ઘોઘામાં રક્ષાબંધનના લોકમેળાના સ્થળે સફાઈના અભાવે બાવળ અને ઘાસનો ઉપદ્રવ વધ્યો

ગ્રામ પંચાયતના પદાધિકારીઓની લાપરવાહી ટીકાને પાત્ર બની 

ઘોઘા ખાતે દર વર્ષે રક્ષાબંધનના અવસરે જે સ્થળે ભાતીગળ લોકમેળો ભરાય છે ત્યાં આગળ ઠેર-ઠેર બાવળના ઝૂંડ તેમજ ઘાસ ઉગી નિકળ્યા છે. એટલુ જ નહિ આ વિસ્તારમાં ચોમેર ગંદકીનું સામ્રાજય છવાયેલ છે.જેના કારણે ગ્રામજનોમાં સ્થાનિક સત્તાતંત્ર સામે પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠયો છે. તંત્રવાહકોની ઉદાસીનતા લોકોમાં ઉડીને આંખે વળગી રહેલ છે.તહેવાર અગાઉ નીયમીતપણે સફાઈકાર્ય કરાવવામાંં ઉદાસીનતા દાખવવામાં આવતા ગ્રામજનોમાં તંત્ર સામે આક્રોશપ્રતિ વર્ષે રક્ષાબંધન અને નાળિયેરી પૂનમના તહેવાર નિમીત્તે ઘોઘામાં દરિયા કિનારે કબ્રસ્તાન પાસે પરંપરાગત રીતે બેથી ત્રણ દિવસીય ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ સાથે વિવિધ ખાણીપીણીના સ્ટોલ, વિવિધ રાઈડ, રમકડાઓ, રમત ગમત,જ્ઞાાન ગમ્મતના સાધનો અને ગૃહ સુશોભન અને શણગારની ચીજવસ્તુઓના સ્ટોલ મુકાતા આ લોકમેળો માણવા માટે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ બહોળી સંખ્યામાં લોકો પરિવારજનોની સાથે ઉમટી પડતા હોય છે. આ વેળા દરિયામાં ભરતી સારી હોવાના કારણે અનેક લોકો બોટની મજા પણ માણે છે. રક્ષાબંધનનો તહેવાર ઢુંકડો આવી પહોંચ્યો છે ત્યારે જે જગ્યાએ લોકમેળો ભરાય છે ત્યાં આગળ સંબંધિત સત્તાતંત્ર દ્વારા ચોકસાઈપુર્ણ રીતે સઘન સાફ સફાઈકાર્ય હાથ ધરવામાં ન આવતા અત્રે ઠેરઠેર બાવળના ઝૂંડ તેમજ ઘાસ ઉગી નિકળ્યા છે આથી હવે મસમોટો સવાલ એ ઉભો થયો છે કે, મેળો ભરાવાની જગ્યા રહી નથી. જેથી વિવિધ સ્ટોલ, રાઈડ, રમકડાવાળાઓ તેમજ બહોળી સંખ્યામાં જે લોકો અત્રે આવે છે તેઓ માટે હવે કયા સ્થળે લોકમેળો ભરાશે તેવો સવા મણનો સવાલ લોકોમાં ઉઠવા પામ્યો છે. ઘોઘા ગ્રામ પંચાયત યુધ્ધના ધોરણે અત્રે સઘન સફાઈ અભિયાન હાથ ધરી વિશેષ તકેદારી રાખે તેવી ગ્રામજનોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે. આમ, ઘોઘાના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉદાસીનતાના કારણે ઘોઘાનો વિકાસ થતો નથી નહિતર દરિયા કિનારે સારુ એવુ પર્યટન સ્થળ બની શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *