બે ‘લક’ સ્ટોરીઝ

  રજનીગંધા-વિભાવરી વર્મા દરવાજો ખોલ્યો તો એક પાતળી સરખી ક્યુટ છોકરી ઊભી હતી : ‘સર, તમારું પાર્સલ છે. પ્લીઝ સહી કરો ને.’

આ જે બે સ્ટોરીઝ છે. એક આકાશની, બીજી અવનિની. બન્નેમાં એક કોમન ફેકટર છે : ‘લક’.પહેલાં આકાશની સ્ટોરી…આકાશ સુખી ઘરનો હેન્ડસમ છોકરો હતો. ભણવામાં રસ નહોતો પણ કોલેજ જતો હતો. કોલેજમાં પણ રસ નહોતો પણ રખડવામાં રસ હતો.

એક દિવસ રખડતાં રખડતાં એણે જોયું કે અહીં કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. એ શૂટિંગ જોવા ઊભો રહ્યો. પણ શૂટિંગ અટકી પડયું હતું. હિરોઈનની ખોપરી છટકેલી હતી કેમકે હિરો ત્રણ ત્રણ કલાક તડપાવ્યા પછી હજી આવ્યો જ નહોતો.આખરે હિરોઈને પ્રોડયુસર આગળ જઈને કહ્યું ‘કાં તો તમારા હિરોને ફિલ્મમાંથી પડતો મુકો કાં તો હું ફિલ્મ છોડીને જતી રહું છું !’પ્રોડયુસર ગભરાયો. ‘ના ના, તમે શા માટે ફિલ્મ છોડો છો ? પણ નવો હિરો લાવવો ક્યાંથી ? એ કંઈ રસ્તામાં થોડો પડયો છે ?”રસ્તામાં ?…’ હિરોઈને નજર ફેરવી. અને અહીં ‘લક’ જુઓ !!

હિરોઇનની નજર ચોકલેટી, હેન્ડસમ અને ક્યુટ દેખાતા આકાશ ઉપર પડી. એણે કહ્યું ‘હેય યુ ! તારે હિરો બનવું છે ?”હું ? હિરો ?’ આકાશે આ તક ઝડપી લીધી. ‘યસ’ વ્હાય નોટ ?અને આકાશ ફિલ્મનો હિરો બની ગયો ! હિરો તરીકે એણે ખાસ કંઈ કરવાનું નહોતું.બે ત્રણ ગાયનો ગાવાનાં હતાં. થોડા રોમેન્ટિક સીન ભજવાના હતા. એ સિવાય જલસા જ જલસા હતા. ફિલ્મ રીલિઝ થઇ. હિટ પણ થઈ ગઈ.એ પછી જોંતજોતામાં આકાશ મોટો સ્ટાર બની ગયો. એક પછી એક ચાર ફિલ્મો ચાલી ગઈ. આકાશ હવે હવામાં હતો. ચમચાઓથી ઘેરાયેલો હતો. છોકરીઓ એની પાછળ પાગલ હતી. એ રોજના સેંકડોના હિસાબે ઓટોગ્રાફ આપતો. સેલ્ફીઓ પડાવતો…આકાશનો ‘ઈગો’ આસમાન પર હતો.

પણ ‘લક’ નામનું ચક્કર ફરી એકવાર ફર્યું. આકાશની ફિલ્મો ફલોપ જવા માંડી ચમચાઓ દૂર જતા રહ્યા. છોકરીઓ ભાવ નહોતી આપતી. પોતાના બેફામ ખર્ચાઓને કારણે આકાશ બંગલામાંથી મામૂલી ફલેટમાં આવી ગયો. એનો સ્વભાવ ચીડચીડો થઈ ગયો.એવામાં એક દિવસ એના ફલેટના દરવાજે ટકોરા પડયા. દરવાજો ખોલ્યો તો એક પાતળી સરખી ક્યુટ છોકરી ઊભી હતી : ‘સર, તમારું પાર્સલ છે. પ્લીઝ સહી કરો ને.’આકાશને જરા નવાઈ લાગી. એક છોકરી ડિલીવરી ગર્લનું કામ કરે છે ? તેણે પેન કાઢી. તે સહી કરવા ગયો. પણ પેન ચાલતી નથી !

આકાશ પેનને ઘસે છે, વારંવાર ખંખેરે છે, જોરથી દબાવીને લખે છે પણ પેન ચાલતી નથી. આકાશને વિચાર આવી જાય છે : ‘સાલું, શું ‘લક’ છે ? એક સમયે હું રોજના સેંકડો ‘ઓટોગ્રાફ’ આપતો હતો…અને આજે ? મારી પેન પણ દગો દઈ રહી છે ?”સર, મારી પેન આપું ?’ છોકરી કહે છે.આકાશ પેન લેતાં કહે છે, ‘એક મિનિટ, અંદર આવો ને ?’ છોકરી અંદર આવે છે. દિવાલો પર લાગેલા ફોટા જોઈને કહે છે : ‘વાઉં ! તમે ફિલ્મ સ્ટાર છો ?’ મેં તમારી ફિલ્મો જોઈએ છે !

