દિવ્યાએ વધુ એકવાર આલિયા ભટ્ટને નિશાન બનાવી.ખોટું થતું હોય તેની સામે અવાજ ઉઠાવવામાં સાચું હિરોઈઝમ છે : મની નહીં મેરિટનું જોર ચાલવા દો.
ટી સીરિઝના માલિકની પત્ની અને હિરોઈન દિવ્યા ખોસલા કુમારે વધુ એક વખત આલિયા ભટ્ટ પર પ્રહારો કર્યા છે. આલિયા ભટ્ટે સહ નિર્માતા તરીકે બનાવેલી અને તેની જ મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ‘જિગરા’નું ફેક બૂકિંગ થઈ રહ્યું હોવા મુદ્દે અગાઉ પણ જાહેરમાં આક્ષેપો કરનારી દિવ્યાએ વધુ એક વખત આલિયાને નિશાન બનાવતાં કહ્યું છે કે આલિયા તો એક સફળ સ્થાપિત હિરોઈન છે. તેણે ફેક બૂકિંગ જેવાં ગતકડાં કરવાની ક્યાં જરુર છે. દિવ્યાએ એક સંવાદમાં કહ્યું હતું કે આલિયા તો ઓલરેડી મોટી સ્ટાર છે. તેણે આવી યુક્તિ પ્રયુક્તિઓ ન અજમાવવી જોઈએ. વાસ્તવમાં કશુંક ખોટું થઈ રહ્યું હોય તો તેની સામે અવાજ ઉઠાવવામાં જ સાચું હિરોઈઝમ છે. તેણે કહ્યું હતું કે પ્રેક્ષકોને પૈસા કે પાવર નહિ પરંતુ મેરિટના આધારે ફેંસલો કરવા દેવો જોઈએ.
તેણે પુનરોચ્ચાર કર્યો હતો કે આલિયાની ‘જિગરા’ ફિલ્માં ફેક બૂકિંગ કરી ખોટી રીતે સફળ બતાવવા પ્રયાસ થઈ રહ્યા છે. વાસ્તવમાં તમામ થિયેટર્સ ખાલી જઈ રહ્યાં છે. ‘જિગરા’ના કલેક્શનના અત્યાર સુધી જેટલા પણ આંકડા આવ્યા છે તે સદંતર ફેક છે. તેણે કહ્યું હતું કે આપણે ક્રિએટિવ લોકો છીએ. આપણે શેરબજારમાં નથી. આવા લોકો ફેક બૂકિંગ બતાવી કલેક્શનના ખોટા આંકડા બતાવે છે અને કઈ ફિલ્મ હિટ છે તે પોતે જાહેર કરે છે. જો આમને આમ ચાલતું રહેશે તો પૈસા અને પાવર ધરાવતા લોકો જ ટકી શકશે અને સાચી પ્રતિભાને ક્યારેય પાંગરવાની તક નહીં મળે. ઉલ્લેખનીય છે કે દિવ્યાએ સતત આલિયા ભટ્ટને નિશાન બનાવવાનું ચાલુ રાખતાં રણબીર કપૂર હવે દિવ્યાના પતિ ભૂષણ કુમારની ફિલ્મ ‘એનિમલ પાર્ક ‘ છોડી દેશે કે નહીં તે અંગે અટકળો ચાલી રહી છે.