુ હવે તે ૨૩ તથા ૨૪ ડિસેમ્બરે યોજાનાર છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આગામી બજેટની તૈયારીરૂપે વિવિધ રાજ્યોના નાણાં પ્રધાનોને હાલમાં મળી રહ્યા હોવાથી કાઉન્સિલની બેઠક ડિસેમ્બરમાં રાખવામાં આવી હોવાનું નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.કાઉન્સિલની બેઠકમાં વરિષ્ઠ નાગરિકોને તેમના આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ અપાશે તેવી શકયતા ચર્ચાઈ રહી છે. હાલમાં આ પ્રીમિયમ્સ પર ૧૮ ટકા જીએસટી વસૂલવામાં આવે છે, જેને કારણે પ્રીમિયમ્સની રકમ ઘણી ઊંચી રહે છે. જીએસટી પરના પ્રધાનોના જૂથે આરોગ્ય તથા જીવન વીમા પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપવા ભલામણ કરી છે. જીવન વીમા પ્રીમિયમ્સ પરના જીએસટી દરમાં સૂચિત રાહતથી સરકારને આવકમાં રૂપિયા ૨૦૦ કરોડનો ઘટાડો થવાનો અંદાજ છે, જે અન્ય ચીજવસ્તુ પરના દર વધારી ભરપાઈ કરવા દરખાસ્ત હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.