મુંબઇ, નવી મુંબઇ અને થાણેમાં શાકભાજીની સાથે કાંદાના ભાવ પણ આસમાને જવા માંડતા તહેવારના દિવસોમાં મધ્યમ વર્ગના લોકોનું કિચન બજેટ હલબલી ગયું છે. ચોમાસુ વિદાય લેવાનું છે ત્યારે જ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તૂટી પડેલા મુશળધાર વરસાદને કારણે શાકની જેમ કાંદાને પણ નુકસાન થવાથી માર્કેટોમાં આવક ઘટી છે, જેને કારણે ભાવ વધવા માંડયા છે.મુંબઇની બજારોમાં થોડા દિવસ પહેલા 35 થી 40 રૂપિયે કિલો વેંચાતા કાંદાનો ભાવ અત્યારે 70 થી 75 રૂપિયે કિલો થઇ ગયો છે. જ્યારે નવી મુંબઇની મોટામાં મોટી કાંદા-બટેટા માર્કેટમાં સારા કાંદા હોલસેલમાં 48 થી 50 રૂપિયે કિલોના ભાવે વેંચાયા હતા.નવી મુંબઇ એપીએમસીની કાંદા-બટેટા બજારના વેપારીઓના જણાવ્યા મુજબ દેશના સૌથી મોટા કાંદા ઉત્પાદક મથક નાસિક જિલ્લામાં ખેડૂતો તરફથી ખુલ્લામાં રાખવામાં આવતા કાંદા પર પાછોતરા વરસાદની માઠી અસર થઇ હતી. મોટા પ્રમાણમાં કાંદા ભીજાઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આને લીધે કાંદાની આવક ઘટવાથી ભાવ ઉંચકાયા છે. બીજું કાંદાનો નવો પાક આવવામાં વિલંબ થયો છે. આને કારણે પણ ભાવ વધ્યા છે. હજી એક મહિનો કાંદાના ભાવ ઉતરે એવી શક્યતા નથી. નવો માલ આવવા માંડશે પછી ભાવ ઉતરશે.
મુંબઇની શાક માર્કેટોમાં ભીંજાયેલા અને હલકી ક્વોલિટીના કાંદા પણ લગભગ ૫૦ રૂપિયે કિલોના ભાવે વેંચાય છે. મોટે ભાગે હોટેલવાળા રસ્તા પરના ફૂડસ્ટોલ કે લારીવાળા તેમજ લોજ ખાણાવલવાળા મોટા પાયે આ હલકી ક્વોલિટીના કાંદા ખરીદીને વાપરતા હોય છે. કારણ કે સારી ક્વોલિટીના કાંદા ઉંચા ભાવે ખરીદીને કાંદાભજી, પાવભાજી, વડા, ભજિયા કે પચી બીજી વાનગીઓમાં વાપરવાનું તેમને પોષાતું નથી.