ડાયાબિટિસ-હૃદયરોગથી બચવું છે? ફિલ્ટર્ડ તેલ ખાવાનું બંધ કરો!

હોટલાઈન-ભાલચંદ્ર જાની આરોગ્યના નિષ્ણાતો કહે છે કે, ટ્રાન્સફેટ આપણા શરીરમાં જ્યાં જાય ત્યાં વિનાશ વેરે છે. તેઓ આપણા શરીરની તંદુરસ્તી માટે જે ‘ગુડ કોલેસ્ટરોલ’ની જરૂર છે તેમાં ઘટાડો કરે છે.

ભારતમાં ડાયાબિટીસ અને હાર્ટએટેકનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધતું જાય છે. તજજ્ઞાોને આ પ્રશ્ન મૂંઝવતો હતો. થોડાં સમય પૂર્વે મુંબઈની ઑલ ઈન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઑફ ડાયાબિટીસે આને માટે અભ્યાસ કર્યો અને ચોંકાવનારા પરિણામો આવ્યા.તેઓનું માનવું છે કે ડાયાબિટીસ અને હૃદયરોગના વધવાનું કારણ એ છે કે રાંધવામાં વપરાતા અનસેચ્યુરેટેડ તેલ (એટલે કે ફિલ્ટર તેલ)માં આવતી લિપિડ (ચરબી)ની આડઅસરની લીધે આમ થાય છે. આપણે બજારમાંથી જે ક્રિસ્પી અને ક્રન્ચી વેફર્સ, ફ્રાઇઝ અને કુકીઝ હોંશે-હોંશે ખાઈએ છીએ એમાં ભારોભાર ટ્રાન્સ ફેટ હોય છે. આ ફેટ હાર્ટડિસીઝની જનક કહેવાય.

૧૯૭૦માં હૃદયરોગ માટે કોલેસ્ટરોલની થિયરી તબીબોએ પ્રજા સમક્ષ મૂકી અને કહ્યું કે સેટયુરેટેડ ફેટ એટલે ઘી અને તેલથી કોલેસ્ટરોલ વધે છે અને એને પરિણામે હૃદયરોગ વધે છે. આથી પ્રજાએ ઘી-તેલ બંધ કરવું જોઈએ, પણ આનું પરિણામ તદ્દન વિપરીત અને ભયજનક આવ્યું છે. હૃદયરોગ ઘટવાને બદલે વધી ગયો છે અને ડાયાબિટીસનું પ્રમાણ પણ વધતું જાય છે તે વખતે જેને એસીએન્ટીપલ (જરૂરી) ફેટી એસિડ કહે છે, એના મેટાબોલીઝમનું જ્ઞાાન સીમિત હતું. ત્યાર પછી હવે નક્કી થયું છે કે શરીરની અંદર રહેલા મૂળભૂત કોલેસ્ટરોલ નિર્દોષ છે અને તે નુકસાનકારક ત્યારે જ બને છે જ્યારે એનું ઓક્સિડેસન થાય છે.આપણે આ વાતને જરા જુદી રીતે સમજીએ. પહેલાં આપણાં ઘરોમાં વેજિટેબલ ઓઈલ એટલે કે વનસ્પતિ ઘી વપરાતું હતું. હવે વનસ્પતિ ઘીમાં વધુ ફેટ હોય એવી માન્યતા વધતાં એનો વપરાશ ઓછો થયો છે, પરંતુ વનસ્પતિ ઘીમાં બની હોય એવી અનેક તૈયાર ફૂડ-આઈટમ્સ આપણા રોજિંદા ખોરાકમાં લેવાય છે એટલું જ નહીં, આવી ચીજો આપણને ક્રિસ્પી અને ચટાકેદાર લાગતી હોવાને કારણે આપણે હોંશે-હોંશે એ ખાઈએ પણ છીએ. સામાન્ય રીતે આપણે સમજીએ છીએ કે ઓઈલ અને ઘી એટલે ફેટ, પરંતુ આ ફેટના અનેક પ્રકાર છે. એમાંથી મુખ્યત્વે ત્રણ પ્રકાર છે : સેક્યુરેટેડ ફેટ, અનસેચ્યુરેટેડ ફેટ અને ટ્રાન્સ ફેટ.

ન્યુટ્રિશન અને ડાયટ વિશે જાગૃતિ વધતાં પહેલી બે પ્રકારની ફેટ વિશે લોકો જાણવા લાગ્યા છે. છેલ્લા થોડાક સમયથી ટ્રાન્સ ફેટથી શરીરને કેટલું નુકસાન થાય છે એ વિશે ચર્ચા થાય છે, પરંતુ આ ફેટ શું છે, એ કઈ ચીજોમાં રહેલી છે અને શું નુકસાન કરે છે એ જાણવું જરૂરી છે.એક જમાનામાં ગરીબ અવસ્થાનું પ્રતીક ધરાવતું વેજિટેબલ ‘ઘી’ આજે અનેક ખાદ્યપદાર્થોનું અનિવાર્ય ઘટક બની ગયું છે. તેમાં પણ વિજ્ઞાાનીઓએ જ્યારથી જાહેર કર્યું છે કે ટ્રાન્સફેટ નામના ખતરનાક દ્રવ્ય ધરાવતા વેજિટેબલ ‘ઘી’થી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે, ત્યારથી દેશમાં કયા કયા પદાર્થોમાં વેજિટેબલ ‘ઘી’ વપરાય છે, તેની ચર્ચાએ જોર પકડયું છે. આ તમામ પદાર્થોની આપણા આહારમાંથી હકાલપટ્ટી કરવામાં નહીં આવે તો ગમે ત્યારે હૃદયરોગનો હુમલો આવી શકે છે, એમ નિષ્ણાતો કહે છે. હકીકતમાં ભારતમાં વધી રહેલા હૃદય રોગ માટે વધી રહેલો ટ્રાન્સફેટનો ઉપયોગ જ જવાબદાર હોવાનું નિષ્ણાતો માને છે. 