આકાશ કહે છે : ‘છોડોને, નસીબના ખેલ છે, નસીબે મારી સાથે દગો કર્યો છે. એની વે, તમે છોકરી થઈને આ ડિલીવરી બોયનું કામ શા માટે કરો છો ?’ હવે સ્ટાર્ટ થાય છે અવનિની સ્ટોરી.અવનિ એના દાદા-દાદીના ઘરે ઉછરી હતી કેમકે એનાં માબાપ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતાં. સમય જતાં દાદા અને દાદી પણ અવનિનો સાથ છોડીને સ્વર્ગે સીધાવી ગયાં. અવનિ ભણવા માટે શહેરમાં આવી છે. ભણવાની ફી ભરવા માટે તે ડિલીવરી ગર્લનું કામ કરે છે.પરંતુ એની કહાણીમાં પણ ‘લક’નો ટર્ન છે…

એકવાર ભારે વરસાદની રાતે તેને એક મોટું ‘અરજન્ટ’ પાર્સલ ડીલીવર કરવાનું હતું. ઘૂંટણ સમાણાં પાણીમાં પણ તે સ્કૂટી ઢસડીને પહોંચી ગઈ. તે એક નાટક મંડળીનું સરનામું હતું. નાટકના કલાકારો અવનિ ઉપર ખુશ-ખુશ થઈ ગયા, કેમકે મોટા પાર્સલમાં એમના નાટકનાં કોસ્ચ્યુમ્સ હતા ! નાટકના કલાકારોની અવનિ સાથે ફ્રેન્ડશીપ થઈ ગઈ.અવનિ વારંવાર એમનાં નાટકનાં રિહર્સલો જોવા માટે સમય કાઢીને પહોંચી જતી હતી. આ એક અદ્ભૂત નાટક હતું જેમાં હિરોઈનની લાઈફ દર્દ, કમનસીબી અને સંઘર્ષથી ભરપૂર છે. અવનિને લાગતું કે આ તો જાણે મારી જ સ્ટોરી છે !એક દિવસ અવનિનું ‘લક’ પણ ફર્યું…

બરોબર શોના આગલે દિવસે હિરોઇન બિમાર પડી ગઈ. ‘શીટ !’ હવે આ રોલ કોણ કરશે ? શો કેન્સલ કરવો પડશે ! ડિરેક્ટરની અકળામણ વચ્ચે અવનિએ કહ્યું, ‘સર, હું ટ્રાય કરી જોઉં ? મને બધા જ સંવાદો મોઢે છે !’અને ખરેખર, અવનિએ જે રીતે દ્રશ્યો ભજવ્યાં તે જોઈને ડિરેક્ટર આફરીન પોકારી ગયા. ‘આજથી તું જ આ નાટકની હિરોઇન હશે !’અવનિએ પોતાની સ્ટોરી આકાશ આગાળ પુરી કરતાં કહ્યું, ‘સર, આ રવિવારે અમારા એ નાટકનો પાંચમો શો છે. તમે આવશો ?’આકાશ નવરો હતો. ઉપરથી તેને આ છોકરીમાં રસ પડી ગયો હતો. તેણે હા પાડી.

શોના દિવસે આકાશે જોયું તો અહીં પ્રેક્ષકો માંડ પચાસ પણ નહોતા ! છતાં અવનિ પોતાના રોલમાં પોતાનો પ્રાણ રેડીને એક્ટિંગ કરી રહી હતી. એક ક્ષણે તો એનો અભિનય જોઈને આકાશની આંખોમાં આંસુ પણ આવી ગયાં !નાટક પૂરું થયું. પ્રેક્ષકોએ તાળીઓ પાડી. પણ કોઇ અવનિનો ઓટોગ્રાફ લેવા ન ગયું. કોઈએ અવનિ સાથે સેલ્ફી પણ ના લીધી. આકાશે અવનિ પાસે જઈને કહ્યું : ‘તું શા માટે આટલી બધી મહેનત કરે છે ? પ્રેક્ષકોને તો તારી કદર સુદ્ધાં નથી.’અવનિએ કહ્યું : ‘હશે, પણ મને તો ગજબનો આનંદ મળે છે ને ! હા, નાટક હિટ થાય અને પ્રેક્ષકો મને ઘેરી વળે તો એ આનંદમાં વધારો જરૂર થાય. પણ ફલોપ જાય તો ઘટાડો તો ન જ થાય ને ?’એ દિવસે આકાશને કંઈક સમજાયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *