વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર હજુ તો લગ્નને ત્રણ જ મહિના થયા છે, ને આ જીવ સટોસટની જંગમાં જવાનો ઓર્ડર આવી ગયો! 

‘આ પણી પ્રેમિલા હવે પચ્ચીસ વરસની થઇ, તેના લગ્ન માટે મુરતિયા જોવા પડશે’ પ્રેમિલાની માતા તેના પિતા પરેશભાઈને કહી રહી હતી.પ્રેમિલાએ કોલેજમાં માસ્ટર્સની ડીગ્રી મેળવી પછી જ છોકરા જોવાની હા પાડી. દેખાવમાં સુંદર, ગોરી, ચતુર પ્રેમિલાને તો મીલીટરી ઓફિસર છોકરા જ જોવા હતા.

તેના માબાપે બહુ સમજાવી, ‘બેટા, મીલીટરીવાળાની જિંદગીનું કોઈ ઠેકાણું નહીં, યુદ્ધમાં ક્યારે શહીદ થઇ જાય તે કહેવાય નહીં!’ તેના પપ્પા પરેશભાઈએ તેને સમજાવતા કહ્યું.

‘ભલે પપ્પા, એવા બહાદુર ઓફીસર દેશની રક્ષા કરતા ફના થઈ જાય, તો મને ગર્વ થશે. માભોમની રક્ષા કરતાં જાંબાઝ સિપાઈઓ મને પહેલેથી ગમે છે.’ પ્રેમિલાએ જવાબ આપ્યો.

‘પણ બેટા, મીલીટરીવાળાઓની ટ્રાન્સફર ઓલ ઇન્ડીયામાં ગમે ત્યાં થાય, આજે આસામ હોય તો કાલે કેરાલા.’ પરેશભાઈએ ફરી સમજાવતા કહ્યું.

‘ભલે, હું હમેશા તેની સાથે રહીશ.’ પ્રેમિલા મક્કમ હતી.

હવે તેના માબાપને સમજાવવા જેવું હતું જ નહીં. તેણે બે ત્રણ મીલીટરીમેન જોયા, પણ મેળ પડયો નહીં. અંતે કેપ્ટન પ્રમોદ શર્મા તેને પસંદ પડી ગયા. ઊંચા ખડતલ દેહ, મેચોમન જેવા સિક્સ એબ્સ, અને આત્મવિશ્વાસથી ભરપુર ચહેરો પ્રેમિલાને ગમી ગયો. બન્નેનો પર્સનલ ઈન્ટરવ્યું ગોઠવાયો.

‘યુધ્ધ દરમ્યાન મોત કે ઈજાનો ડર નથી લાગતો?’ પ્રેમિલાએ પુછયું.

‘મોત તો એક દિવસ નક્કી જ છે. દેશ માટે કે સારા કામ કરતા મોત આવે તો તેનાથી રૂડું શું ?’ કેપ્ટને જવાબ આપ્યો. વાહ શું ઉમદા વિચાર છે ! એવું વિચારતાં પ્રેમિલા ખુશ થઇ ગઈ. કેપ્ટન પ્રમોદનો દેશ પ્રેમ અને મરી ફીટવાની તમન્ના પ્રેમિલાને ગમી ગયા.

લગ્ન પછી કેપ્ટનનું પોસ્ટીંગ દિલ્હીમાં થયું. તેની કામ કરવાની લગન, દેશદાઝ બધાથી ઊંચા હતા. પ્રેમિલા એકલી કેપ્ટનની રાહ જોતી બેસી રહેતી. નવા લગ્ન, નવો પ્રેમ બન્ને એક બીજામાં મગ્ન હતા. કેપ્ટન ડયુટી પરથી આવે અને પ્રેમિલા ચાનો કપ લઈને હાજર.

ખુબ જ કસરત અને માર્ચ કરીને આવેલા કેપ્ટન બુટ મોજા કાઢે તો તેમાંથી પસીનાની દુર્ગંધ આવવા લાગે. તેના કપડામાંથી પણ પરસેવાની ગંધ આવતી હોય. પ્રેમિલાને આની સખત નફરત અને અણગમો હતા. 

કેપ્ટન તેને ચોંટવા જાય કે આલીંગનમાં લેવા જાય તો પ્રેમિલા દુર ભાગે. બુટ મોજા બહાર કઢાવી તરત મોજા ધોવા નાખી દે, કેપ્ટન કપડા કાઢી, સ્વચ્છ પાણીથી ન્હાય અને નવા કપડા પહેરે પછી જ એની પાસે આવે અને બન્ને અંગત પળો માણે.

કેપ્ટન કહે ‘પ્રેમિલા, પસીનો અને લોહી તો અમારી સાથે જોડાયેલા છે એની નફરત કેમ ?’

‘મને જરાય ગમતું નથી, બસ.’ પ્રેમિલાનો એક જ જવાબ.

સુંદર કામગીરી, બહાદુરી અને ચપળતાથી કેપ્ટનનું સિલેકશન બ્લેક કમાન્ડો માટે થઇ ગયું. આમાં હોશિયાર મીલીટરીમેન અને પોલીસમેનનું સિલેકશન થતું હોય છે. તેમનું મુખ્ય કામ દેશના મહાનુભાવોની સુરક્ષા અને અચાનક કોઈ એટેક થાય તો તરત જ વળતો જવાબ આપવા તૈયાર રહેવાનું.

શિયાળાની શરૂઆતનો નવેમ્બર માસ. રાતના સાડા આંઠ વાગ્યા હશે, અને અચાનક સમાચાર આવ્યા મુંબઈ પર આતંકી હુમલો થયો છે. પાકિસ્તાનથી આતંકીઓ મશીનગન અને બોમ્બ લઇ મહાનગર મુંબઈમાં આતંક ફેલાવવા જ આવ્યા હતા. મુંબઈમાં ચાર જગ્યાએ આતંકીઓએ હુમલા કર્યાં, તાજ પેલેસ હોટલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ, નરીમાન લાઈટ હાઉસ અને લિયોપોલ્ડ કાફે.

મુંબઈ પોલીસને જાણ થતાં દોડાદોડી મચી ગઈ. કેપ્ટન પ્રમોદની ટીમ બ્લેક કમાન્ડો સાથે દિલ્હીથી મુંબઈ તૈનાત થઇ ગઈ. રાત્રે દશ વાગે તો કેપ્ટન તાજપેલેસ હોટલ ટીમ સાથે પહોચી ગયા. જતી વખતે પ્રેમિલા રડી પડી, હજુ તો લગ્નને ત્રણ જ મહિના થયા છે, ને આ જીવ સટોસટની જંગમાં જવાનો ઓર્ડર આવી ગયો! 

કેપ્ટને સાંત્વના આપતાં કહ્યું. ‘હું મુંબઈને રગદોળી નાખનાર આંતકવાદીઓનો ખાત્મો કરી નાખીશ.’

ખરેખર એ માટેનો સમય આવી ગયો. આંતકવાદીઓ અંધાધુધ ગોળીબાર કરી રહ્યા હતા. અનેક લોકો ગોળીથી વિંધાઈને પડી રહ્યા હતા. કેપ્ટન પ્રમોદ બહાદુરીપૂર્વક અંદર ઘૂસીને સામનો કરી રહ્યા હતા. આંતકવાદીઓની ગોળીથી બે બ્લેક કમાન્ડો ઘાયલ થઇ પડયા. તેને સ્ટ્રેચરમાં લઇ જતા નિહાળી પ્રેમિલા શોકગ્રસ્ત થઇ ગઈ. એમનું શું થશે?

અરેરે! મેં આવા મીલીટરીમેનને ક્યાં પસંદ કર્યાં? તેના જીવનનો તો કોઈ ભરોસો જ નથી. ત્યાં તેના અંતર મને લપડાક મારી, મુરખ લોકોના, બાળકોના, અને સ્ત્રીઓના જીવ બચાવવા અને દેશ માટે ફના થવાથી ઉત્તમ કામ બીજું શું હોઈ શકે ?

કેપ્ટન હોટલમાં સલવાયેલી સ્ત્રીઓ અને બાળકોને સલામત સ્થળે ખસેડી રહ્યા હતા. ત્યાં તો એક ગોળી સનનન… કરતી આવી અને તેના ખભાને અડીને નીકળી ગઈ. કેપ્ટને જરાપણ ડર્યા વગર સામે ગોળીબાર કરી બે આંતક્વાદીનો સફાયો કરી નાખ્યો. હજુ ગોળીઓની રમઝટ ચાલુ જ હતી. પ્રેમિલા ટીવી પર આ બધું જોઇને રડમસ થઇ ગઈ. હે ભગવાન ! મારા નાથને બચાવજે !

બીજો આખો દિવસ દોડાદોડી અને ભાગમભાગમાં નીકળી ગયો. રાત પડી ગઈ પ્રેમિલા ચિંતામાં ને ચિંતામાં જમે શું અને ઊંઘ ક્યાંથી આવે ?

રાત્રે એક વાગે તેનો ડોરબેલ વાગતા પ્રેમિલા ફફડી ગઈ. એમનું ડેથબોડી લઈને આવ્યા કે શું ? દરવાજો ખોલતા સામે કેપ્ટન પ્રમોદને જોતા તેને વળગી પડી. ‘આહા ! મારા નાથને ભગવાને બચાવી લીધા !’

‘અરે! પણ મને ગંદા મોજા અને લોહી પસીનાવાળા કપડાં તો કાઢવા દે. તને તેની નફરત છે ને !’ કેપ્ટને કહ્યું.

‘અરે, મારા પ્રાણનાથ ! આજે તો મને એ પસીના અને લોહીમાં તમારા કર્મોની સુવાસ આવે છે.’ દશ મિનીટ ચોંટી રહ્યા પછી પુછયું, ‘આ બધું બન્યું કઈ રીતે?’

કેપ્ટને કહ્યું ચાર આંતકીઓને મારતા હું ઘાયલ થયેલો, એટલે મને અને બીજા કમાન્ડોને સ્પેશ્યલ ફ્લાઈટમાં અહીં દિલ્હી લાવ્યા, એમ્બ્યુલેન્સમાં હોસ્પિટલ પહોચતા ડોકટરે મામુલી ઈજા છે, કહીં મલમપટ્ટી કરી જવા દીધો. ત્યાંથી સીધો વાનમાં ઘરે આવ્યો અને તને સરપ્રાઈઝ આપવા જ રસ્તામાંથી ક્યાય ફોન ના કર્યો.

લાસ્ટ સ્ટ્રોક : 

સારા કર્મો માટે, દેશ બચાવવા માટે કે નબળા લોકોના રક્ષણ માટે પેદા થયેલો પરસેવો અને વહી ગયેલું લોહી હમેશા નફરત નહીં, પ્રેમ જ વરસાવે છે.  તેનું સન્માન કરો. સલામ કરો. જય હિન્દ.