આજે આપણે બજારમાંથી જે અનેક જાતના તૈયાર ખાદ્ય પદાર્થો લાવીને ખાતા હોઈએ છીએ તેમાં આપણી જાણબહાર વેજિટેબલ ‘ઘી’ આપણા પેટમાં ચાલ્યું જાય છે અને હૃદયને નબળું પાડવાની કામગીરીનો આરંભ કરી દે છે. આપણે જે ચોકલેટ અને બિસ્કીટ ખાઈએ છીએ, તેમાં વેજિટેબલ ‘ઘી’નો ઉપયોગ કરવામાં આવે છે. આઇસક્રીમ અને કેક ટ્રાન્સફેટ વગર બનતા જ નથી. તેમાં પણ શાકાહારીઓ માટે બનાવવામાં આવતી એગલેસ કેકમાં અને વેજ. આઇસક્રીમમાં તો વેજિટેબલ ‘ઘી’નો અચૂક ઉપયોગ કરવામાં આવે છે. બેકરીમાંથી ખરીદવામાં આવતી ખારી બિસ્કીટમાં અને ટોસ્ટમાં અને સુરતની સ્વાદિષ્ટ નાનખટાઈમાં અચૂક વેજિટેબલ ‘ઘી’ વાપરવામાં આવે છે. કંદોઈને ત્યાં મળતા ગળ્યા સાટા, ખાજલી, જલેબી અને ઘારીમાં વેજિટેબલ ‘ઘી’ જ વાપરવામાં આવે છે. શુદ્ધ ઘીમાં ભેળસેળ કરવા માટે પણ વનસ્પતિ ‘ઘી’નો ઉપયોગ કરવામાં આવે છે.એક વાત સમજી લો કે ટ્રાન્સફેટ તરીકે ઓળખાતો ખતરનાક પદાર્થ કુદરતમાં ક્યાંય મળતો નથી. આ રાક્ષસને કાળા માથાના માનવીએ ફેક્ટરીમાં પેદા કર્યો છે અને તે હવે માણસના કાબૂ બહાર નીકળી ગયો છે. કોઈ પણ વનસ્પતિ તેલને ભારે ગરમી આપવામાં આવે અને તેમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે ત્યારે તેનું રૂપાંતર પ્રવાહીમાંથી ઘન સ્વરૂપ ધરાવતા હાઇડ્રોજનેટેડ વેજિટેબલ ઑઇલમાં થાય છે, જેને આપણે વેજિટેબલ ‘ઘી’ તરીકે ઓળખીએ છીએ. આ પદાર્થમાં તળવામાં આવતા પદાર્થો જલદી બગડતા નથી, તે નરમ નથી પડી જતા અને ખૂબ સસ્તા પડતા હોવાથી આપણા દેશમાં ટ્રાન્સફેટનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે.

ખોરાકમાંની ફેટનું શરીરમાં એનર્જીમાં રૂપાંતર કરવું અઘરું હોય છે ત્યારે એ ફેટ રક્તવાહિનીઓમાં જમા થઈ જાય છે અને લોહીમાં કોલેસ્ટરોલ લેવલ પર અસર કરે છે. ટ્રાન્સ ફેટ શરીરને બે રીતે ખતમ કરે છે. એ લોહીમાંના ખરાબ કોલેસ્ટરોલ તરીકે ઓળખાતા એલડીએલ  કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે છે અને શરીર માટે ગુણકારી અને જરૂરી ગણાતા એચડીએલ કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડે છે. આને કારણે મેદ વધે છે અને કોરોનરી હાર્ટડિસીઝનું રિસ્ક અનેકગણું વધે છે.આ ટ્રાન્સફેટ જો મગજના કોષોમાં પોતાનું ઘર બનાવે તો તેનાથી અલઝાઇમર્સ અને ઓટોઇઝમ જેવી બીમારીઓ થાય છે. ટ્રાન્સફેટથી સ્થૂળતા આવે છે અને ડાયાબિટીસ જેવી અસાધ્ય બીમારીઓ પણ થાય છે. આજની બેઠાડુ જિંદગીને કારણે જેટલી બીમારીઓ થાય છે, તે કહેવાતી લાઇફસ્ટાઇલ બીમારીઓમાં ટ્રાન્સફેટની મહત્ત્વની ભૂમિકા રહેલી છે.કોલેસ્ટરોલની થિયરી અસ્તિત્વમાં આવી એ પહેલાં ભારતીય ખોરાકમાં ઘી અને નાળિયેર તેલનું પ્રમાણ વધુ રહેતું હતું. આ બંનેમાં એન-૬/એન-૩નું પ્રમાણ નહિવત હતું અને આને લીધે જ ડાયાબિટીસ અને હૃદયરોગનું પ્રમાણ સદીઓ સુધી ખૂબ જ નીચું રહ્યું હતું. રોજિંદા દૂધ-શાકાહારી ખોરાકને લીધે એન-૬ જોઈતું મળી રહેતું હતું અને એન-૩ લીલાં પાનવાળાં શાકભાજીમાંથી પૂરતા પ્રમાણમાં મળતું હતું. આજે વિશ્વમાં હૃદયરોગ, બ્લડપ્રેસર, ડાયાબિટીસ જેવાં  બધા જ રોગોનું મૂળ કારણ ફિલ્ટર અને ડબલ ફિલ્ટર તેલ છે અને ઘી ખાવાનું બંધ કર્યું તે છે. આવા બધા જ ફિલ્ટર તેલમાં એન-૬/એન-૩નો ગુણોત્તર વધુ હોય છે. હવે આપણે આ રેશિયો (ગુણોત્તર)ને બદલવો જોઈએ.

દરેક વ્યક્તિએ રસોઈના તેલ-ઘીની મર્યાદા દર મહિને ૫૦૦ ગ્રામથી વધવી ન જોઈએ અને આ ચરબી નાળિયેર તેલ કે ઘીમાંથી મળવી જોઈએ. આવા સાદા ઉપાયોથી જ ભવિષ્યમાં આપણે આપણાં બાળકોને ડાયાબિટીસ, બ્લડપ્રેસર અને હૃદયરોગથી બચાવી શકીશું.દુનિયાભરના આરોગ્યશાસ્ત્રીઓ આજે આહારમાં ટ્રાન્સફેટની હાનિકારક અસરો બાબતમાં ખતરાની ઘંટડી વગાડી રહ્યા છે. ડેન્માર્કની અને કેનેડાની સરકારે ખાદ્યપદાર્થોમાં ટ્રાન્સફેટના પ્રમાણને નિયંત્રિત કરવા માટે કાયદાઓ કર્યા છે. અમેરિકાએ જે ખાદ્યપદાર્થમાં ટ્રાન્સફેટ હોય તેના લેબલ ઉપર તેની માહિતી લખવાનું ફરજિયાત બનાવ્યું છે. ભારતમાં કેન્દ્ર સરકારનું આરોગ્ય ખાતું પણ જાગ્યું છે. આપણા દેશમાં  કોઈ પણ તૈયાર ખાદ્ય પદાર્થમાં ટ્રાન્સફેટ હોય તેના પેકિંગ ઉપર લખવું પડશે કે તેમાં કેટલું ટ્રાન્સફેટ છે અને તેનાથી આરોગ્યને શું હાનિ થાય છે. ભારત જેવા દેશમાં જ્યાં સિત્તેર ટકા કરતા વધુ લોકો અંગ્રેજી વાંચી નથી શકતા ત્યાં બિસ્કીટ કે વેફર્સનો પેકેટ ઉપર કીડીના ટાંગા જેવા અક્ષરમાં લખવામાં આવ્યું હોય કે ટ્રાન્સફેટથી આરોગ્યને નુકસાન થાય છે, તેનાથી શું ફરક પડવાનો છે ? હકીકતમાં સરકારે પ્રજાના આરોગ્યનું સત્યાનાશ કાઢતા વેજિટેબલ ‘ઘી’ બનાવવાના ઉદ્યોગ ઉપર જ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. ભારતમાં વનસ્પતિ ‘ઘી’ના ઉત્પાદન અને વેચાણમાં પ્રારંભથી જ મલ્ટીનેશનલ કંપનીઓ મોખરે છે. આ કંપનીઓની વગને કારણે જ સરકાર ટ્રાન્સફેટ ઉપર પ્રતિબંઘ મૂકતા સંકોચનો અનુભવ કરે છે.

સરકાર કાંઈ કરે કે ન કરે; આપણા શરીરને અને આપણા પરિવારને ટ્રાન્સફેટથી બચાવવાનું આપણા હાથમાં છે. આપણે નક્કી કરીએ કે ઘરમાં કદી વેજિટેબલ ‘ઘી’ લાવીશું નહીં અને બજારમાંથી વેજિટેબલ ‘ઘી’માંથી બનાવેલા ખાદ્યપદાર્થો ખાઈશું નહીં, તો કમ સે કમ આપણે તો આ રાક્ષસથી બચી શકીએ તેમ છીએ. આ તમામ પદાર્થોને આપણા આહારમાં બ્લેક લિસ્ટ કરવામાં આવે તો આપણા હૃદય ઉપરનું એક મોટું જોખમ તો જરૂર દૂર થશે અને ડાયાબિટિસ પેશન્ટની હાલત વધુ બગડશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *